રજીસ્ટ્રેશન નથી ને રીન્યુ પણ કરાવ્યા નથી
ગેરકાયદે માછીમારી સામે પોલીસ મેદાને
રૂપેણ બંદરેથી દરિયામાં જઈ ગેરકાયદે માછીમારી બોટો સામે એલસીબી અને એસઓજીએ કાર્યવાહી કરી ૨૮ માછીમારી બોટ ડીટેઈન કરી હતી. પાડોશી દેશો વચ્ચે હાલમાં તનાવભરી સ્થિતિ છે. તેવા સમયે સરહદે તકેદારી રાખવામાં આવી રહી છે. સાથોસાથ દરિયામાં પણ સાવચેતી રાખવામાં આવી રહી છે. દ્વારકાના રૂપેણ બંદરની કેટલીક બોટો રજીસ્ટ્રેશન કરાવ્યા વિના જ માછીમારી કરાય હોવાની અને કેટલીક બોટોના રજીસ્ટ્રેશન રીન્યુ થયા ન હોવાની ફરિયાદ પોલીસ સુધી પહોચી હતી. દરિયામાં ગયેલી માછીમારી બોટ અને માછીમારોને કંઈ થાય તો જવાબદારી કોની? તેમ સમજી એલસીબી અને એસઓજીએ દ્વારકાના રૂપેણ બંદરેથી માછીમારી કરવા ગયેલી અને દરિયામાં માછીમારી કરી રહેલી બોટોની ચકાસણી કરી હતી. ચકાસણી દરમિયાન બોટના રજીસ્ટ્રેશન કરાવ્યા નહી હોવાથી અને રજીસ્ટેશન મુદત પુરી થયા બાદ હજી. રિન્યુ કરાવ્યા ન હોય તેવી ૨૮ બોટ ડિટેન કરવામાં આવી હતી. પોલીસે દરિયામાં ગેરકાયદે માછીમારી કરી રહેલી બોટ-માછીમારો સામે કાર્યવાહી કરતા માછીમારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વધુમાં એવું પણ બહાર આવ્યું છે કે રૂપેણ બંદરેથી ૧૨૦૦ માછીમારી બોટ માછીમારી કરવા દરિયામાં જાય છે. દરેક બોટે રજીસ્ટેશન કરાવવું પડે છે અને માછીમારોના નામ સરનામા સાથષ માહિતી આપવાની હોય છે.