મહાપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા અગાઉ કરાયેલી જાહેરાત જૂઠ્ઠી પડે તેવી ભીતી: ડિસેમ્બર અંતમાં બ્રિજ વાહનચાલક માટે ખૂલ્લો મુકાય તેવી સંભાવના: બ્રિજને લાગૂ ચાર રસ્તાઓ પહોળા કરવા કપાતના અસરગ્રસ્તો સાથે ટૂંકમાં બેઠક
જૂના રાજકોટ અને નવાં રાજકોટને જોડતા લક્ષ્મીનગરના નાલા પાસે કરોડો રૂપિયાના ખર્ચે અન્ડરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જે અંતિમ તબક્કામાં હોય તાજેતરમાં કોર્પોરેશનના પદાધિકારી અને અધિકારીઓ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે 10મી ડિસેમ્બરે લક્ષ્મીનગર બ્રિજ વાહન ચાલકો માટે ખૂલ્લો મુકી દેવામાં આવશે. હજી કામ પૂર્ણ થયું ન હોવાના કારણે લોકાર્પણમાં એક પખવાડિયુ ખેંચાઇ જાય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ડિસેમ્બર માસના અંતમાં બ્રિજનું વિધિવત લોકાર્પણ કરી દેવામાં આવે તેવી સંભાવના જણાઇ રહી છે. દરમિયાન બ્રિજને લાગૂ ચાર રસ્તાઓ પહોળા કરવા માટે લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ દાખલ કરાયા બાદ જે મિલ્કત ધારકોની મિલ્કત કપાતમાં આવે છે તેઓની સાથે ટૂંક સમયમાં હિયરીંગ યોજવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ટ્રાફીકની સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે લક્ષ્મીનગરના નાલા પાસે અન્ડરબ્રિજ બનાવવામાં આવી રહ્યું છે. જેનું નિર્માણકાર્ય રેલ્વે વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અગાઉ મહાપાલિકાના પદાધિકારી અને અધિકારીઓ બ્રિજના નિર્માણ કાર્યની સ્થળ વિઝીટ કર્યા બાદ એવી જાહેરાત કરી હતી કે 10મી ડિસેમ્બર આસપાસ બ્રિજનું લોકાપર્ણ કરી દેવામાં આવશે. આ અંગે રેલ્વે વિભાગ દ્વારા ફાઇનલ ક્ધર્ફર્મેશન આપવામાં આવ્યું નથી. હજી નિર્માણકાર્ય પુરૂં થતાં 20 થી 25 દિવસનો સમય પસાર થઇ જાય તેવી સંભાવના જણાઇ રહી છે. 10મી બ્રિજ ખૂલ્લો મુકાય તેવી કોઇ સંભાવના હાલ દેખાતી નથી. 25 થી 30 ડિસેમ્બરની વચ્ચે વાહન ચાલકો માટે લક્ષ્મીનગર બ્રિજ ખૂલ્લો મુકવામાં આવે તેવું લાગી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિજના લોકાર્પણ બાદ જુના અને નવાં રાજકોટને જોડતા આ મુખ્ય રસ્તા પર ટ્રાફીકની સમસ્યા મહદઅંશે મહાપાલિકા દ્વારા બ્રિજને લાગૂ અલગ-અલગ ચાર રસ્તાઓ પહોળા કરવા માટે લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ લાગૂ કરવામાં આવી છે જેમાં બ્રિજથી ભક્તિનગર સ્ટેશન તરફ જતો રસ્તો 18 મીટર સુધી પહોળો કરવામાં આવશે જ્યારે બ્રિજથી એસ્ટ્રોન ચોકના નાલા સુધીનો રસ્તો 15 મીટર, વિરાણી હાઇસ્કૂલ પાસેનો રસ્તો 15 મીટર અને હોમીદસ્તૂર માર્ગ સામે રાજમંદિર ફાસ્ટફૂડ વાળો રસ્તો 15 મીટર પહોળો કરવામાં આવનાર છે. આ ચાર રસ્તાઓ પહોળા કરવા માટે જે લોકોની મિલ્કત કપાતમાં આવે છે તેવા કપાતના અસરગ્રસ્તો સાથે ટૂંક સમયમાં મ્યુનિ. કમિશનર એક હિયરીંગ બેઠક બોલાવશે. જેમાં કપાતના બદલામાં અસરગ્રસ્તોને વૈકલ્પિક વળતર સહિતના વિવિધ મુદ્ાઓ પર ચર્ચા કરવામાં આવશે.