ચીનની આયાત છેલ્લા પાંચ મહિનાથી અને નિકાસ છેલ્લા ત્રણ મહિનાથી સતત ઘટી રહી છે
ચીનનાં નાંચાંગ શહેરમાં સંખ્યાબંધ મોટી ઇમારતો જોવા મળે છે પરંતુ તેમાંથી મોટા ભાગની ખાલી છે, ચીનની આયાત છેલ્લા પાંચ મહિનાથી સતત ઘટી રહી છે જ્યારે નિકાસ છેલ્લા ત્રણ મહિનાથી સતત ઘટી રહી છે, દેશનાં મોટા શહેરોમાં છેલ્લા થોડા સમયથી માખણ થી માંડીને મકાન સુધીની તમામ વસ્તુઓનાં ભાવ ઘટી રહ્યા છે. દેશના કુલ આઉટપુટ કરતાં તેની ખાધ વધીને 282 ટકા જેટલી થઇ ગઇ છે. જે અમેરિકા કરતા પણ વધારે હોવાનું જણાવાય છે. બાકી હોય તો હાલમાં જ ચીનની મોટા ગજાની રિયલ એસ્ટેટ કંપની કંટ્રી ગાર્ડન કંપનીએ વર્ષનાં પ્રથમ છ મહિનામાં 7.6 અબજ ડોલરનું નુકસાન કર્યું હોવાના અહેવાલ આવ્યા છે. આ કંપની તાજેતરમાં તેના બોન્ડનું ચુકવણું કરી શકી નથી. આ બધા એવા સંકેત છે કે છેલ્લા 25 વર્ષથી તેજીનાં ફૂંફાડા મારતો ચાઇનીઝ ડ્રેગન હવે માંદગીના બિછાને પડ્યો છે. જે આગામી દિવસોમાં સમગ્ર વિશ્વમાં મંદીનું ઝેર ફેલાવી શકે છે.
છેલ્લા 25 વર્ષથી ચીન મેગા પ્રોડક્શનના અને સસ્તા માલનાં ક્ધસેપ્ટ સાથે વિશ્વ ભરમાં ચીજો ઠાલવતું રહ્યું છે. દેશની 140 કરોડની વસ્તીમાં સૌ કિશોર વયથી પોતપોતાની રીતે ઉત્પાદનમાં જોડાયેલું રહેતું હતું. જેના કારણે ઇલેક્ટ્રોનિક્સથી માંડીને રમકડાં સુધીનાં વિવિધ ઉત્પાદનોનાં વિશાળ પ્લાન્ટ લાગેલા છે. હવે જ્યારે નિકાસ ઘટી રહી છે ત્યારે આ પ્લાન્ટ ચલાવવા મુશ્કેલ બન્યા છે. જેનાથી બેકારી વધી રહી છે. ચીન પોતાના મેગા પ્રોડક્સન માટે વિશ્વભરમાંથી કાચોમાલ આયાત કરતું હતું પણ હાલમાં નિકાસ ઘટી હોવાથી નવી આયાત ઘટી રહી છે જેની સીધી અસર વૈશ્વિક ઇકોનોમી ઉપર પડવાના ભણકારા વાગી રહ્યા છે. એશિયાની ઇકોનોમીનું પાવરહાઉસ ગણાતું ચીન અત્યાર સુધી વિકાસની સફરે ઉંચી ઉડાન ભરી રહ્યું હોવાનું કહેવાતું હતું. પરંતુ ઇકોનોમિસ્ટોની ભાષામાં કહીએ તો બહુ વધારે ઉત્પાદન હંમેશા વિકાસ કરે એવું નથી. મેગા પ્રોડક્શન અને વિશાળ વેચાણ વûધ્ધિ હોઇ શકે પરંતુ તે હંમેશા વિકાસમાં પરિણમે જ એવું નથી.
અત્યાર સુધી ચીન હોલિવુડની ફિલ્મોથી માંડીને ભારતની કûષિપેદાશો, સાઉથ કોરિયાની ઇલેક્ટ્રોનિક્સ ઓસ્ટ્રેલિયાના ખનિજ, બ્રાઝિલના સોયાબીન, અને ઇટાલીની મોંઘીદાટ લક્ઝરી આઇટેમોથી માંડીને અમેરિકાનાં ગૌ માંસ સુધીની વિશ્વભરમાંથી ખરીદી કરીને સૌની ઇકોનોમીનું એન્જીન બનીને તમામની ઇકોનોમીને ધબકતી રાખતું રહ્યું છે. પરંતુ હવે આ એન્જીન જ પાટા પરથી ખડી રહ્યું હોવાના સંકેત મળી રહ્યા છે.
