ગુજરાતભરમાં અને દેશમાં કોરોના મહામારીના પગલે બંધ રહેલી અદાલતો અને કાનૂની કાર્યવાહીને લઇને સમગ્ર દેશના ધારાશાસ્ત્રીઓ માટે મોટી આર્થિક સમસ્યાનો આ કટોકટી કાળ ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાતભરના વકીલો એ બાર કાઉન્સિલના ભંડોળમાંથી જરૂરિયાત મંદ વકીલોને આર્થિક સહાયની માંગ કરી હતી.
દરમિયાન બાર કાઉન્સિલ દ્વારા સભ્યો હોય તેવા વકીલોને રોજગારી માટે વેપાર વ્યવસાય અને વૈકલ્પિક નોકરી-ધંધાની પરવાનગી આપવાનું ઠરાવાયું છે, જે અત્યાર સુધી બારના સભ્યોને અન્ય ધંધા કે નોકરી કરવાની પરવાનગી મળતી ન હતી, ત્યારે બાર એસોસિએશન દ્વારા સહાયને બદલે નોકરી, ધંધાની છૂટ આપી છે, પણ રૂપિયા જ નથી ત્યારે વ્યવસાય કરવા કેમ ? તેવા સવાલ ઉઠાવી જૂનાગઢ બાર એસોસિએશનના સેક્રેટરી અને અગ્રણી વકીલ જયદેવ જોશીની અધ્યક્ષતામાં ગઈકાલે બાર કાઉન્સિલની આ નીતિનો વિરોધ કરવા નવતર પ્રકારનો કાર્યક્રમ યોજ્યો હતો, વકીલોએ જૂનાગઢમાં જાહેરમાં લારીમાં ફ્રૂટ, શાકભાજી, સિંગ, દાળિયા વેચવાનું પ્રતીકાત્મક ધંધો કર્યો હતો.
જૂનાગઢના ધારાસભ્ય જયદેવ જોષીના જણાવ્યા અનુસાર, બાર કાઉન્સિલ પાસે રાજ્યના ૭૫ હજાર વકીલો દ્વારા દર વર્ષે આપવામાં આવતી રૂ. ૧૫૦૦ વેલફર ફીના કરોડો રૂપિયાનું ભંડોળ વકીલોના વેલફર માટે ભેગું થયું છે, અને તેમાંથી મૃતક સભ્ય વકીલના પરિવારને રૂ. ૩.૫૦ લાખ સહાય અપાય છે, ત્યારે બાકીના ભંડોળમાથી અત્યારની પરિસ્થિતિમાં કામ ધંધા વગરના અને આર્થિક મુશ્કેલીમાં આવેલા વકીલોને સહાયના રૂપમાં આપવા જોઈએ, વકીલોને બારના ભંડોળમાં કરોડો રૂપિયાની અનામત પૂરતી હોવા છતાં વકીલોને કોઈ પણ ધંધો કરી લેવાની છૂટ આપીને વકીલ સાથે મોટો અન્યાય કરવામાં આવી રહ્યો છે, પણ હવે અમે હિસાબ માંગીશું, અને જરૂરિયાતમંદ વકીલોને આર્થિક સહાય બાર કાઉન્સિલ આપે તેવી માંગ કાયમ રાખીશું.દરમિયાન ગઈકાલે જૂનાગઢના વકીલોએ બારની નીતિ રીતિ સામે રોષે ભરાઈ સૂત્રોચ્ચાર કર્યા હતા અને નવતર વિરોધ કરવા માટે લારીમાં ફ્રૂટ, શાકભાજી, શીંગ દાળિયાની લારી કાઢી, કોર્ટ નજીક વેચાણ કર્યું હતું. વકીલોના આ નવતર પ્રયોગો અને વિરોધને પગલે લોકોની ભીડ જમા થઇ ગઇ હતી.