આમ તો જૂનાગઢમાં ઘણા બધા પૌરાણિક સ્થળ આવેલા છે પણ એમાં સૌથી પ્રખ્યાત ગિરનાર પર્વત છે.આમાં ગિરનારનો તો ઇતિહાસ ખુબ મોટો અને પૌરાણિક છે.ગિરનાર પર્વતનાં ઘણા પણ નામો છે ગિરિનગર અને રૈવતક પર્વતના નામે પણ ઓળખાઈ છે.
સૌરાષ્ટ્ર મૌર્ય વંશ, ગ્રીક, ક્ષત્રપ અને ગુપ્ત વંશોનો ઇતિહાસ ઉજળો છે. મગધના નંદવંશનો નાશ કરી, ગણરાજયોને ખતમ કરી, ભારતને એકચક્રી બનાવનાર ચંદ્રગુપ્ત મૌર્યે ઈ.સ. પૂર્વે ૩૨૨ પછી સૌરાષ્ટ્ર જીતી લીધું. આમ તે સમયમાં સૌરાષ્ટ્રના પાટનગર જૂનાગઢ (ગિરિનગર)માં પુષ્યગુપ્ત નામનો પોતાનો સુબો મુક્યો હતો. પુષ્યગુપ્તે સુવર્ણસિકતા નદી પર સુદર્શન નામનું સરોવર બંધાવ્યું હતું. સમ્રાટ અશોકના તુસાચ્ય નામના સૂબાએ તેમાં નહેરો ખોદાવી સિંચાઈનું કાર્ય કર્યું હતું. સ્કંદગુપ્તના પર્ણદત્ત નામના સૂબાએ અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલા સુદર્શન તળાવને ફરી બંધાવ્યું. આ મૌર્ય વંશના રાજાઓ એ કોતરાવેલ શિલાલેખો દ્રારા ગિરનાર પર્વતને જગતમાં પ્રસિધ્ધિ અપાવેલ છે. મૌર્યકાળમાં ગિરનાર પર્વતને ઉજ્જયંત, રૈવત, રૈવતક અને જુનાગઢ શહેરને ગિરિનગર, જીર્ણદુર્ગ નાં નામથી ઓળખાતા હતાં.
આમ સમયનાં વહેણની સાથે જુનાગઢ ઉપર ઘણા રાજાઓએ રાજ કર્યુ. ઈ.સ.૧૧૫૨ની આસપાસ ત્યાનાં રાજા કુમારપાળે ગિરનાર ચડવા માટે વ્યવસ્થિત પગથિયા બનાવ્યા હતાં. ત્યાર બાદ સમયનાં પરિવર્તનની સાથે અત્યારે ખૂબજ સારા પગથિયાનું નિર્માણ થયેલ છે. ગિરનાર પર્વતની સામે જ દશ-અગિયારમી સદીથી અકબંધ ઉભેલો ઉપરકોટનો કિલ્લો પણ ગિરનારનું નજરાણું છે. રાજા રા’ગ્રહરિપુએ બંધાવેલા આ કિલ્લાએ સોરઠનાં સતાપલટા અનેકગણા ખંડન-મંડન નિહાળ્યા છે. એક એવી કથા પણ અહીં પ્રચલિત છે કે જયારે સિદ્ધરાજ જયસિંહએ જૂનાગઢ પર ચડાઇ કરી અને ત્યાંના રાજા રા’ખેંગારને મારી તેની રાણી રાણકદેવીને લઇ જતો હતો, ત્યારે સતી રાણકદેવીએ ગિરનારને કહ્યું કે,
ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો ?
મરતા રા’ખેંગાર, ખડેડી ખાંગો ન થિયો ?
અર્થાત: તારો રાજા હણાયો છતાં તું હજી ઉભો છે? આ વખતે ગિરનાર પડવા માંડ્યો અને રાણકદેવીએ તેને પડતો રોકવા કહ્યુ કે ‘પડમા પડમા મારા આધાર’. ગિરનાર ત્યારે સ્થિર થઇ ગયો અને તેની ઘણી શિલાઓ પડતા પડતા રોકાઇ ગઇ હોય તેવી દેખાય છે. ઉપરકોટ અને નીચલો કોટ આ શીલાઓ જોવા માટેના સ્થળ છે.
ગિરનારનાં પગથિયા કોને બનાવ્યા અને ક્યારે બનાવ્યા।…..
મિત્રો ગીરનાર તથા તેના પગથિયા ના બાંધકામ સાથે એક મોટો ઇતિહાસ જોડાયેલો છે. આપણે સૌ જાણીએ છીએ કે ગિરનાર એ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. આખું વર્ષ લોકો અહીં યાત્રા કરવા માટે આવે છે અને દેવદિવાળીને સમયે લોકો લીલી પરિક્રમા નો પણ આનંદ માણે છે.
