વારંવાર પાઇપલાઇન લીકેજની સમસ્યામાંથી મળશે મુક્તિ: રૂ.2.22 કરોડના ખર્ચે નવી લાઇન બિછાવાશે

શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા રૈયાધાર પમ્પીંગ સ્ટેશનથી સોજીત્રાનગર પાણીના ટાંકા સુધીના વિસ્તારમાં રૂ.2.22 કરોડના ખર્ચે 508 એમ.એસ.ની નવી પાઇપલાઇન બિછાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારમાં વર્ષો જૂની પાઇપલાઇન હોવાના કારણે શિયાળાની સિઝનમાં છાશવારે લાઇન લીકેજની સમસ્યા સર્જાતી હતી અને વિતરણ વ્યવસ્થા પર અસર પડતી હતી. હાલ રૈયા ચોકડીએથી પાઇપલાઇન નાંખવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થતાં આશરે 8 માસ જેટલો સમય નીકળી જશે.

150 ફૂટ રીંગ રોડ પર મોદી સ્કૂલની બાજુમાં વર્ષો પહેલા પાણી વિતરણ માટે પાઇપલાઇન બિછાવવામાં આવી હતી. વર્ષો જૂની પાઇપલાઇન સડી ગયા હોવાના કારણે વારંવાર લીકેજની સમસ્યા સર્જાતી હત. દરમિયાન રૈયાધાર પમ્પીંગ સ્ટેશનથી સોજીત્રાનગર પાણીના ટાંકા સુધી નવી 508 એમ.એસ.ની પાઇપલાઇન બિછાવવા માટે રૂ.2.22 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.

આ પાઇપલાઇન રૈયા રોડ પરથી બિછાવવામાં આવશે. હાલ રૈયા ચોકડીએથી બ્રહ્મ સમાજ ચોક સુધી ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે રૈયાધાર પમ્પીંગ સ્ટેશન ખાતેથી વોર્ડ નં.1, 2, 8, 9 અને 10ના અલગ-અલગ વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. પાઇપલાઇન બિછાવવાનું કામ પૂર્ણ થતાંની સાથે જ આ પાંચ વોર્ડના વિસ્તારોને પૂરા ફોર્સથી પાણી મળવા લાગશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.