રાજકોટમાં એક પરિવારે પોલીસ કમિશનરને લેખિતમાં અરજી કરી છે કે તેમના પુત્રને નકલી કિન્નર બનાવી ગેરકાયદેસર રીતે રૂપિયાનું ઉઘરાણું કરાવવામાં આવતું હતું. એટલું જ નહીં ઢિકાપાટુંનો માર મારી ધાક ધમકી આપી હોવાનું અરજીમાં જણાવવામાં આવ્યું છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે તેમા પુત્રનું કેટલાક કિન્નરોએ અપહરણ કરી ગયા અને શહેરમાં નકલી કિન્નર બની લોકો પાસે રૂપિયા માગવાનું કામ કરાવવા દબાણ કરવામાં આવ્યું હતું.
રાજકોટ પોલીસ કમિશનરને કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું કે અમારા ઘરે મોહિની નામનો કિન્નર એક્ટિવા લઇને આવ્યો અને પહેલા પારેવડી ચોકમાં લઇ ગયા ત્યાંથી મોરબી રોડ પર જુના જકાત નાકા પાસે લઇ ગયા જ્યાં અગાઉથી જ 15થી 16 કિન્નરો રિક્ષામાં બેઠા હતા. જ્યાં કિન્નર ટોળકી દ્વારા ધાક ધમકીની ભાષામાં જણાવ્યું કે તું ટ્રાન્સઝેન્ડર છો, હવે તું ઘરબાર, માબાપ છોડી અમારી કિન્નરોની જમાતમાં સામેલ થઇ જા,…અને નકલી કિન્નર થઇને લોકો પાસેથી રૂપિયા માગવાનું ચાલું કરી આપ…
જો કે કિન્નર ટોળકીની આ વાતનો મેં ઇનકાર કર્યો તો ટોળકી દ્વારા મને ગાળો અને ઢિકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. ત્યાંથી જબરજસ્તીથી રીક્ષામાં બેસાડી મોરબી રોડ પર એક સોસાયટીમાં લઇ ગયા અને ઢોર માર મારી વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું કે આ કિન્નર નથી, નકલી કિન્નર બની લોકો પાસે રૂપિયાનું ઉઘરાણું કરે છે. એટલું જ નહીં મેં કિન્નર બનવાનું સતત મનાઇ કરવા છતા કિન્નર ટોળકીએ મારા ઘરે આવી માતા-પિતાને ગાળો આપવાનું શરૂ કરી તોડફોડ કરી હતી. સાથે જ માતા-પિતાને ધમકી આપી કે એક મહિનામાં આને અમારી પાસે મૂકી જશો નહીં તો શાંતિથી રહેવા કે જીવવા દઇશું નહીં.
બીજી બાજુ ફરિયાદીના માતા-પિતાએ જણાવ્યું કે મારો નાનો પુત્ર ટ્રાન્સજેન્ડર છે જે અંગે અમે સરકારના નીતિ નિયમો પ્રમાણે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા – નેશનલ પોર્ટલ ફોર ટ્રાન્સજેન્ડર પર્સનની અરજી કરે છે. મારા પુત્રને ઘરબાર છોડાવી લોકો પાસેથી નકલી કિન્નર બનાવી રૂપિયાનું ઉઘરાણું કરવા મજબૂર કરવામાં આવે છે. મારા પુત્ર કે પરિવારને જાનમાલનું નુકશાન થશે તો તેની પાછળ આ કિન્નર ટોળકી જ જવાબદાર રહેશે.