હોટલમાં રૂમ ભાડે રાખી જુગાર રમતા 13 શકુનીઓ રૂ.6.61 લાખની રોકડ સાથે ઝડપાયા

ભુજમાં મહિલા સંચાલિત જુગારધામ પર પોલીસ ત્રાટકી, 8 મહિલા સહિત 9 પત્તાપ્રેમી ઝડપાયા: અંજારમાં પત્તાટીચતા ચાર જુગારીને દબોચી લીધા

શ્રાવણ માસની શરૂઆત પહેલા જ જુગારીઓની મૌસમ ખીલી હોય તેમ કચ્છ પંથકમાં ચાલતા જુગારધામો પર પોલીસે દરોડા પાડતા જુગારીઓમાં હાહાકાર મચી ગયો છે. જેમાં પધ્ધર પોલીસ મથક વિસ્તારમાં નિલકંઠ હોટલમાં ચાલતી હાઇફાઈ જુગાર ક્લબ પર લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી 13 શકુનિઓને રોકડા રૂ.6.61 લાખ સહિત ઝડપી પાડ્યા છે. તો બીજી તરફ ભુજમાં ચાલતા મહિલા સંચાલિત જુગારધામ પર પોલીસે દરોડો પાડી 8 મહિલા સહિત 9 પત્તાપ્રેમીઓની પોલીસે ધરપકડ કરી છે. તો અંજારમાં પણ જુગારીઓ સામે પોલીસે લાલઆંખ કરી દરોડો પાડતા ચાર જુગારીઓને દબોચી લીધા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઈન્ચાર્જ પીઆઈ એસ.જે.રાણા અને પીએસઆઈ એચ.એમ.ગોહિલને બાતમી મળી હતી કે, ભુજ તાલુકાના મમુઆરા ગામ પાસે રહેતો રમેશ વાલજી જાટીયા શેખપર-ભચાઉ હાઈવે પર આવેલી નિલકંઠ હોટલમાં રૂમો ભાડે રાખી રૂમમાં બહારથી ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી પૈસાની હારજીતનો જુગાર રમાડે છે.

જેથી એલસીબીની ટીમે નિલકંઠ હોટલના રૂમ નંબર 104માં દરોડો પાડી જુગાર રમી રહેલા રમેશ વાલજી જાટિયા, દિનેશ મીઠા પરમાર, રમેશ માવજી જાટિયા, મજા રામજી ગોયલ, ગગુ અજા જાટિયા, મનજી રતના બુચિયા, ભાવિક દિનેશ અનમ, રમેશ ઉર્ફે બબી દેવજી મરંડ, નારાણ પાંચા આહીર, રાજેશ પરસોતમ ઠક્કર, જીનેશ પરેશ ઠક્કર, વિશાલ સુરેશ ઠક્કર અને જગદીશ રતિલાલ મકવાણા સહિત 13 ખેલીઓને ઝડપી પાડ્યા હતા.પોલીસે દરોડામાંથી રૂ.6,61,500 રોકડા તેમજ રૂ.23.50 લાખની કિંમતના કાર બાઇક મળી 7 વાહનો તથા રૂ.81 હજારના 15 મોબાઇલ મળીને કુલ રૂ. 30.92નો મુદામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત ગ્રીન અને બ્લૂ કલરના 399 ટોકન, ગંજીપાના અને નોટબુક કબજે કરી તમામ વિરૂધ પધ્ધર પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. જુગારધામમાં ઝડપાયેલા શકુનીઓ શિક્ષક, આરટીઓ એજન્ટ અને વેપારીઓ હોવાનું સામે આવ્યું છે.

તો અન્ય દરોડામાં ભુજ પોલીસને મળેલી બાતમીના આધારે સહજાનંદ નગર મીરઝાપર ગામે વાસંતીબેન પ્રવિણભાઇ પુરોહિત નામની મહિલા પોતાના રહેણાંક મકાનમાં જુગારધામ ચલાવતી હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડી વાસંતીબેન ઉર્ફે ગોરાણી પ્રવિણભાઇ પુરોહિત, રૂપાબા ઉર્ફે રૂપકુંવર ઇન્દ્રસિંહ સોઢા, ઉર્મિલાબેન ઉર્ફે નનકી અશોક સોની, ગજરાજબા જોરુભા ચૌહાણ અને ઇબ્રાહિમ આદમ હિંગોરા સહિત કુલ 8 મહિલા સહિત 9 જુગારીઓને રૂ.26,430ની રોકડ સાથે કુલ અડધા લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.કચ્છ પંથકમાં ત્રીજા જુગારના દરોડામાં અંજારમાં પોલીસે સવાસર નાકે આવેલી શાળા-4ની પાછળ ખુલ્લામાં પત્તા ટીચતા હોવાની બાતમી મળતા દરોડો પાડી જલારામ ભેરવગર ગીરી, હિરેન મણીલાલ પલણ, બિલાલ મામદ સિદ્દી અને ફારૂક અબ્બાસ શેખને રૂ.11,800ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.