કોરોના સામે નિયમોનું કડકપણે પાલન અને રસીકરણ જ અમોઘ અસ્ત્ર સમાન મનાઈ રહ્યું છે ત્યારે કોરોનાની સંભવિત આવનારી ત્રીજી લહેર સામે બચવા રસીકરણની ઝડપી પ્રક્રિયા અનિવાર્ય બની છે. સરકારે આ તરફ મહત્વનું ધ્યાન દોરી 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને ઝડપી રસી આપવાનું શરૂ કરી દીધું છે. પરંતુ હજુ ઘણું ઘણા એવા જિલ્લા અને સ્થળો છે કે જ્યાં રસીના કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા નથી.
પ્રભાસ પાટણ આરોગ્ય કેન્દ્રમાં પણ આવી જ સ્થિતિ છે. જ્યાં એકપણ વેક્સિન સેન્ટરની ફાળવણી કરવામાં આવી નથી. જયારે વેરાવળમાં ત્રણ વેક્સિન સેન્ટર આપવામાં આવેલ છે. ત્યારે આ અંગે પ્રભાસ પાટણના અગ્રણી ભાજપના નેતા રામભાઈ સોલકી અને પત્રકાર દ્વારા રજુવાત કરવામાં આવી છે.
પ્રભાસ પાટણ આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા પ્રભાસ પાટણ આરોગ્ય કેન્દ્રને 18 વર્ષ કે તેથી વધુ વયના દર્દી માટે એકપણ વેક્સિન સેન્ટરની ફાળવણી કરવામાં આવી નથી. આથી અહીંના રહેવાસીઓને વેરાવળ સુધી જવાની નોબત આવે છે. ત્યારે આ માટે વેકસીન સેવા ઉપલબ્ધ કરવામાં આવે તો વેરાવળ સુધી જવુ ના પડે. આથી અહીં પણ વેક્સિનેશન કેન્દ્ર શરૂ કરવા કરવા માટેની માંગ કરી છે.