સામાન્ય રીતે દરેક લોકો તહેવારોમાં મહેમાનો માટે કંઇક ને કંઇક અવનવી મીઠાઇઓ બનાવતા હોય છે પરંતુ આ વખતે અમે તમને શીખવીશું કંઇક નવી જ વાનગી કે જેને જોતાં જ મહેમાનનાં મોમાં તુરંત પાણી આવી જશે. આ દિવાળીએ તમે તમારા મહેમાનો માટે ખાસ બનાવો પાનનાં લાડું.
પાનનાં લાડુ બનાવવા માટે જોઇતી સામગ્રી:
૧/૨ કપ માવો, મીડીયમ આકારનાં સુકાયેલ પેઠા, ૧/૨ કપ છીણેલું નારિયેળ, ૩ ચમચી કંડેસ્ડ મિલ્ક, ૧ ચમચી વરિયાળી, ૧/૨ ચમચી છીણેલ ઇલાયચી, ૫થી૬ કાજુ, ૬ પાનનાં પત્તા, ૨૨ ચમચી ગુલકંદ, તાજા ગુલાબની પાંખડીઓ.
પાનનાં લાડુ બનાવવાની રીત:
સૌ પહેલાં એક બાઉલમાં સૂકાયેલ પેઠું, માવો અને નારિયેળ આ ત્રણેયને ઘસીને એક બાઉલમાં મૂકી દો. આમાં કંડેસ્ડ દૂધ, છીણેલ વરિયાળી તેમજ ઇલાયચી અને કાજુનું મિશ્રણ કરો. પછી આમાં પાનનાં પત્તાને ધોઇને એનાં નાના-નાના ટુકડાઓ કરી મિક્ષ કરો. એને ૧૦ મિનીટ સુધી ફ્રીજમાં મૂકી રાખો. જેથી તમે પાનનાં લાડુ બિલકુલ આસાની તૈયાર કરી શકો.
ત્યાર બાદ લાડુનાં આકાર જેટલું મિશ્રણ હાથમાં લઇ તેને લાડવાંની જેમ ગોળ બનાવી તેમાં વચ્ચે અડધી ચમચી ગુલકંદ ભરી તેને એક ચોક્કસ આકારમાં લાડુ બનાવી દો. પછી એક અલગ પ્લેટમાં અડધો કપ નારિયેળનું સૂકાયેલ છીણ (ટોપરાનું છીણ), ટૂટીફૂટી, લાલ દ્રાક્ષ અને કટીંગ કરેલ કાજુ, છીણેલ વરિયાળીની સામગ્રીને મિક્ષ કરો. હવે આ લાડુ પર આ મિશ્રણને બરાબર ચાંદીનાં વરખની જેમ ચઢાવી દો. ત્યાર બાદ લાડુ સંપૂર્ણ તૈયાર થઇ ગયા બાદ ગુલાબનાં ફુલની પાંખડીઓથી તેને સજાવી દો.
પાનનાં લાડુની સજાવટ માટે જોઇતી સામગ્રી:
અડધો કપ નારિયેળનું સૂકાયેલ છીણ (ટોપરાનું છીણ), ટૂટીફૂટી, લાલ દ્રાક્ષ અને કટીંગ કરેલ કાજુ, છીણેલ વરિયાળી