પ્રથમ તબક્કાના મતદાન માટે ભાજપ દ્વારા 40 સ્ટાર પ્રચારકોની યાદી કરાઇ જાહેર: પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાનો પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં કરાયો સમાવેશ: ભાજપે પાંચ હેલીકોપ્ટર પણ ભાડે રાખી લીધાં
ગુજરાત વિધાનસભાની 89 બેઠકો માટે આગામી 1લી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. સોમવારે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય મંગળવારથી તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પૂરજોશમાં પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવામાં આવશે. દરમિયાન ગઇકાલે સાંજે સત્તાધારી પાર્ટી ભાજપ દ્વારા પ્રથમ તબક્કાના મતદાન માટે સ્ટાર પ્રચારકોની પહેલી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 40 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના નેતાઓ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી સભાઓ ગજવશે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ અને પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાનો પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રથમ તબક્કાના મતદાન માટે ભાજપ દ્વારા જે 40 સ્ટાર પ્રચારકો જાહેર કરવામાં આવ્યા છે તેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય પરિવહન મંત્રી નિતીન ગડકરી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, અર્જૂન મુંડા, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની, ધર્મેન્દ્ર પ્રધાન, ડો.મનસુખ માંડવીયા, ભૂપેન્દ્ર યાદવ, પરસોત્તમભાઇ રૂપાલા, ભારતીબેન શિયાળ, સુધીરજી ગુપ્તા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, હેમંત બિશ્ર્વાશર્મા, દેવેન્દ્ર ફડણવીસ, વિજયભાઇ રૂપાણી, નિતીનભાઇ પટેલ, વજુભાઇ વાળા, રત્નાકર, દિનેશલાલ યાદવ, રવિ કિશન, મનોજ તિવારી, તેજસ્વી સૂર્યા, હર્ષ સંઘવી, હેમા માલિની, પરેશ રાવલ, પ્રદિપસિંહ વાઘેલા, વિનોદ ચાવડા, મનસુખ વસાવા, પૂનમબેન માડમ, પ્રશાંતભાઇ કોરાટ, શંભુ પ્રસાદ ટૂંડીયા, કુંવરજીભાઇ બાવળિયા, ગણપતભાઇ વસાવા, પરસોત્તમભાઇ સોલંકી અને પરીંદુ ભગતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આવતા સપ્તાહથી સૌરાષ્ટ્રમાં જોરશોરથી ભાજપ ચૂંટણી પ્રચાર શરૂ કરી દેશે. બીજી તબક્કામાં 5મી ડિસેમ્બરે જે બેઠકો માટે મતદાન યોજાવાનું છે. તે 93 બેઠકો માટે સ્ટાર પ્રચારકોની બીજી યાદી ભાજપ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.