૨ હજારથી વધુ મહિલાઓએ આ ત્રિદિવસીય શિબિરમાં ઉત્સાહથી ભાગ લીધો: ગાદીવાળાનાં આશિર્વાદ લીધા
સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજનાં રૂડા આશીર્વાદ તથા સ્ત્રી ભકતોનાં ગુરુપદે બિરાજમાન એવમ્ લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળનાં અધ્યક્ષા ગાદીવાળા માતુશ્રીની શુભ પ્રેરણા તથા આશીર્વાદથી લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ-રાજકોટ દ્વારા ત્રણ દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરનું ઉદઘાટન પ.પૂ.આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજનાં દ્વિતીય સુપુત્રી ઉર્વશીકુવરબાના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.
તેઓએ સત્સંગી બહેનોને સત્સંગની પ્રવૃતિની સાથે સામાજીક કાર્યોમાં જોડાવાનું સુચન કર્યું હતું. સાથે મહિલા સશકિતકરણ ઉપર ભાર મૂકતા સત્સંગી બહેનોને સ્વાવલંબી થવા માટે ટકોર કરી સાથે સાથે શ્રીજી મહારાજે સ્થાપેલા ષડંગી સંપ્રદાયનો મહિમા સમજાવ્યો. આ પ્રસંગે ભૂતપૂર્વ મેયર ભાવનાબેન જોશીપુરા તેમજ પી.આઈ. સેજનલબેન આર.પટેલ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ભાવનાબેન જોશીપુરાએ પોતાનાં વકતવ્યમાં મહિલા હેલ્પલાઈન નં.૧૮૧ વિશે બધાને માહિતગાર કર્યા હતા અને ભગવાન સ્વામિનારાયણનાં ૮માં વંશજના દિકરી એવા પૂ.ઉર્વશીકુવરબાને મળીને પોતાની જાતને ધન્યતા અનુભવી હતી. તેમજ પી.આઈ. સેજલબેન આર.પટેલે આત્મહત્યા તેમજ દહેજ પ્રથાને રોકવા માટેની પ્રેરણા આપી હતી અંત દહેજમાં તમારી દિકરીઓને ભણાવો આવું કહી પોતાનું વકતવ્ય પૂરું કર્યું હતું.
આ સાથે સાંખ્ય યોગી બહેનોએ શિબિરનાં માધ્યમ દ્વારા ભકતચિંતામણી, કિર્તન વિવેચન તેમજ સંપ્રદાયનાં સિઘ્ધાંત અને મહિમા સમજાવ્યો હતો. તેમાં રાજકોટ શહેરનાં હાલનાં મેયર બીનાબેન આચાર્ય, રાજકોટ વોર્ડ નં.૧૭નાં કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામી અને વોર્ડ નં.૨૨નાં કોર્પોરેટર જયાબેન ટાંક તેમજ તેની સાથે રંભાબેન ભાલાળા અને જયશ્રીબેન ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણ તેમજ ધર્મકુળનાં જયઘોષ સાથે શિબિરની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ સત્સંગ શિબિરમાં સમગ્ર રાજકોટ શહેરનાં ૨૦૦૦થી વધુ સ્ત્રીભકતોએ લાભ લીધો હતો. આ સંપૂર્ણ શિબિરનું આયોજન કરવામાં ભકિત મહિલા મંડળ, ભકિત મહિલા મંડળ, સુવાસીની દેવી મહિલા મંડળ, ઘનશ્યામ મહિલા મંડળ સહિતનાં વિવિધ મંડળનાં સભ્યોએ આ શિબિરમાં પોતાનો ફાળો આપ્યો હતો.