મનોદિવ્યાંગ બાળકો સાથે વાર્તાલાપ કરતાં કલેકટર

ફેબ્રુઆરી- રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના હસ્તે આશરે 39 જેટલાં મનોદિવ્યાંગ બાળકોને “લીગલ ગાર્ડિયનશીપ” સર્ટિફિકેટ એનાયત કરાયાં હતા.

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા મનોદિવ્યાંગ બાળકોનું આર્થિક અને કાનૂની દ્રષ્ટિએ ભવિષ્ય સુનિશ્ચિત કરવા નેશનલ ટ્રસ્ટ એક્ટ-1999 હેઠળ સેરેબ્રલ પલ્સી, ઓટીઝમ, ડાઉન્સ સીન્ડ્રોમ અને મલ્ટીપલ ડિઝેબિલિટી ધરાવતા બાળકોને “લીગલ ગાર્ડિયનશીપ સર્ટિફિકેટ” આપવામાં આવે છે. ભારતભરમાં આ સર્ટિફેટ આપવાની સત્તા ડિસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટને આપવામાં આવી છે. જે અન્વયે માનવીય અભિગમના દર્શન કરાવતાં કલેકટરશ્રી દ્વારા સર્ટિફિકેટ અર્પણ કરીને વાર્તાલાપ કર્યો હતો.

આ તકે કલેકટર એ કહ્યું હતું કે, મનોદિવ્યાંગ બાળકો માટે “લીગલ ગાર્ડિયનશીપ” સર્ટિફિકેટ એક કિંમતી દસ્તાવેજ છે. આ સર્ટિફિકેટના આધારે બાળકોને સરકારની યોજનાકીય સેવાઓનો લાભ સરળતાથી મળી શકે છે. ઉપરાંત, રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તેમને સહાય પુરી પાડવા માટે સતત પ્રયત્નશીલ છે. આ કાર્યક્રમમાં આઇ.સી.ડી.એસ પ્રોગ્રામ ઓફિસરશ્રી સાવિત્રીબેન નાથજી, સમાજ સુરક્ષા અધિકારીશ્રી મિત્સુબેન વ્યાસ સહિતના અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી  પ્રાર્થનાબેન શેરસીયાએ “લીગલ ગાર્ડિયનશીપ” સર્ટિફિકેટના મહત્વ વિશે જાણકારી આપતાં જણાવ્યું હતું કે, મનોદિવ્યાંગ બાળક 18 વર્ષે પુખ્ત વયનું થાય એટલે તેમના બેન્ક એકાઉન્ટ, વારસાઈ અને નાણાકીય વ્યવહાર અને મિલ્કતો માટે આ સર્ટીફીકેટ ખૂબ અગત્યનું છે. બાળકનો હક કોઈ અન્ય વ્યક્તિ પચાવી ન પાડે, તે માટે કલેકટર ને તેના ગાર્ડિયન નીમવાની સત્તા આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે 18 વર્ષ પહેલાં આ સર્ટિફિકેટ મેળવનાર બાળકે 18 વર્ષનું થયા બાદ ફરીથી આ સર્ટિફિકેટ રીન્યુ કરાવવાનું રહેશે.આ સર્ટીફીકેટના આધારે બાળકોને સરકારની યોજનાકીય સેવાઓનો લાભ સરળતાથી મળી શકે છે.

સરકારની તમામ યોજનાઓનો લાભ દિવ્યાંગોને મળવા જોઈએ: જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ

ડિસ્ટ્રીકટ લેવલ કમિટી ઓન ડિસેબીલીટીની બેઠક જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.સરકાર ની વિકલાંગ કલ્યાણકારી યોજનાઓનો લાભ દિવ્યાંગોને મળે તે માટે અભિયાન ચલાવવા કલેક્ટર  અરૂણ મહેશ બાબુએ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.આ બેઠકનું સંચાલન જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડો.પ્રાર્થના સેરસિયાએ કર્યું હતું. આ તકે પ્રાંત અધિકારી  સંદિપ કુમાર વર્મા, જિલ્લા બાળ સુરક્ષા અધિકાર મિત્સુબેન વ્યાસ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી સહિતના સંબધિત વિભાગના અધિકારીઓ, દિવ્યાંગો માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.