- 2017માં ભાજપનો વોટશેર 49.10 ટકા રહ્યો હતો અને 99 બેઠકો મળી હતી, આ વખતે વોટ શેર 52.50 ટકા રહેતા બેઠકો મળી 156
- કોંગ્રેસના વોટશેરમાં 14.10 ટકાનું ધોવાણ: “આપ” પ્રથમ ચૂંટણીમાં 12.92 ટકા મત મેળવી ગયું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સતત સાતમી વખત સત્તા હાંસલ કરવામાં સફળ રહ્યું છે. 2017ની સરખામણીએ વોટશેરમાં માત્ર 3.40 ટકાનો વધારો થતા ભાજપે ગુજરાતમાં સૌથી વધુ બેઠકો જીતવાના રેકોર્ડ સાથે સત્તા હાંસલ કરી છે. બીજી તરફ કોંગ્રેસના વોટશેરમાં પાંચ વર્ષમાં 14.10 ટકાનો ઘટાડો થતા પંજાનું ધોવાણ થઇ ગયું છે. પ્રથમવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ 12.92 ટકા વોટ શેર સાથે રાષ્ટ્રીય પાર્ટીનું બિરૂદ મેળવી લીધું છે.
2017માં પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસરો જોવા મળી હતી. જેના કારણે ભાજપ ડબલ ડિજિટમાં સમેટાય ગયું હતું. 2017માં ભાજપનો વોટશેર 49.10 ટકા રહેવાના કારણે માત્ર 99 બેઠકો મળી હતી. પાંચ વર્ષમાં ભાજપના વોટશેરમાં માત્ર 3.40 ટકાનો વધારો થયો છે. જ્યારે બેઠકો 99થી વધી 156એ પહોંચી જવા પામી છે. ભાજપની બેઠકમાં 57નો વધારો થયો છે અને રાજ્યમાં ઐતિહાસિક જીત મળી છે. 2017માં કોંગ્રેસનો વોટશેર 41.40 ટકા રહેવા પામ્યો હતો ત્યારે કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. આ વખતે કોંગ્રેસને મળતા મતોમાં ભારે ખમ ધોવાણ થઇ ગયું છે. 14.10 ટકા વોટશેર ઘટવાના કારણે જે કોંગ્રેસ 2017માં 77 બેઠકો જીતી હતી. તે 2022માં માત્ર 17 બેઠકો પર સમેટાય ગઇ છે અને અકલ્પનીય 60 બેઠકોની નુકશાની સહન કરવી પડી છે.
સૌરાષ્ટ્રમાં ભાજપના વોટશેરમાં માત્ર 2.69 ટકાનો વધારો થયો છે અને બેઠકો 23થી વધી 40 પહોંચી જવા પામી છે. 2017માં ભાજપને સૌરાષ્ટ્રમાંથી 45.24 ટકા મતો મળ્યા હતા ત્યારે ભાજપ સૌરાષ્ટ્ર-કચ્છમાં 23 બેઠકો જીત્યુ હતું. આ વખતે સૌરાષ્ટ્રમાં ભાજપનો વોટશેર 2.69 ટકા વધીને 48.93 ટકાએ પહોંચ્યો છે અને બેઠકો 40 પહોંચી જવા પામી છે.
ગુજરાતમાં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીનું પ્રદર્શન સારૂં રહ્યું છે. રાજ્યનાં આમ આદમી પાર્ટી પાંચ બેઠકો જીતવામાં સફળ રહ્યું છે.
આપને 12.92 ટકા મતો મળ્યા છે. હવે તે પ્રાદેશીક પાર્ટીમાંથી રાષ્ટ્રીય પાર્ટી બની જશે. વોટશેરમાં માત્ર 3.40 ટકાના વધારાએ ભાજપની બેઠકમાં 57નો વધારો થયો છે અને વિક્રમજનક જીત મળી છે.
આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી ભાજપ માટે લાભદાયી પુરવાર થઇ છે. કારણ કે આપે મોટાભાગે કોંગ્રેસની વોટ બેન્ક તોડી છે. ભાજપના પરંપરાગત મતો યથાવત રહ્યા છે એટલું જ નહી વધ્યા પણ છે.