આ વાત સદીઓ પહેલાની છે કે જ્યારે ગુજરાતને વિજય બનાવીને ઉદયન મંત્રી રણછાવણીમાં પોઢ્યા હતા. પરંતુ યુદ્ધના કારણે તેનું શરીર જખમી બની ગયું હતું. દૂધમાંથી વિજય બનીને પાછા આવતી વખતે તેઓ મૃત્યુ પામ્યા હતા આ સમય દરમિયાન તેણે પોતાના પુત્રને એક પત્ર આપ્યો હતો.
જ્યારે તેના પુત્ર આ સંદેશ વાંચ્યો ત્યારે તેમાં જણાવ્યું હતું કે “મારી ઈચ્છા એ છે કે શેત્રુંજય પર યુગાદિદેવ મંદિરનું હું નવસર્જન કરૂ અને ગિરનાર તીર્થ પર હું પગથિયાં કંડારું.” પિતાનો આ સંદેશ વાંચીને તેના પુત્ર બાહડ મંત્રીએ શેત્રુંજય પર યુગાદિદેવનું મંદિર બનાવડાવ્યું. તેમને મહામાત્ય ઉદયનની એક ઈચ્છા તો પૂરી કરી. પણ હવે ગિરનાર તીર્થ પર પગથિયાં બનાવવાનું બાકી હતું. એ ઈચ્છા પૂરી કરવાની બાકી હતી.
તેના પિતાના જણાવ્યા અનુસાર બાહડ મંત્રી ગીરનાર પર પગથિયા બનાવવા માટે જૂનાગઢ આવ્યા. અહીં તેઓએ પર્વત ઉપર ઉચી ખડકો અને ભેખડો જોઈ. તેઓએ પર્વતનો વિરાટ ઘેરાવો અને વાદળ સાથે વાત કરતાં શિખરો જોયા. તેઓ આ બધું જોઈને શરુઆતમાં મૂંઝાઈ ગયા કે આટલા બધા વિરાટ પર્વત ઉપર રસ્તો કઈ રીતે બનાવો. તેઓની સાથે આવેલા શિલ્પીઓએ ઘણી બધી મહેનત કરી પરંતુ કોઈને સમજાતું ન હતું કે રસ્તાની શરૂઆત ક્યાંથી કરવી.
બાહડ મંત્રીએ ખૂબ જ વિચાર્યું અને ખૂબ માથાકૂટ કરી તેમ છતાં તેને સમજાતું ન હતું કે ગિરનાર માટેનો રસ્તો ક્યાંથી પસાર કરવો. ત્યારબાદ તેને ગિરનારની રક્ષા કરનાર મા અંબા ની યાદ આવી. તેઓ સંકલ્પ કરીને માતા અંબાના ચરણોમાં બેસી ગયા. તેના મનમાં માત્ર એક જ વાત હતી કે એ માતા તું મને રસ્તો બતાવો કે હું કેવી રીતે ગિરનાર ચડવા ના પગથિયા બનાવી શકુ. જેથી હું મારા પિતા ને આપેલ વચન માંથી મુક્ત થઈ શકું.
તેઓએ માતાના આશિર્વાદ લેવા માટે ઉપવાસ શરૂ કર્યો, દિવસો વીતવા લાગ્યા ત્રણ દિવસ થઈ ગયા મંત્રી ને વિશ્વાસ હતો કે અણધારી રીતે માતા મારી આ સમસ્યાનો ઉકેલ જરૂર લાવશે. અને બન્યું પણ એવું જ તેમનો વિશ્વાસ સાચો ઠર્યો. ત્રીજા ઉપાસના અંતિમ દિવસે માતા અંબા હાજર થયા અને કહ્યું કે હું જે રસ્તે અક્ષત વેરતી જાઉં, એ રસ્તે પગથિયાનું સર્જન કરજે.
આ સાંભળીને મંત્રી ખૂબ ખુશ થયા. વાતાવરણ ની અંદર આનંદ છવાઈ ગયો. માતા અંબિકા ગિરનારમાં મુશ્કેલ રસ્તાઓ વચ્ચે ચોખા કરતા ગયા અને માતાના રસ્તે રસ્તે પગથિયાના ટાકણા પડતા ગયા. એક ક્ષણ તો એવી પણ આવી કે જ્યારે વાતાવરણ ની અંદરટાંકણાઓનો ધ્વનિ જ ઘૂમી વળ્યો. આટલું કર્યા બાદ ઋણમુક્તિના આનંદથી બાહડ આનંદિત થઇ ગયો અને ત્રેસઠ લાખના ખર્ચા પછી ગિરનારના પગથિયાં બન્યા અને ગિરનારના તીર્થની વાટ કઈંક સહેલી થઈ.
તો મિત્રો તમને જણાવી દઈએ કે આજે આપણે માત્ર ને માત્ર બેહદ મંત્રીના કારણે ગિરનાર ની જાત્રા આટલી આસાનીથી કરી શકીએ છીએ. એ માણસને ખુબ ખુબ ધન્યવાદ કે જેણે ગિરનાર પર પગથીયા બનાવડાવ્યા. જેના લીધે આપણે ખૂબ આસાનીથી દત્તાત્રેયનાં દર્શન કરી શકીએ છીએ. જય ગરવો ગિરનાર.