વકીલ જોશી હત્યા કેસમાં ઝડપાયેલી ત્રિપુટી પાસેથી
ત્રણ પાસપોર્ટ, વિદેશી ચલણ, મોબાઈલ લેપટોપ કબ્જે કરાયા છે.
જામનગરના વકીલની હત્યા પ્રકરણમાં કોલકતાથી ઝડપાયેલી આરોપી ત્રિપુટી પાસેથી પોલીસે ત્રણ પાસપોર્ટ કબજે કર્યા છે. જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં ત્રણ વર્ષ પુર્વે વકિલ કિરીટભાઇ જોશીની છરીના ઘા ઝીંકી હત્યાના પ્રકરણમાં પોલીસે ભુમાફિયા જયેશ પટેલ અને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.પોલીસ તપાસ દરમિયાન ભાડુતિ મારાઓ થકી હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાનુ ખુલ્યુ હતુ જેમાં પોલીસે અગાઉ છ આરોપીની પણ ધરપકડ કરી હતી. જે હત્યા પ્રકરણમાં પોલીસે સોપારી લેનારા ત્રણ વર્ષથી ફરાર આરોપી દિલીપ પુજારા, તેના ભાઇ હાર્દીક પુજારા અને જયંત અમૃતભાઇને કોલકતાથી દબોચી લઇ 12 દિવસના રીમાન્ડ મેળવી પુછતાછ હાથ ધરી છે. પોલીસે આ ત્રિપુટીના કબજામાંથી અગાઉ ત્રણ પાસપોર્ટ, જુદા જુદા દેશો અને ભારતીય ચલણ ઉપરાંત મોબાઇલ ફોન અને લેપટોપ વગેરે કબજે કર્યુ હતુ. જયારે આરોપીઓની મામલતદાર સમક્ષ ઓળખપરેડ પણ કરાવાઇ હતી. પોલીસ તપાસમાં આરોપીએ 4 દેશો ઉપરાંત 7 રાજયોના મુંબઇ સહિતના સ્થળોએ આશ્રય મેળવ્યો હોવાનુ ખુલતા તપાસનો દૌર મુંબઇ સહિતના સ્થળો સુધી લંબાવાશે.