ગુનાહીત ઇતિહાસ ધરાવતા સાંસદો અને ધારાસભ્યોને ઝટકો
રાજકારણીઓ ઉપરના કેસોનો ઝડપી નિકાલ કરવાનો હાઇકોર્ટનો તમામ કોર્ટને આદેશ : હવે નેતાઓને કા તો કલંક લાગશે કા હટશે
૫૦થી વધુ નેતાઓ સામે ૯૦થી વધુ ગેરકાયદે મંડળી અને તોડફોડથી લઇ નાણાકીય કૌભાંડ, અપહરણ અને હત્યા સુધીના ગુનાઓ
ગુનાહિત ઇતિહાસ ધરાવતા નેતાઓને હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. જેને પગલે અનેક નેતાઓના તપેલા ચડી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. કારણકે હાઇકોર્ટે તમામ કોર્ટને ધારાસભ્ય અને સાંસદ વિરુદ્ધના કેસો ડે ટુ ડે ચલાવવાના આદેશ આપ્યા છે.
રાજ્યના વર્તમાન તેમજ પૂર્વ સાંસદો અને ધારાસભ્યો સામેના પેન્ડીંગ કેસોની રોજીંદા ધોરણે સુનાવણી યોજી તેનો જલદી નિકાલ કરવાનો આદેશ હાઇકોર્ટે રાજ્યની તમામ કોર્ટોને કર્યો છે. ગુજરાતની વિવિધ કોર્ટમાં અત્યારે વર્તમાન અને પૂર્વ સાંસદો-ધારાસભ્યો સામેના કુલ ૯૦થી વધુ ક્રિમીનલ કેસો પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં થયેલી એક જાહેર હિતની અરજીમાં બહાર આવ્યું હતું કે દેશના પૂર્વ અને વર્તમાન ધારાસભ્યો સામેના સંખ્યાબંધ ક્રિમીનલ કેસો કોર્ટમાં પેન્ડીંગ છે. જેમાંથી કેટલાંકની સુનાવણી ખૂબ ધીમી થઇ રહી છે. ક્રિમીનલ કેસોમાં દોષિત સાબિત થનારા તમામ વ્યક્તિઓને ચૂંટણી લડવાથી આજીવન દૂર રાખવાની માગણી આ રિટમાં કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે આ રિટમાં આપેલા આદેશાનુસાર હાઇકોર્ટે આજે તેના તાબાની અદાલતો માટે એક પરિપત્ર જારી કર્યો છે. જેમાં વર્તમાન તેમજ પૂર્વ સાંસદ-ધારાસભ્યો વિરૂદ્ધના પેન્ડીંદ કોર્ટ કેસોની રોજીંદા ધોરણે સુનાવણી હાથ ધરી તેનો સત્વરે નિકાલ કરવાનો આદેશ અપાયો છે. આ ઉપરાંત આ કેસોમાં થઇ રહેલી કાર્યવાહીનો પ્રોગ્રેસ રિપોર્ટ હાઇકોર્ટને આપવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે.
ધારાસભ્યો અને સાંસદો સામેના ૯૨ ક્રિમીનલ કેસો કોર્ટમાં પેન્ડિંગ છે.સાંસદો અને ધારાસભ્યો સામેના આ કેસોમાં ગેરકાયદે મંડળી, ઉચાપત, ભ્રષ્ટાચાર, કૌભાંડથી લઇ અપહરણ, હત્યાના પ્રયત્ન અને હત્યા સુધીના ગુનાઓનો સમાવેશ થાય છે.
કયા કયા નેતાઓ સામે કેસો ચાલશે ?
વર્તમાન સાંસદો: રાહુલ ગાંધી (વાયનાડ – કેરળ), રાજેશ ચુડાસમા ( જૂનાગઢ),
પૂર્વ સાંસદ: દેવજી ફતેહપુરા (સુરેન્દ્રનગર), દીનુ બોઘા સોલંકી (જૂનાગઢ), કિશન વેસ્તાભાઇ પટેલ (વલસાડ), દિલીપભાઇ મણિભાઇ પટેલ (આણંદ)
પૂર્વ ધારાસભ્ય: કનુભાઇ કળસરિયા (મહુવા), મહેશ ભુરિયા (ઝાલોદ), અમિત ચૌધરી (માણસા), મેરામમ ગોરિયા (ખંભાળિયા), રાઘવજી પટેલ (જામનગર), છબીલ પટેલ (અબડાસા), કાંતિ અમૃતિયા (મોરબી), મહેન્દ્રસિંહ બારિયા (હિંમતનગર), શંકરભાઇ વેગડ (સુરેન્દ્રનગર), નલિન કોટડિયા(ધારી), જયંત બોસ્કી (આણંદ), અલ્પેશ ઠાકોર (રાધનપુર), ગોવા રબારી (ડીસા), મહંત મહેશગિરી ગુરૂ અમૃતગિરિ (ભાવનગર)
વર્તમાન ધારાસભ્ય: મહેશ છોટુભાઇ વસાવા (ડેડિયાપાડા), પરસોત્તમ સોલંકી (ભાવનગર ગ્રામ્ય), કનુ બરૈયા (તળાજા), ચંદ્રિકાબહેન ભગાભાઇ મોહાનિયા (દાહોદ), રમેશ કટારા (ફતેપરા), હકુભા જાડેજા (જામનગર), ભગા બારડ (તાલાળા), વીરજી ઠુમ્મર (લાઠી), વિક્રમ માડમ (ખંભાળિયા), હર્ષદ રિબડીયા (વિસાવદર ), વિમલ ચુડાસમા (સોમનાથ), બાબુ વાજા (માંગરોળ), ભીખાભાઇ જોશી (જૂનાગઢ), પ્રદ્યુમનસિંહ મહિપતસિંહ જાડેજા (કચ્છ), બાબુભાઇ જમનાદાસ પટેલ (અમદાવાદ ગ્રામ્ય), વીરજી ઠુંમર (અમરેલી), પૂનમભાઇ પરમાર (સોજીત્રા), જશુભાઇ પરમાર (બાયડ), શશિકાંત પંડયા (ડીસા), છોટુ વસાવા (ઝગડીયા), અજીતસિંહ ચૌહાણ (બાલાસિનોર), પ્રદીપસિંહ જાડેજા (અસારવા), જીગ્નેશ મેવાણી (વડગામ), નીમાબહેન આચાર્ય (કચ્છ), પરસોત્તમ સાબરિયા (મોરબી), લાલજી કગથરા (ટંકારા), લલિત વસોયા ( ધોરાજી), મંગળ ગાવિત (ડાંગ), અનંત પટેલ (વાંસદા), કિરીટ પટેલ (પાટણ), કાંધલ જાડેજા (કુતિયાણા), મોહમ્મદ પીરઝાદા (વાંકાનેર), રાજેન્દ્રસિંહ ચાવડા (હિંમતનગર), અશ્વિન કોટવાલ (ખેડબ્રહ્મા), યોગેશ પટેલ (માંજલપુર, શૈલેષ મહેતા (ડભોઇ), કેતન ઇનામદાર (સાવલી), જયેશ રાદડીયા (જેતપુર).