ઇતિહાસ જોઇએ તો 2020 નો પ્રારંભ ચીન માટે ભયાનક રહ્યો એકતરફ કોવિડ-19 ના કારણે લોકડાઉન, સેંકડોના મોત, વૈશ્વિક બદનામી અને નિકાસ બંધ થતા ચીને પારાવાર નુકસાન ભોગવ્યું છે. ત્યારબાદ ચીને નિયંત્રણો દુર કરીને કારોબાર તો શરૂ કર્યો પણ ચીનની હાલત છેલ્લા ત્રણેક વર્ષથી લાફો મારીને ગાલ લાલ રાખવા જેવી જ હતી. આંતે પાઘડીનો વળ છેડે આવ્યો છે.
ચીન વિશ્વમાં નંબર-1 કોમોડિટી ક્ધઝ્યુમર દેશ છે. હવે જો ચીનની કંપનીઓ ડિફોલ્ટ થાય કે એકાદ બેંક પણ કાચી પડે તો તેની અસર વિશ્વની ઇકોનોમી ઉપર પડવાની જ છે. આંકડા બોલે છે કે વૈશ્વિક અર્થતંત્રની વûધ્ધિ 40 ટકા જેટલો ઉમચો ફાળો ચીનનો રહ્યો છે. જ્યારે અમેરિકાનો 22 ટકા અને યુરોનું ચલણ વાપરતા 20 દેશોનો ફાળો નવ ટકા રહ્યો છે. હવે એવું કહેવાય છે કે દેશની ઇકોનોમીને બચાવવા ચીનની સરકાર પાસે બહુ મર્યાદિત વિકલ્પો રહ્યા છે.
ચીનની સરકારે હાલમાં ખર્ચ માટેની માર્ગદર્શિકા તૈયાર કરી છે. પરંતુ તેની વિગતો બહુ ઓછા લોકોને ખબર છે. કારણ કે સ્થાનિક સ્વરાજ્યના વહિવટીતંત્રો સ્થાનિક કર્જનાં બોજ હેઠળ દબાયેલા છૈ. કારણ કે શહેરોનાં વહિવટદારોએ પોતાના શહેરમાં ઇમારતો, રસ્તા, પૂલ, ઔદ્યોગિક વસાહતો તથા બીજી માળખાકિય સુવિધાઓ ઉભી કરવા માટે મોટા કર્જ લીધા છે. જે હવે ભરી શકાય તેમ નથી.
અત્યારે ચીનની કોમ્યુનિસ્ટ સરકારની હાલત સાપે છછૂંદર ગળ્યા જેવી છે. કદાચ આગામી દિવસોમાં સ્થાનિક ગ્રાહકોને ધ્યાનમાં રાખીને જ ઉત્પાદનો કરાય તેવી સંભાવના છે. જે છેલ્લા બે દાયકાની ચીનની નિકાસની રણનીતિને ગંભીર ફટકો આપી શકે છૈ. હાલમાં સંખ્યાબંધ મલ્ટીનેશનલ કંપનીઓ એવી છે જે છેલ્લા પાંચેક વર્ષમાં મોટા મુડીરોકાણ સાથે ચીનમા પ્રોડક્શન યુનિટ નાખીને બેઠી છૈ જેના ઉપર ચીનની સરકારે નિયંત્રણો લગાવ્યા હોવાથી તેમનો વિકાસ રૂંધાઇ રહ્યો છે. હવે આ કંપનીઓ જો તાળાં મારશૈ તો ચીનમાં મોટા પાયે બેરોજગારી આવશે. બીજા શબ્દોમાં કહીએ તો ચાઇનીઝ ડ્રેગનના ગળે ચારેકોરથી ગાળિયો ભિંસાઇ રહ્યો છૈ જેની નોંધ આખા વિશ્વને લીધા વિના ચાલે તેમ નથી.