આરોપીએ જજ સામે બેફામ વાણી વિલાસ કરી વકીલને ફડાકા મારી જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી
મોરબીની કોર્ટમાં એક કેસની મુદતે હાજર રહેલા આરોપીએ ન્યાયિક પ્રણાલી સામે સવાલ ઉઠાવીને જજની સામે બેફામ વાણી વિલાસ કરીને વકીલને પણ ફડાકા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીની ચાલુ ન્યાયિક કાર્યવાહી દરમિયાન આ શરમજનક કરતુતથી ન્યાયાધીશો અને વકીલોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે આજે વકીલોએ આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી ે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય કરી વિજળીકવેગે એક દિવસની હડતાળ પાડી છે. જો કે આ અંગે કોર્ટ રજિસ્ટ્રારે વિધિવત ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીની ચીફ જ્યૂડી. મેજી. કોર્ટના રજિસ્ટ્રાર અહેમદ હુશૈન ઇશભાઈ માલવતે મોરબીમાં રહેતા મુળજીભાઈ દેવજીભાઈ સોલંકી સામે બી. ડીવી.માં ફરિયાદ નોંધાવી હતી કે મોરબીની ઉક્ત કોર્ટમાં ન્યાયિક કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે એક ફોજદારી કેસમાં સમન્સ હોવાથી આરોપી તરીકે મૂળજીભાઈ દેવજીભાઈ સોલંકી, રાજેશભાઈ કલ્યાણજીભાઈ ચૌહાણ, રામજીભાઇ માવજીભાઈ પરમાર આ કોર્ટમાં હાજરી આપવા આવ્યા હતા અને કોર્ટની ચાલુ કાર્યવાહી દરમિયાન આરોપી મૂળજી દેવજી સોલંકીએ જજ એ.એન.વોરા સાહેબને કહેવા લાગ્યા હતા કે, કોર્ટમાં તારીખ કેમ આપતા નથી? કેમ બેસાડી રાખો છો? પૈસા લઈને માણસાઈ મૂકી દીધી છે? કુદરત નહિ છોડે તમને ખોટા કેસમાં ફસાવી દઈશ, તેમ કહી જજ સામે બેફામ વાણી વિલાસ કરીને ઉદ્ધત વર્તન કર્યું હતું.
આમ કહ્યા બાદ આરોપીએ પડી જવાનો ડોળ કરતા તેમને સ્ટ્રેચરમાં બહાર લઈ જવાતા હતા. તે સમયે આરોપીએ સ્ટ્રેચરમાં બેસીને વકીલ એમ.આર.ઓઝાનો કાંઠલો પકડી ફડાકા મારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. કોર્ટની ચાલુ કાર્યવાહી દરમિયાન આરોપીની આ હરકતને કારણે વકીલો અને ન્યાયાધીશોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. આ બનાવના વિરોધમાં મોરબી બાર એસો.ના હોદેદારો અને વકીલો જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાને રૂબરૂ મળીને ન્યાયની ગરીમાંને કલંકિત કરનાર આ ઘટનાના આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આથી, પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપી સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે હવે આ બનાવના વધુ ઘેરા પ્રત્યાઘાતના ભાગ રૂપે બાર એસો.એ દિવસ પૂરતા કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય કરી હડતાળ પાડી છે. હાલ તમામ કોર્ટની કાર્યવાહી આજના દિવસ પૂરતી બંધ રાખી ઉક્ત બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો છે. બાર એસોસિએશનમાં ઠરાવ કરી હડતાળ કરવામાં આવી છે એવું મોરબી બાર એસોસિએશનના પ્રમુખ દિલીપ અગેચાણિયાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવી ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે એ તેમજ આરોપીને સખ્ત સજા મળે એ માટે બાર એસો.એ માંગ કરી છે.