ખજુર કુદરતી રીતે જ મીઠાશથી ભરપુર છે. આ ખજુર પ્રોટીન ,વિટામિન્સ અને મીનરલ્સથી ભરેલી છે. ખજુર લેવાથી પાચન ક્રિયા સુધરે છે, આંખોનું તેજ વધે છે. આ ખજૂરથી મળતા ફાયદાઓ લેવા માટે એક સરસ વાનગી બનાવીએ : “ખજુર પૂરી”.
ખજુર પૂરી બનાવવા જોઈશે :
- ૫૦૦ ગ્રામ ખજુર (રસ વાળો અને નરમ ખજુર)
- ૧૫૦ ગ્રામ માવો
- ૧૦૦ ગ્રામ બદામ, પીસ્તા અને કાજુ
- ૧ ચમચી એલચી નો ભૂકો
- ૧૦૦ ગ્રામ ટોપરા નું ખમણ
- ૧ ચમચો ઘી
ખજુર પૂરી બનાવવાની રીત :
એક લોયામાં ઘી ગરમ કરવા મુકો. તેમાં પીસ્તા,બદામ અને કાજુને ધીમા તાપે તળો.
લોયામાંથી સુકોમેવો નીતારીને કાઢી લો.
ખજૂરના ઠળિયા કાઢી લો.
ઘી વાળા લોયામાં જ ખજુર નાંખીને હલાવો .
ખજુર એકદમ એકરસ થાય એટલે તેમાં માવો ઉમેરી દો .
ધીમા તાપે હલાવતા રહો માવો અને ખજુર મળીને કઠણ થાય ત્યાં સુધી હલાવતા રહો .
કઠણ થાય એટલે ગેસ બંધ કરી દો .
સુકામેવા ને અધકચરો પીસી લો .
ખજુર અને માવાના મિશ્રણમાં એલચી , સુકોમેવો અને ટોપરાનું ખમણ નાંખી દો .
હવે હાથે થી નાની પૂરી બનાવો .
બધી પૂરી વાળી તેને સુકામેવાથી અને ટોપરાના ખમણ થી સજાવો અને પ્લેટમાં સર્વ કરો. તો બસ તૈયાર છે સરસ મજાની ખજુર પૂરી.