36 કિ.મી.ની પરિક્રમામાં દેશ-વિદેશમાંથી લાખો ભાવિકો ઉમટશે: તડામાર તૈયારીઓ
જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં આગામી 4 થી 8 નવેમ્બર અર્થાત કારતક સુદ અગિયારસથી કારતક ુદ-પુનમ સુધી લીલી પરિક્રમા યોજાશે. પાંચ દિવસીય આ પરિક્રમામાં દેશ વિદેશમાંથી લાખો ભાવિકો ઉમટી પડે છે.
જૂનાગઢ વન વિભાગના કાર્યક્ષેત્ર હેઠળ આવતાં ગિરનાર અભ્યારણ્ય વિસ્તારમાં પરંપરાગત રીતે દર વર્ષે કારતક સુદ અગિયારસથી કારતક સુદ પુનમ સુધી ચાર દિવસ(ચાલુ વર્ષે તા.4 થી 8-11-22) સુધી યોજાનારી પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભકતજનો જોડતા હોય છે. જેને લીલી પરિક્રમા તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રતિ વર્ષ યોજાતી આ પરિક્રમામાં કોઇ અનિચ્છિનીય બનાવ ન બને અને યાત્રિકોની સુખ અને શાંતિ જળવાઇ રહે તે માટેની વ્યવસ્થા અને આયોજન જૂનાગઢ વન વિભાગ અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા થતું હોય છે.
કલેકટર રચિત રાજની અધ્યક્ષતામાં ગરવા ગિરનારના ગોદમાં તા.4 થી 8-11-22 સુધી યોજાનારી લીલી પરિક્રમાના આયોજન સંદર્ભે અધિકારીશ્રીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં રોડ રસ્તા, ટ્રાફિક નિયમન, પ્રદૂષણ- સ્વચ્છતા, પીવાના પાણી સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
ગરવા ગિરનારની 36 કિલોમીટરની પરિક્રમાનું આગવું મહત્વ રહેલું છે. તેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે ત્યારે કોરોના મહામારીના પગલે સતત ત્રીજા વર્ષે લીલી પરિક્રમા યોજાનાર હોઇ ભાવિકોનો ઘસારો રહેવાની સંભાવના હોઇ ભાવિકોને અસુવિધા ન થાય તે માટેના સુચનો કલેકટરશ્રીએ અધિકારીઓઓને આપ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરિખ, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી, નિવાસી અધિક કલેકટર એલ.બી.બાંભણીયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર અરવિંદ ભાલિયા અને લક્ષ્મણ સુત્રેજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નાયબ વન સંરક્ષક ડો.સુનિલ બેરવાલે આપેલી માહિતી મુજબ, ગિરનાર પરિક્રમાના રૂટના 8 રસ્તા તથા 3 કેડીઓનું રીપેરીંગ થઇ રહયુ છે, જે પરિક્રમા શરૂ થયે પૂર્ણ થશે. કુલ 9 જગ્યાએ ડંકી, વોટર ટેંક તથા કુવામાંથી પાણી ભરી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. જેમાં ઉત્તર રેન્જમાં જાંબુડી રાઉન્ડ પાસે ભાડવાળી, ચાર ચોક, ડેરવાણ પરબ પાસે પાણીનો પોઇન્ટ એટલે કે ડંકી પણ વન વિભાગ દ્વારા રખાશે.
વર્ષ 2018 માં 81 અન્નક્ષેત્રને પરમીટ અપાઇ હતી. આ વર્ષે જે સંસ્થાઓ માગણી કરશે એમને મંજૂરી અપાશે. ઇટવા ફોરેસ્ટ ગેઇટ ઉપરથી જરૂરિયાત મંદ લોકોને વિનામૂલ્યે લાકડીઓનું વિતરણ કરાશે. અને બોરદેવી ગેઇટ ઉપરથી લાકડીઓ પરત લેવાશે. તેમ ડીસીફએફશ્રીએ વધુમાં જણાવ્યુ હતું.
રેન્જ ફોરેસ્ટ ઓફિસર અરવિંદ ભાલિયાએ જણાવ્યું હતું કે, પરિક્રમા દરમિયાન વન્યપ્રાણી દ્વારા યાત્રિકોને ઇજા નુકશાની ન થાય તે હેતુસર કુલ 13 ફોરેસ્ટ રાવટીઓ કરાશે. દરેક રાવટી ઉપર 2 થી 5નો ફોરેસ્ટ સ્ટાફ ફરજ ઉપર રહેશે. તેમજ ટ્રેકર ટીમ દ્વારા સતત ફેરણું કરી વન્યપ્રાણીઓને લોકટ કરી જરૂરી મોનીટરીંગ કરાશે. પરિક્રમા દરમિયાન નકકી કરેલ કંટ્રોલ પોઇન્ટ ઉપર ફરજ ઉપર કુલ 362 સ્ટાફને તૈનાત કરાયો છે. જેમાં 12 પરીક્ષેત્ર વન અધિકારી, 25 વનપાલ, 120 વનરક્ષક, 160 લેબર, 65 એનજીઓના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.
પરિક્રમા દરમિયાન વન્યપ્રાણીઓ અને યાત્રિકો વચ્ચે ધર્ષણના બનાવ ના બને અને વન્ય પ્રાણીઓ પ્રત્યે જન જાગૃતિ કેળવાય તે માટેની વ્યવસ્થાઓ પણ કરાશે. નળપાણીની ઘોડી તથા ગિરનાર સીડી ખાતે યાત્રિકોની ગણતરી વન વિભાગના સ્ટાફ દ્વારા કરાશે. પરિક્રમા સ્થળ ઉપર 14 થી પણ વધુ વાયરલેસ નેટવર્ક સેટ દ્વારા વન વિભાગ કામગીરી કરશે. વોકીટોકીના માધ્યમથી વન વિભાગના સ્ટાફ દ્વારા દવ રક્ષણ તથા વન્યપ્રાણી સંરક્ષણની કામગીરી કરાશે.
સોમનાથમાં 3 થી 7 નવેમ્બર કાર્તિકી પુર્ણીમાનો મેળો
12 જયોતિંલીંગ પૈકીના પ્રથમ જયોતિલીંગ સેવા સોમનાથ મહાદેવના સાનિઘ્યમાં દર વર્ષે કાર્તિકી પુર્ણીમાનો મેળો યોજાઇ છે. દરમિયાન છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે મેળો યોજાઇ શકયો ન હતો. હવે કોરોનાનો પ્રકોપ ઘટતા રાજય સરકાર દ્વારા તમામ પ્રકારના ધાર્મીક સામાજીક કાર્યક્રમો યોજવાની છુટછાટ આપી છે. દરમિયાન આગામી 3 થી 7 નવેમ્બર સુધી સોમનાથ મહાદેવના સાનિઘ્યમાં કાર્તિક પૂર્ણીમાનો મેળો યોજાશે હિરણ નદીના કાંઠે આવેલા સદભાવના મેદાન ખાતે આ વર્ષ મેળો યોજાશે પાંચ દિવસીય કાર્તિકી પુર્ણીમાના મેળામાં દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે.