કર્મચારીઓ ગ્રાહકોને ઉડાઉ જવાબ આપતા હોવાની ફરીયાદ ; પુછપરછ એજન્સીના ફોન સ્વીચઓફ : વહેલી તકે એલઈડી બલ્બનું વિતરણ કરવા માંગ
કેન્દ્ર અને રાજય સરકાર ઉજ્જવલા યોજના અંતર્ગત વીજળીના બચાવ માટે અમલમાં મુકાઈ છે ત્યારે હળવદ પીજીવીસીએલ કચેરી ખાતે છેલ્લા ૪ મહિનાથી એલએઈડી બલ્બનું વિતરણ બંધ હોવાથી ગ્રાહકોને નાછુટકે મોંઘાદાટ ઉપકરણો ખરીદવા પડે છે જેના કારણે પીજીવીસીએલ કચેરીમાં આવતા ગ્રાહકોને અવારનવાર ધક્કા ખાવા પડે છે જયારે આ બાબતે પીજીવીસીએલ કચેરીના જુનિયર ઈન્જીનીયર દ્વારા લોકોને ઉડાઉ જવાબ આપી પોતાની મનમાની ચલાવી રહ્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે.ત્યારે આ પીજીવીસીએલ કર્મચારી સામે અધિકારી દ્વારા પગલા લેવામાં આવે તેવી કચેરી ખાતે આવતા ગ્રાહકોમાં માંગ ઉઠવા પામી છે.
હળવદ પીજીવીસીએલ કચેરીમાં ઉજ્જવલા યોજના હેઠળ બલ્બ વિતરણ કરવા માટે જે તે એજન્સીને જગ્યા ફાળવેલ છે પરંતુ ઉજ્જવલા યોજનાની બલ્બ વિતરણ કામગીરી છેલ્લા ૪ મહિનાથી સાવ ખાડે ગઈ છે જયારે જે ગ્રાહકો એલઈડી બલ્બ ખરીદી કરી લઈ ગયા હોય તેઓને ત્રણ વર્ષની વોરંટી આપવામાં આવેલ હોય જેથી બલ્બ ખરાબ થઈ જતા લોકો પીજીવીસીએલ કચેરી ખાતે આવતા હોય છે પરંતુ બલ્બ વિતરણની જગ્યા પર સવા મણનું તાળું મારેલું જાઈ પીજીવીસીએલ કચેરીએ આવતા ગ્રાહકોને નાછુટકે વીલા મોઢે પરત ફરવાની ફરજ પડતી હોય છે. જાકે આ અંગે હળવદ પીજીવીસીએલ કચેરીમાં ફરજ બજાવતા જુનિયર કલાર્ક સી.જી. પટેલને પુછતા તેમણે મિડિયા કર્મીઓને ઉડાઉ જવાબ આપી અને છટકબારીની વાટ પકડી હતી.
અત્રે ઉલ્લેખનીય છેકે, હળવદની પીજીવીસીએલ કચેરીમાં ઉજ્જવલા યોજના હેઠળ એલઈડી લાઈટોના વિતરણ કરવાની જગ્યા ફાળવેલ છે પરંતુ તે સ્થળે કામગીરી મે મહિના સુધી બંધ રહેશે તેવી નોટીસ બોર્ડનું પાટીયું લગાવેલ હોય પરંતુ મે માસ પુરો થયાને આજે બે મહિના જેટલો સમય થવા છતાંય આ એલઈડી બલ્બનુંવિતરણ કરતી એજન્સી લાપતા હોવાનું લોકો જણાવી રહ્યા છે.