ઈન્દોર ઘરાનાના પ્રસિધ્ધ ગાયક નરેશકુમાર મલ્હોત્રાએ પ્રાસંગીક લેકચર આપી યુવાઓનો ઉત્સાહ વધાર્યો
અર્જૂનલાલ હિરાણી જનકલ્યાણ ટ્રસ્ટનાં યુવા મેનેજિંગ ટ્રસ્ટી વિવેક હિરાણીએ અર્જુનલાલ હિરાણી કોલેજ ઓફ જર્નાલિઝમ એન્ડ પરફોર્મિંગ આર્ટસના મધ્યસ્થ ખંડ ખાતે ઈન્દૌર ઘરાનાના ખ્યાતનામ શાસ્ત્રીય ગાયક અને આકાશવાણી-દૂરદર્શનના ‘એ’ ગ્રેડનાં કલાકાર નરેશકુમાર મલ્હોત્રાનાં લેકચર-ડેમોન્સ્ટ્રેશન કાર્યક્રમ પ્રસંગે કહ્યું કે, ભારતીય શાસ્ત્રીય સંગીતને ભારતમાં જ પ્રમોટ કરવું પડે તે અત્યંત દુ:ખદ છે. ભારતની યુવા પેઢી અને વિદ્યાર્થીઓએ ભારતીય શાસ્ત્રીય સંગીતની મહાનતાને ઓળખવી પડશે અન્યથા પેઢી દર પેઢીથી ચાલી આવતી આ પરંપરા મજબૂતીને પામી શકશે નહીં.
વિશ્વ વિખ્યાત સિંધ બંધુઓમાંના એક પં.તેજપાલસિંઘનાં શિષ્ય એવા પં.નરેશકુમાર મલ્હોત્રા દેશનાં શાસ્ત્રીય સંગીત ક્ષેત્રનાં અત્યંત પ્રતિષ્ઠિત એવા છ એવોર્ડ મેળવી ચૂકયા છે તેમજ કોઈપણ કલાકાર માટે સ્વપ્નવત એવા આકાશવાણીનાં ત્રણ રાષ્ટ્રીય કાર્યક્રમો ઉપરાંત ભારતભરનાં પાંત્રીસ જેટલા પ્રતિષ્ઠિત સંગતી સમારોહમાં પોતાની કલા રજૂ કરી ચૂકયા છે.
પોતાના લેકચર ડેમોસ્ટ્રેશન દરમ્યાન નરેશકુમાર મલ્હોત્રાએ વિદ્યાર્થીઓની વિશાળ ઉપસ્થિતિમાં શાસ્ત્રીય રાગોમાં બંદિશનું મહત્વ વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે આ વ્યાખ્યાન દરમ્યાન ગાયકી સાથે બંદિશની શાસ્ત્રોકત પરિભાષા, બંદિશ નિર્માણની પૃષ્ઠભૂમિ, બંદિશની ભાષા અને તેનું સૌંદર્ય, એક રાગમાં એકથી વધુ બંદિશનાં ગાયકનું મહત્વ, વિવિધ ઘરાનાઓની બંદિશની વિશેષતાઓ, લયની વિશેષતાઓ તેમજ તરાનાના શબ્દોનાં અર્થની છણાવટને વણી લીધી હતી. કાર્યક્રમ દરમ્યાન પં.નરેશકુમારે વિદ્યાર્થી ઓની જીજ્ઞાસા અને પ્રશ્નોના સંતોષકારક તેમજ વિસ્તૃત ઉત્તર આપીને શૈક્ષણિક સંદર્ભમાં વિદ્યાર્થીઓને એક નવું ભાથું આપ્યું હતું.
આ પ્રસંગે વિવેક હિરાણી ઉપરાંત કોલેજના પ્રિન્સીપાલ ડો.ભારતીબેન રાઠોડ તેમજ આકાશવાણી-રાજકોટના સુગમ સંગીતના ‘બી’ હાઈગ્રેડના કલાકાર તેમજ એમ્પ્લોય નિગમભાઈ ઉપાધ્યાય તથા અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતા.