• લિસ્ટેડ બુટલેગર અનિલ ડબલીએ રહેણાંક મકાનમાં બનાવેલા ચોરરૂમમાંથી રૂ. 10.60 લાખનો દારૂ-બિયરનો જંગી જથ્થો ઝડપી લેવાયો

ધુળેટી પર્વ પૂર્વે રાજકોટ રૂરલ એલસીબીની ટીમે દારૂ-બિયરનો જંગી જથ્થો જેતપુરથી ઝડપી પાડ્યો છે. એલસીબીએ બાતમીના આધારે લિસ્ટેડ બુટલેગર અનિલ ડબલીના રહેણાંક મકાનમાં ઝડતી કરતા ચોરરૂમ માંથી અલગ અલગ કુલ 6756 વિદેશી દારૂની બોટલ અને 408 બિયરના ટીન મળી આવ્યા છે. એલસીબીની ટીમે રૂ.10.60 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ રૂરલ એલસીબીની ટીમને બાતમી મળેલ હતી કે, જેતપુર બાપુની વાડી વિસ્તારમાં અભિષેક સ્કૂલ પાસે લિસ્ટેડ બુટલેગર અનિલ ઉર્ફે ડબલી મનસુખભાઇ બારૈયાના રહેણાંક મકાનમાં મોટો દારૂનો જથ્થો રાખીને વેચાણ કરાઈ રહ્યું છે. બાતમી લના આધારે એલસીબી પીઆઈ વી વી ઓડેદરાની રાહબરી હેઠળ એલસીબીની ટીમ જેતપુરમાં ડોબરીયા વાડી વિસ્તારના અનિલ ડબલીના રહેણાંક મકાન ખાતે દોડી ગઈ હતી.

એલસીબીની ટીમ ઉપરોક્ત સરનામે પહોંચતા મકાન બંધ હાલતમાં હતું. દરમિયાન લિસ્ટેડ બુટલેગરના પત્ની આવતા તેમની પાસે મકાનનું તાળું ખોલાવી ઝડતી શરૂ કરવામાં આવી હતી. ઝડતી દરમિયાન મકાનમાંથી ચોરરૂમ મળી આવ્યો હતો. તપાસ હાથ ધરતા ચોરરૂમમાંથી દારૂની બોટલ, બિયરના ટીન અને અલગ અલગ દારૂની બ્રાન્ડના સ્ટીકર સહીતનો જથ્થો મળી આવ્યો હતો.

એલસીબીની રેઇડમાં મળી આવેલા જથ્થાની જો વાત કરવામાં આવે તો રોયલ ગ્રાન્ડ મેલ્ટ વ્હીસ્કી 180 એમએલની 6047 બોટલ જેની કિંમત રૂ. 6,04,700, રોયલ ચેલેન્જ ફાઈન રિઝર્વ વ્હીસ્કીની 750 એમએલની 539 બોટલ જેની કિંમત રૂ. 2,80,280, રોયલ સ્ટગ સિગરામ્સ બેરેલ સિલેક્ટ વ્હીસ્કીની 750 એમએલની 107 બોટલ જેની કિંમત રૂ. 42,800, બ્લેક એન્ડ વ્હાઇટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની 750 એમએલની 7 બોટલ જેની કિંમત રૂ. 9800 મળી આવેલ હતી. ઉપરાંત બડવાઈઝર મેગનમ બિયરના 407 ટીન જેની કિંમત રૂ. 40,700 તેમજ ટીચર એન્ડ સન્સ વ્હીસ્કીની 750 એમએલની 49 બોટલ જેની કિંમત રૂ. 77,175 ગણવામાં આવી છે.

દારૂમાં ભેળશેળ? : અલગ અલગ દારૂની બ્રાન્ડના સ્ટીકર મળી આવ્યા

એલસીબીએ કરેલી રેઇડમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે અલગ અલગ દારૂની બ્રાન્ડના સ્ટીકરના 6 સેટ મળી આવ્યા છે. જેથી બુટલેગર ડબલી દારૂમાં ભેળશેળ કરતો હોય તેવું પ્રાથમિક અનુમાન છે. એક ચર્ચા અનુસાર સસ્તા દારૂને અલગ બોટલમાં નાખી તેમાં ભેળશેળ કરી મોંઘીદાટ દારૂ બ્રાન્ડના સ્ટીકર ચોંટાડી વેંચી મારવાનું કારસ્તાન આચરવામાં આવતું હતું. જો કે, ડબલીની ધરપકડ બાદ જ સમગ્ર બાબત પરથી પડદો ઊંચકાશે.

કુખ્યાત બુટલેગર અનિલ ડબલીની શોધખોળ

એલસીબીએ રેઇડ કરતા મોટો દારૂ-બિયરનો જથ્થો તો મળી આવ્યો છે પરંતુ કુખ્યાત બુટલેગ્રુપ અનિલ ડબલી મળી નહિ આવતા એલસીબી સહીતની પોલીસે ડબલીની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય બાબત છે કે, ડબલી અગાઉ અનેકવાર દારૂ સહિતના કેસોમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.