ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કરેલ આહવાનને અવિરત પ્રતિસાદ મળી રહ્યો છે. ભાજપ, આપ, જેડીયુ, સમાજવાદી પાર્ટી, એનસીપીમાંથી અમદાવાદ શહેર, ગાંધીનગર જિલ્લા, ભુજ-કચ્છ, સુરત, વડોદરા ખાતેથી અનેક મોટા નેતાઓ તથા કાર્યકર્તાઓ કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા.

લોકસભાની ચૂંટણી પૂર્વે શક્તિસિંહ ગોહિલનું ફોક્સ સંગઠન માળખુ મજબૂત કરવા તરફ

આપના ફાઉન્ડર મેમ્બર આર. સી. પટેલ, ભાજપ એબીવીપીના પૂર્વ પ્રદેશ કારોબારી સભ્ય કુનાલસિંઘ સુરી, ગાંધીનગર શહેર-જિલ્લાના આપના મહામંત્રી અનંત યાજ્ઞિક, ગાંધીનગર શહેર-જિલ્લાના કરણી સેનાના પૂર્વ પ્રમુખ વિજયસિંહ સોલંકી, રાષ્ટ્રીય મજદુર પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ ડો.શૈલેશભાઇ જોષી, રાષ્ટ્રીય મજદુર પાર્ટીના પૂર્વ મહિલા પ્રમુખ દક્ષાબેન બારોટ સહિત સમાજવાદી પાર્ટી, એનસીપીના પૂર્વ હોદ્દેદાર- કાર્યકરો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસ પક્ષનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું.

ગુજરાતમાં ભાજપનું કુશાસન ગુજરાતના લોકો માટે ત્રાસદાયક બની ગયું છે. યુવાનોને રોજગારી નથી, ખેડૂતો માટે અસલી બિયારણ-યુરિયા ખાતર પૂરતું નથી, શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે, આરોગ્ય સેવાઓ મોંઘી બની છે, મોંઘવારી આસમાને છે, દરેક જગ્યાએ પુષ્કળ ભ્રષ્ટાચાર છે ત્યારે ગુજરાત અને ગુજરાતીઓના હિતમાં સત્તા પરિવર્તન અત્યંત જરૂરી બન્યું છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આજે આગળ વધી રહેલ છે ત્યારે જનહિતમાં કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો નિર્ણય આ હોદ્દેદાર-કાર્યકર્તાઓએ કરેલ છે.

પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષમાં જોડાનાર નેતાઓના આવકાર કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ બિમલ શાહ, અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ, પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, પ્રદેશ હોદ્દેદાર બળદેવભાઈ લુણા અને પ્રવક્તા પાર્થિવરાજસિંહ ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.