છુટક બજારમાં લીંબુના એક કિલોના ભાવ રૂ. 250 સુધી પહોચતા ગૃહીણીઓમાં દેકારો
રાજકોટ ન્યૂઝ : સ્વાદ પ્રિય જનતાના દાંત લીંબુએ ખાટા કરી નાખ્યા છે. ઉનાળાની સિઝનના આરંભે માંગમાં વધારો થતાં જેની સામે વિપરીત વાતાવરણના કારણે લીંબુના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજકોટ માકેટીંગ યાર્ડમાં લીંબુના એક કિલોના ભાવ રૂ. ર00 એ આંબી ગયા છે. જયારે છુટક બજારમાં રૂ. રપ0 રૂપિયામાં કિલો લીંબુ વેચાય રહયા હોવાના કારણે ગૃહીણીઓમાં દેકારો બોલી ગયો છે.
થોડા સમય પહેલા લસણના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી હતી. એક કિલો લસણના ભાવ 400 રૂપિયાને પાર થઇ ગયા હતા જો કે હવે 100 થી 1રપ રૂપિયામાં લસણ મળી રહ્યું છે. લસણ માંડ શાંત થયું ત્યાં લીંબુએ ઉપાડો લીધો છે ઉનાળાના આરંભે જ લીંબુની માંગમાં વધારો થયો છે. ત્યારે ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા છે. એક સમયે 30 થી 40 રૂપિયામાં કિલો વેચાતા લીંબુના ભાવ રપ0 રૂપિયાએ આંબી ગયો છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ગત સપ્તાહે ર0 કિલો લીંબુ ભાવ 1800 થી ર400 બોલાયા હતા. દિન પ્રતિદિન લીંબુના ભાવમાં વધારો થઇ ગયો છે. નજીકના દિવસોમા લીંબુના ભાવમા ઘટાડો થવાનો કોઇ જ સંભાવના નથી. લીંબુ રોજે-રોજ નવી સપાટી હાંસલ કરતું રહેશે.