- બાર એસો.ને ફાળવેલી જગ્યામાં વધુ બે માળ બાંધી વકીલોને સુવિધા પુરી પાડવામાં આવશે: ઝેરોક્ષ મશીનનો કોમર્શિયલ ઉપયોગ ન કરવો
- બાર એસો.એ વિગતવાર ડિસ્ટ્રીક્ટ જજને લેખિત રજૂઆત કરવામાં આવશે
રાજકોટના નવા કોર્ટ બિલ્ડિંગમાં સર્જાયેલા વકીલોના ટેબલો ગોઠવવા, બાર રૂમમાં ઝેરોક્ષ પ્રિન્ટર સહિતના વિવાદો મામલે શનિવારે આવી પહોંચેલા યુનિટ જજ બિરેન વૈષ્ણવે બાર એસોસિએશનના હોદ્દેદારોને યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.
રાજકોટમાં નવા કોર્ટ બિલ્ડિંગમાં અદાલત ટ્રાન્સફર થયાના બીજા દિવસથી જ વકીલોના ટેબલો, પીવાનું પાણી, કેન્ટીન સહિતના પ્રશ્નો ઊભા થયા હતા, તેવામાં બાર એસો.ના રૂમમાં રાખવામાં આવેલું ઝેરોક્ષ પ્રિન્ટર કોર્ટ તંત્ર દ્વારા રોજ કામ સહિતની કાર્યવાહી વિનાજ જપ્ત કરી લેવાતા બાર અને બેન્ચ વચ્ચે જબરો વિવાદ સર્જાયો છે, જેમાં એક તબક્કે ઝેરોક્ષ મશીન મુદ્દે વકીલો લડી લેવાના મૂડમાં હોય તેમ ઝેરોક્ષ મશીન પરત મેળવવા મેઇન કોર્ટની કાર્યવાહીથી અળગા રહેવા ઉપરાંત કાળી પટ્ટી અને સૂત્રોચ્ચાર કર્યા છતાં ઝેરોક્ષ મશીન પરત આપવામાં આવ્યું ન હતું અને વકીલોમાં રોષ ભભુકયો હતો, તેમાં નવી કોર્ટમાં વકીલોને પડતી વિવિધ સમસ્યાઓ અંગે બાર એસોસિયેશનના હોદ્દેદારો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરાઈ રહી છે ત્યારે ગત શનિવારે હાઇકોર્ટના જજ અને રાજકોટના યુનિટ જજ બિરેન વૈષ્ણવે રાજકોટની ખાસ મુલાકાત લીધી હતી.
આ અંગે સૂત્રોના જણાવ્યા મુજબ, યુનિટ જજે ડિસ્ટ્રિકટ જજની ચેમ્બરમાં અન્ય એડિશનલ જજોની હાજરીમાં બાર એસો. સાથે બોલાવેલી બેઠકમાં રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ બકુલભાઈ રાજાણી અને સેક્રેટરી પી.સી. વ્યાસ, સેક્રેટરી જયેન્દ્ર ગોંડલીયા હાજર રહ્યા હતા. રાજકોટ બારના વર્તમાન પ્રશ્નો સંદર્ભે બાર તરફથી તમામ સચોટ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ઝેરોક્ષ પ્રશ્ને યુનિટ જજે વિગતવાર આધાર સાથે સોમવારે લેખિત અરજી આપવાનું જણાવ્યું હતું. જેમાં ઝેરોક્ષ મશીન નોન કોમર્શિયલ ધોરણે ચલાવવાનું અને માત્ર વકીલો પૂરતો જ ઉપયોગ કરીશું તેવું લેખિતમાં એક અરજી આપવાનું જણાવેલ છે. આ ઉપરાંત નવા બિલ્ડિંગમાં વકીલોને પડતી પાણીની સમસ્યા સંદર્ભે ભવિષ્યમાં પાણીની કોઈ તકલીફ રહેશે નહીં અને મ્યુ. કોર્પોરેશનનું પાણી પૂરતું આવે છે. અને તેની સપ્લાય માટે યોગ્ય ટાઈમ ટેબલ સાથેની વ્યવસ્થા બનાવી લેવાશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
આ ઉપરાંત વકીલોના ટેબલોના પ્રશ્ને નવા બિલ્ડિંગ પાસે બાર માટે ફાળવવામાંઆવેલ જગ્યા ઉપર તૈયાર થનાર બે માળની જગ્યાએ ચાર માળ બાંધી બાર રૂમની જગ્યાનો રિવાઇઝ્ડ પ્લાન કરી અને તેમાં લિફ્ટ સહિતની જોઈતી તમામ ફેસિલિટી સોમવારે લેખિતમાં રાજકોટ ડિસ્ટ્રીકટ જજને પહોંચાડવાની છે. અને રિવાઇઝ પ્લાન તૈયાર કરાવી અને તમામ વકીલોને જોઈતી ફર્નિચર સહિતની સવલતો સાંકળી લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. આ તબક્કે યુનિટ જજ બિરેન વૈષ્ણવે રાજકોટના કોઈપણ પ્રશ્ન સંદર્ભે પોતાની સાથે સીધી વાતચીત કરવા માટે નંબર આપીને કોર્ટ કાર્યવાહી સિવાયના કોઈપણ સમયે સીધી વાતચીત કરવા બાંહેધરી તેમજ ટેબલ વ્યવસ્થા માટે, ગ્રાઉન્ડ ફ્લોરમાં પડેલા તમામ ટેબલની એક યાદી તાત્કાલિક મળ્યે તુરંત પહેલા બેઠક વ્યવસ્થા શરૂ કરવાની ખાતરી આપી હતી. આ તકે ડિસ્ટ્રીકટ જજે યુનિટ જજની હાજરીમાં ’એક પણ વકીલ ટેબલથી વંચિત નહીં રહે’ એવી ખાતરી આપી હતી.
આ ઉપરાંત મુખ્ય ગેટ તુરંત ખોલાવવા માટે, તથા પાર્કિંગમાં ટુવ્હીલર, ફોરવ્હીલરની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેવી પણ ખાતરી આપી હતી. આમ, વકીલોના ટેબલો સહિતની મુદ્દાસરની લેખિત રજૂઆત આજે સોમવારે મોકલવાનું જણાવ્યું હોય બાર એસોસિએશન દ્વારા આજે સાંજ સુધી રજૂઆત મોકલી દેવા ચક્ર ગતિમાન કરવામાં આવ્યા હતા.