ગાળો ભાંડી લાકડાના ધોકા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બંને વિરૂદ્ધ નોંધાતો ગુનો
ધોરાજીમાં વધુ એક વાર નજીવી બાબતે મારામારીની ઘટના સામે આવી છે જેમાં ઢોલનગારા વગાડી ઘર પાસે રમવાની ના પાડતા બે શખ્સોએ વકીલ પર ધોકા પાઇપ વડે હુમલો કરતા તેને ગંભીર ઈજા પહોંચી હતી.જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવની જાણ પોલીસને થતાં સ્ટાફ વકીલની ફરિયાદ પરથી બંને શખસો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથધરી છે.
બનાવ અંગેની ભરતી માહિતી મુજબ ધોરાજીમાં આવેલ દરબારી વાડા ગેબનશાહ પીર નજીક રહેતા વકીલ કાદરભાઈ હનીફભાઈ કાદરીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ ગઈકાલે બપોરના સમયે પોતાના ઘરે હતા ત્યારે તેમના ઘર નજીક ઈર્ષાદ ઉર્ફે કારો ઈકબાલ ખલીફા અને તેનો ભાઈ સદામ ખલીફા બંને ઢોલ નગારા વગાડી રમી રહ્યા હતા.
જે અંગે તેમને બંને ભાઈઓને ઠપકો દેતા બંને તે વાતનું મન દુ:ખ રાખી ગઈકાલ સાંજના સમયે તેમના ઉપર ધોકા પાઇપ વડે હુમલો કરતા તેમને ગંભીર ઈજા પહોચ્યા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં બનાવની જાણ ધોરાજી પોલીસને થતા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.