- અંજાર તાલુકાના મેઘપર બોરીચી વિસ્તારમાં LCBના દરોડા
- પૂર્વ કચ્છ LCBએ જમીન ટાંકામાંથી 9.24 લાખની કિંમતનો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપ્યો
- પોલીસે સ્વરૂપસિંહ ચૌહાણ અને સવાઈસિંહ ચૌહાણ, અને ગુમાનસિંહ સોઢાની કરી ધરપકડ
- 4 મોબાઈલ ફોન, ટેરોના ગાડી GJ.12.C.D. 6336 સાથે કુલ રૂા.14,54,168નો મુદ્દામાલ કર્યો જપ્ત
- ઝડપાયેલા દારૂનો જથ્થો અહીં કેવી રીતે આવ્યો તે સહિતની પોલીસે તપાસ શરૂ કરી
પૂર્વ કચ્છ પોલીસની ગુનાશોધક શાખાની ટુકડીએ અંજાર તાલુકાના મેઘપર બોરીચી વિસ્તારમાં દરોડો પાડીને જમીનના ટાંકામાં છૂપાવેલા રૂા.9.24 લાખની કિંમતનો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. આ કાર્યવાહીમાં ત્રણ આરોપીની ધરપકડ થઈ હતી. મેઘપર બોરીચી વિસ્તારમાં જીનસ કંપનીની પાછળ ,ગુરુકૃપા ટેડર્સની બાજુમાં સર્વે નં. 37 પ્લોટ નં. 10 ઉપર પોલીસે છાનબીન આરંભી હતી દરમ્યાન અહીંની જમીનમાં બનાવેલા ટાંકામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની 750 એમ.એલ. ની બોટલ નંગ 1,284 મળી આવી હતી. પકડાયેલા આ જથ્થાની કિંમત રૂા. 9,24,168 આંકવામાં આવી છે.
આરોપી હિંગળાજદાન ગોરૂદાન ગઢવી પોતાના કબજાના પ્લોટમાં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરવા માટે આ પ્રકારે જમીનમાં ટાંકો બનાવ્યો હતો. પોલીસે દારૂના જથ્થાનું ધ્યાન રાખવા માટે ઉપસ્થિત આરોપી સ્વરૂપસિંહ નારાયણસિંહ ચૌહાણ અને સવાઈસિંહ જોગસિંહ ચૌહાણની ધરપકડ કરી હતી.દરોડાની ચાલતી કામગીરી દરમ્યાન દારૂની પેટીઓ લેવા આવેલો આરોપી હિંગળાજદાન પણ કાયદાના સંકજામાં આવ્યો હતો.પકડાયેલો આ જથ્થો આરોપી ગુમાનસિંહ સોઢા પાસેથી આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ હતું. આ કાર્યવાહીમાં ત્રણેય આરોપીની ધરપકડ સાથે ચાર મોબાઈલ ફોન કિં. રૂા.30 હજાર, ટેરોના ગાડી જીજે.12.સી.ડી. 6336 કિં. રૂા.5 લાખ સાથે કુલ રૂા.14,54,168નો મુદ્દામાલ હસ્તગત લેવાયો હતો. આટલા મોટા પ્રમાણમાં ઝડપાયેલા શરાબનો જથ્થો અહીં કેવી રીતે આવ્યો તે સહિતની દિશામાં પોલીસે તપાસ આરંભી હતી.
અહેવાલ: ભારતી માખીજાણી