સરકારે ઓછી કિંમતના સિક્કા ચલણમાંથી દૂર કરી દીધા છે અને હમણાંથી 10ના સિક્કા ચલાવવા અંગેનો વિવાદ થયા પછી રિઝર્વ બેન્કે સ્પષ્ટતા કરી પડી હતી કે 10ના સિક્કા સત્તાવાર રીતે ચલણમાં છે અને બેન્કોએ તેનો સ્વીકાર કરવાનો છે. હવે આરબીઆઇ સીધો 350 રૂપિયાનો સિક્કો બહાર પાડવાની છે. નાણા મંત્રાલયના એક નિવેદનમાં આ જણાવવામાં આવ્યું છે.
ગુરુ ગોવિંદસિંહજી મહારાજની સ્મૃતિ તરીકે બહાર પડશે રૂ.350નો સિક્કો
સરકાર ગુરુ ગોવિંદસિંહજી મહારાજના 350મા જન્મોત્સવ નિમિત્તે તેમની સ્મૃતિ તરીકે આ સિક્કો બહાર પાડવાની છે. શીખોના દસમા અને અંતિમ ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજી મહારાજનું 350મું પ્રકાશ પર્વ 30 ડિસેમ્બર 2016થી લઇને 5 જાન્યુઆરી 2017 સુધી તખ્ત શ્રી પટના સાહિબમાં મનાવવામાં આવ્યું હતું. સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, `શ્રી ગુરુ ગોવિંદસિંહ જીના 350મા પ્રકાશોત્સવની યાદમાં કેન્દ્ર સરકાર તરફથી 350 રૂપિયાનો સિક્કો બહાર પાડશે.’
રૂ.350ના સિક્કાનું વજન અને બનાવટ
નિવેદનમાં જણાવ્યા અનુસાર, આ સિક્કાનું વજન 35 ગ્રામ હશે. તેને બનાવવા ચાંદી, નિકલ અને ઝિંકનો ઉપયોગ થશે. જેમાં 50 ટકા સુધી ચાંદી, 40 ટકા તાંબુ અને 5-5 ટકા નિકલ અને ઝિંક હશે.
સિક્કાની આગળના ભાગે સિંહાકૃતિ સાથે અશોક સ્તંભ ઉપસાવેલું હશે. તેની નીચે સત્યમેવ જયતે લખ્યું હશે. તે જગ્યાએ રૂપિયાનું ચિહ્ન અને વચ્ચે 350 લખ્યું હશે.
આ સાથે સિક્કાની એક બાજુ અંગ્રેજીમાં ઇન્ડિયા અને બીજી બાજુ દેવનાગરી લિપિમાં ભારત લખ્યું હશે.
સિક્કાની આ બાજુ વચ્ચેના ભાગમાં `તખ્ત શ્રી હરિમંદિર જી પટના સાહિબ’નું ચિત્ર હશે. ચિત્રના ઉપલા હિસ્સામાં દેવનાગરી લિપિમાં `350મું પ્રકાશોત્સવ ઓફ ગુરુ ગોવિંદ સિંહજી’ અને નીચેના ભાગમાં અંગ્રેજી ભાષામાં લખ્યું હશે.
સિક્કાની ડાબી અને જમણી બાજુ વર્ષના આંકડા 1666 અને 2016 અંગ્રેજીમાં લખ્યા હશે.આરબીઆઇએ આવા કેટલા સિક્કા બહાર પાડવામાં આવશે તે જણાવ્યું નથી, પરંતુ સિક્કા સ્મૃતિ રૂપે હોવાથી મર્યાદિત સંખ્યામાં હશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com