સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તમામ 54 દરખાસ્તોને મંજૂરીની મહોર: રૂ.71.66 કરોડના વિકાસકામોને બહાલી આપતાં ચેરમેન પૂષ્કર પટેલ
રાજકોટ મહાનગરપાલિકામાં આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તમામ 54 દરખાસ્તોને મંજૂરીની મહોર મારી રૂ.71.66 કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી. ચાર માસ પહેલા ખૂલ્લો મૂકવામાં આવેલા લક્ષ્મીનગર અન્ડરબ્રિજ ચોમાસાની સીઝનમાં સ્વીમીંગ પુલ ન બની જાય તે માટે 10 પમ્પીંગ સેટ અને 200 કે.વી. ક્ષમતાનો જનરેટર સેટ મૂકવા માટે ખડી સમિતિ દ્વારા રૂ.79.43 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે આજે મળેલી બેઠકમાં તમામ 54 દરખાસ્તોને બહાલી આપવામાં આવી છે અને રૂ.71.66 કરોડના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે. શહેરના લક્ષ્મીનગર અન્ડરબ્રિજના પમ્પીંગ સ્ટેશન ખાતે વરસાદી પાણીના નિકાલ માટે પમ્પીંગ સ્ટેશનરી મૂકવા માટે રૂ.79.43 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.
અહીં બ્રિજના નિર્માણ વેળાએ જ બંને બાજુ સંપ બનાવવામાં આવ્યા છે. હવે વરસાદી પાણીના નિકાલ માટે બંને બાજુ પાંચ-પાંચ પમ્પીંગ સેટ અને 200 કે.વી.ની ક્ષમતાનું જનરેટર મૂકવામાં આવશે. ચોમાસાની સિઝન પહેલા પમ્પીંગ મશીનરી કામગીરી પૂર્ણ થઇ જશે. જેથી ભારે વરસાદમાં પણ અહીં પાણી ભરાવવાની કોઇ સમસ્યા સર્જાશે નહીં.
આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ-અલગ વોર્ડમાં અલગ-અલગ વિસ્તારોમાં વોટર વર્ક્સના ડીઆઇ પાઇપ લાઇન સહિતના નેટવર્કના કામ માટે રૂ.26.19 કરોડ, રસ્તા કામ માટે રૂ.8.71 કરોડ, લાઇટીંગના કામ માટે રૂ.1.39 કરોડ, બ્રિજના કામ માટે રૂ.24.95 કરોડ, બગીચાના કામ માટે રૂ.1.91 કરોડ, નવી આંગણવાડી બનાવવા રૂ.70 લાખ, ફોગીંગ મશીનની ખરીદી માટે રૂ.19.71 લાખ, કોરોનાના સંક્રમણને અટકાવવા માટે કરવામાં આવેલા રૂ.1.90 કરોડના ખર્ચ સહિત કુલ રૂ.71.66 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.
હોસ્પિટલ ચોક બ્રિજ માટે વધારાનો 25 કરોડની ખર્ચ મંજૂર: એજન્સી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા તાકીદ
શહેરના હોસ્પિટલ ચોક ખાતે રૂ.84.71 કરોડના ખર્ચે થ્રી-આર્મ ઓવરબ્રિજનું નિર્માણ થઇ રહ્યું છે. જેમાં વધારાનો રૂ.24.95 કરોડનો ખર્ચ મંજૂર કરવાની દરખાસ્તને આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. દરમિયાન બ્રિજની ડીઝાઇન અને એસ્ટીમેન્ટ તૈયાર કરનાર અમદાવાદની ડેલ્ફ ક્ધસલ્ટીંગ એન્ડ એન્જીનીયરીંગ નામની એજન્સી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મ્યુનિ.કમિશનરને કડક તાકીદ કરવામાં આવી છે.
સ્ટેન્ડિંગ પૂર્વે મળેલી ભાજપની સંકલન બેઠકમાં કોર્પોરેટર નેહલ શુક્લએ આ અંગે સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે ક્ધસલ્ટીંગ એજન્સી દ્વારા ડીઝાઇન અને એસ્ટીમેટ તૈયાર કરવામાં આવ્યું ત્યારે એવો ખ્યાલ નહીં હોય તે પીલર માટે વધુ ઉંડાઇ સુધી ખોદકામ કરવું પડશે. વધારાનો ખર્ચ મંજૂર કરતાની સાથે એજન્સી સામે શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઇએ. દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીએ હોસ્પિટલ ચોક બ્રિજ માટે વધારાનો 24.95 કરોડનો ખર્ચ મંજૂર કર્યો છે. સાથોસાથ કમિશનરને ક્ધસલ્ટીંગ એજન્સી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા તાકીદ કરી છે.
ચેરમેને આ અંગે વધુમાં ઉમેર્યું હતું કે બ્રિજના નિર્માણ કામ દરમિયાન આર એન્ડ બીની સૂચના મુજબ પીલર માટે વધુ ખોદકામ કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત વોકળાં પર સ્લેબ ક્ધવર્ટનું બાંધકામ સહિતનો ખર્ચ વધ્યો હતો. ભારત સરકારના પ્રાઇઝ એક્સેલેન્સન હેઠળ સિમેન્ટ અને સ્ટીલના ભાવ વધવાના કારણે 10 કરોડ વધુ ચૂકવવાના થાય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી વધારાનો 25 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.