લગ્નસ્થળે નશાની હાલતમાં પહોંચેલા કાયદેસરના પતિને પોલીસ હવાલે કરી દેવાયો
બોલીવુડ ફિલ્મની જેમ ગાંધીનગરમાં એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક શખ્સની તેના પત્નીના લગ્નસ્થળ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. પત્નીના લગ્નસ્થળ પાસે આટા-ફેરા કરતા અને જોર જોરથી ચીસો પાડતા કાયદેસરના પતિની ચિલોડા પોલીસે ધરપકડ કરી છે.
ચિલોડા પોલીસમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ દિશા પ્રજાપતિ નામની યુવતી(ઉ.વ. 22) લગભગ ચાર વર્ષ પહેલા વિપુલ ઠાકોર(ઉ.વ. 25) નામના શખ્સ સાથે પ્રેમ સબંધ ધરાવતી હતી.
પ્રેમ સંબંધ બાદ પ્રેમી પંખીડાએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું અને ત્રણ વર્ષ પહેલા ઘીકાંટા ખાતેના મેરેજ રજિસ્ટ્રારની ઑફિસમાં તેમણે લગ્ન કરાર પર હસ્તાક્ષર કરી કાયદેસર લગ્ન ગ્રંથીથી જોડાયા હતા પરંતુ આ અંગે પરિવારમાં કોઈને જાણ નહીં કરવાનું નક્કી કર્યું હતું.
એફઆઈઆર મુજબ તેમણે નક્કી કર્યું કે તેઓ પહેલા તેમના પરિવારને બંનેના પ્રેમ સંબંધ અંગે સમજાવશે અને પછી જ તેઓ તેમના લગ્નનો ખુલાસો કરશે.લગભગ દોઢ વર્ષ પહેલા પત્નીએ પતિને કહ્યું કે તેની સાથે રહી શકે તેમ નથી. તેણીએ કહ્યું કે, તે તેમના લગ્નને સમાપ્ત કરવા માંગે છે અને તેની સાથે કોઈ સંબંધ રાખવા માંગતી નથી.
લગભગ આઠ મહિના પહેલા યુવતીના પરિવારે યુવતીના લગ્ન અન્ય જગ્યાએ નક્કી કરી દીધા. આ અંગે પતિને જાણ થતા પત્નીને ફોન કરીને લગ્ન ચાલુ રાખવા દબાણ કર્યું હતું. પતિના ત્રાસથી કંટાળી પત્નીએ ફોન નંબર બ્લોક કરી દીધો હતો પરંતુ પતિએ અન્ય નંબર પરથી ફોન કરવાનું ચાલુ રાખ્યું હતું.
બાદમાં રવિવારે રાત્રે કાયદેસરનો પતિ લગ્ન સ્થળે નશાની હાલતમાં પહોંચી ગયો હતો અને ત્યાં પત્નીના નામની બૂમો પાડવાનું અને ગીતો ગાવાનું શરૂ કરી દીધું હતું. કાયદેસરના પતિના આ વર્તનને લીધે પત્નીના બીજા લગ્નમાં વિઘ્ન આવશે તેવી ભીતિએ યુવતીના પરિવારજનોએ પોલીસને જાણ કરી કાયદેસરના પતિને પોલીસના હવાલે કરી દીધો હતો.