જગત જનની માઁ આદ્યશક્તિ અંબાનો પ્રાગટ્ય દિવસ
ગુજરાત અને દેશના લાખો-કરોડો શ્રધ્ધાળુઓની આસ્થાનું પ્રતીક અંબાજી, જેમનાં મંદિર દર્શને રોજ સેંકડો લોકો આવે છે. પાલનપુરથી આશરે 50 કિ.મી.ના અંતરે આવેલું અંબાજી માતાનું મંદિર માઉન્ટ આબુથી 45 કિ.મી. અને ગુજરાત-રાજસ્થાન સીમા નજીકના આબુરોડથી માત્ર 20 કિ.મી.નું અંતર ધરાવે છે. ”આરાસુરી અંબાજી” માતાજીના સ્થાનકમાં કોઇ પ્રતિમા અથવા ચિત્રની નહીં ‘શ્રી વિસાયંત્ર‘ની પૂજા કરવામાં આવે છે.
મા અંબાના પ્રાગટયની કથા મુજબ દક્ષ રાજાની પુત્રી સતીએ પોતાના પિતા દ્વારા યોજાયેલ યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થતું હોવાનું અનુભવતાં સતીએ પોતાની જાતને યજ્ઞકુંડમાં હોમી દીધી હતી. ભગવાન શંકરે સતીના મૃતદેહની પોતાના ખભા પર લઈને તાંડવ નુત્ય કરી , પ્રલયનું વાતાવરણ ખડું કરી દીધું હતું. દેવોની વિનંતીથી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગેનો વિચ્છેદ કર્યો હતો. આ વિચ્છેદ પામેલ અંગના ટુકડાઓ અને ઘરેણાંઓ જુદી જુદી એકાવન જગ્યાએ પડ્યાં હતા, જે અલગ અલગ ૫૧ શક્તિપીઠરૂપે પ્રસ્થાપિત થયેલ છે. તંત્ર ચુડામણીમા આ બાવન મહાપીઠોનો ઉલ્લેખ છે. તે પૈકી આરાસુરમાં માતાજીના હૃદયનો ભાગ પડયો હોવાની માન્યતા છે તેથી અહીં તે પવિત્ર શક્તિપીઠ ધામ તરીકે પૂજાય છે.
ભાગવતમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રીકૃષ્ણ માથાના વાળ ઉતારવાની વિધિ આરાસુરમા મા અંબાના સ્થાને થઈ હતી. એ પ્રસંગે નંદ યશોદાએ માતાજીના સ્થાનકે જવારા વાવ્યા હતા અને સાત દિવસ સુધી અંબાજી રહ્યા હતા. આજે પણ એ સ્થળ ગબ્બર પર્વત ઉપર જોવા મળે છે. પાડવો વનવાસ દરમ્યાન આરાસુરમાં માતાજીનું તપ કરવા આરાસુરમાં રોકાયા હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે. વનવાસ દરમ્યાન સીતાને શોધવા ભગવાન રામ અને લક્ષ્મણ પણ અર્બુદાના જંગલોમાં શૃગી ઋષિના આશ્રમમાં આવ્યા હતા. ઋષિએ તેઓને માતાજીના આશીર્વાદ મેળવા દર્શનાર્થે મોકલ્યા ત્યારે માતાજીએ પ્રસન્ન થઈ રાવણને મારવા ભગવાન રામને અજય બાણ આપ્યું હતુ. અને એ બાણથી રાવણનો નાશ થયાની માન્યતા છે. અને દંતકથાઓ અને લોકવાયકાઓ આ પૌરાણિક ધામનો પરિચય આપે છે.
દેવી ભાગવતીની કથા અનુસાર મહિષાસુરે તપ કરી સૃષ્ટિના નિર્માતા બ્રહ્માજીને પ્રસન્ન કર્યા હતા. જ્યાં તેમને વરદાન મળ્યું હતું કે તેને નરજાતિના નામવાળા શસ્ત્રોથી મારી શકાશે નહીં. આ વરદાન થકી તેણે દેવોને હરાવી ઇન્દ્રાસન જીત્યું અને ઋષિઓના આશ્રમનોનો નાશ કર્યો હતો, વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનો નિશ્ચય કર્યો હતો. જેથી દેવો ભગવાન શિવની મદદે ગયા હતા. શિવે દેવી શક્તિની આરાધના કરવાનું કહેતા દેવોએ તેવું કર્યું હતું અને આદ્યશક્તિ પ્રગટ થયા હતા અને તેમણે મહિષાસુરનો નાશ કર્યો હતો. તેથી દેવી મહિષાસુર-મર્દિની તરીકે પણ ઓળાખાય છે.
અંબાજીમાં વર્ષે ચાર વખત નવરાત્રીનો ઉત્સવ મનાવવામાં આવે છે. જે પૈકી શરદ (આસો), વસંતિક (ચૈત્ર), મહા અને અષાઢમાં નવરાત્રી ઉજવાય છે, જેમાં શક્તિ સંપ્રદાયની રીત-રસમો અનુસાર યજ્ઞ સહિતની ધાર્મિક વિધિઓ યોજાય છે. શક્તિ સંપ્રદાય પ્રમાણે વસંતિક નવરાત્રીના તમામ આઠ દિન અને નવ રાત્રીનું વિશેષ મહત્વ છે, તેથી જ ચૈત્ર માસના પ્રથમ દિવસે ગર્ભ દીપના વાસણ ઉપર જ્વારા વાવીને ઉજવણીઓ શરૂ કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રીમાં શ્રધ્ધાળુઓ આ ગર્ભ દીપની ફરતે નૃત્ય કરે છે, તેમજ આરાસુરી અંબાજીના ગરબા ગાય છે.ચૈત્રી નવરાત્રીના નવ દિવસ દરમિયાન દિન-રાત જય અંબેમાં જય અંબેની અખંડ ધૂન ચાલે છે. દર વર્ષે ખાસ કરીને પૂનમના દિવસોએ અંબાજી માતાના મંદિરમાં ભાવિક ભક્તો ની હેલી ચઢે છે.