શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષ સ્થાને વીઝન સ્કુલ ઓમ કોલેજ ખાતે યુવા સંમેલન યોજાયું
શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજકોટની ઓમ કોલેજ ખાતે યુવા સંમેલન યોજાયું હતું. જેમાં મંત્રી દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિથી યુવાનોનું ઘડતર અને રાષ્ટ્ર વિકાસમાં યુવાનોની ભાગીદારી વિષય પર યુવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
શિક્ષણમંત્રી પાનશેરિયાએ યુવાનોને કૌશલ્યનો ઉપયોગ કરી પોતાના સામર્થ્યને અનુરૂપ શિક્ષણ નીતિ દ્વારા કેળવણી મેળવી રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપવા માટે હાકલ કરી હતી. સાથે જ યુવાનોને જીવનમાં હકારાત્મક રહી સંઘર્ષ સાથે આગળ વધવા માટે પણ મંત્રીએ પ્રેરણા આપી હતી. મંત્રીએ યુવાનોને નિરાશાથી દૂર રહેવા, નિવ્ર્યસની બનવા અને શ્રમના મંત્રને જીવનમાં ઉતારવા માટે અપીલ કરી હતી.
મંત્રીએ ગુરુકુળ પરંપરા, ગાંધી વિચારધારાની લોકશાળાઓ વગેરે ભારતીય શિક્ષણ પરંપરાના વારસાને નવી શિક્ષણ નીતિ દ્વારા ફરી જાગૃત કરવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
નવી શિક્ષણનીતિમાં ગીતાના પાઠ સાથે વિજ્ઞાનનો સમરસ ભાવ આગામી પેઢીને જ્ઞાન વિકસાવવામાં શ્રેષ્ઠ પરિબળ પૂરું પાડશે તેમ જણાવી, ટેકનોલોજીનો સમજણપૂર્વકનો ઉપયોગ કરી જીવનમાં સારી આદતોને કેળવી માત્ર ગોખણીયુ જ્ઞાન નહીં પણ કૌશલ્ય વિકસાવીને રાષ્ટ્ર નિર્માણના યજ્ઞમાં આહુતિ આપવાનો સંકલ્પ કરવા યુવાનોને જણાવ્યું હતું.
આ તકે મેયર પ્રદીપ ડવએ યુવાનોને ઉર્જાવાન બનવા તથા સંસ્કાર અને યોગ્ય શિક્ષણ થકી ચરિત્ર્યઘડતર કરી સમાજમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
આ યુવાસંમેલનમાં સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા,પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, અગ્રણીઓ સર્વ કિશનભાઇ, કિશોરભાઈ રાઠોડ તથા ઓમ કોલેજના સંચાલકો/ટ્રસ્ટીઓ પરેશ રબારી, પરેશ હાપલિયા, કેતન ખટાણા, પરેશ લીંબાસીયા તેમજ બહોળી સંખ્યામાં યુવાનો, બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
યુવાનોમાં રહેલી પ્રતિભાને વિકસાવશે નવી શિક્ષણ પદ્ધતિ:પ્રફુલભાઈ પાનસેરીયા
ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા એ જણાવ્યું કે,યુવાનોને શ્રેષ્ઠ રીતે પોતાના કેળવણીકારનું શિક્ષણ પ્રાપ્ત થાયએ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નવી શિક્ષણ નીતિની અમલવારી કરવી છે. યુવાનોને જે પ્રવૃત્તિ ગમે છે તેમાં રહેલી તેમની પ્રતિભાને વિકસાવી એનો અલમ કરવુંએ નવી શિક્ષણ પદ્ધતિ છે. રાજકોટ રંગીલું સાથોસાથ સંસ્કારી છે. યુવાનોનું રાજકોટમાં દરેક ક્ષેત્રમાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે.રાજકોટના યુવાનોનું દરેક ક્ષેત્રમાં આત્મીયભાવ રહે એવી શુભેચ્છા પાઠવું છું.
રાજકોટની ધરતી પર શિક્ષણ મંત્રીએ યુવાનોના તમામ પ્રશ્ર્નો ના જવાબ આપ્યા: પરેશભાઈ રબારી
દ્રષ્ટિ પરેશભાઈ રબારી એ જણાવ્યું કે,રાજ્ય શિક્ષણ મંત્રી પ્રથમ વખત જ્યારે રાજકોટની મુલાકાતે આવતા હોય ત્યારે નવી શિક્ષણ નીતિ ને લઈ યુવાનોમાં ઉત્સુકતા વધારે છે તેના સંદર્ભમાં અમે યુવા સંમેલન કાર્યક્રમ યોજયો હતો. કાર્યક્રમમાં યુવાનોના તમામ પ્રશ્નોનોના જવાબ શિક્ષણ મંત્રીએ આપ્યા હતા.યુવાનો અને શિક્ષણ મંત્રી વચ્ચેનો સંવાદ ખૂબ સારો રહ્યો હતો.