‘કલ ઘર સે મત નીકલના, કલ તેરે ખૂન કે સાથ હોલી ખેલુંગાનો વોટ્સએપ પર મેસેજ, ઓડીયો અને વીડિયો મેસેજ મોકલી ધમકી દીધી
પંજાબના ફેમસ સિંગર સિધુ મુશેવાળાની હત્યામાં સંડોવાયેલી લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકીથી ફફડાટ
અબતક,રાજકોટ
પંજાબના સિંગર સિધુ મુશેવાળાની હત્યામાં સંડોવાયેલી લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા મોરબીના ઉદ્યોગપતિ પાસે રૂ.25 લાખની ખંડણી પડાવવા વોટસએપ મેસેજ, ઓડીયો અને વીડિયો ક્લિપ મોકલી ધમકી દેતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે. પોલીસે મોબાઇલના વિદેશી નંબર અંગે તપાસ કરવા સાયબર ક્રાઇમની મદદ લીધી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીના નાની વાવડી રોડ પર આવેલા રાધાપાર્ક સોસાયટીમાં રહેતા અને જેતપર પીપરડી રોડ પર શાપર ગામની સીમમાં સ્કાય ટચ નામની સિરામીક ફેકટરી ધરાવતા અનિલભાઇ વલ્લભભાઇ કગથરા નામના 35 વર્ષના પટેલ યુવાનને મોબાઇલના વિદેશી નંબર પરથી અજાણ્યા શખ્સે વોટસએપ કોલ, મેસેજ અને ઓડીયો ક્લિપ મોકલી હિન્દી ભાષામાં રૂ.25 લાખની ખંડણી માટે ધમકી દીધાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સ્કાય ટચ ફેકટરીના માલીક અનિલભાઇ કગથરા ગત તા.28 જુલાઇએ રાતે વોટસએપ મેસેજ આવ્યો હતો તે સવારે પોતાના મોબાઇલમાં વાચ્યો મેસેજ પ્રથમ મેસેજ હેલો મી.અનિલ કગથરા ત્યાર બાદ મે લોરેન્સ બિશ્નોઈ ગેંગ કી ઔર સે મેસેજ ભેજ રહા હું, અનિલ ભાઉ કા 25 પેટી હમકો ચાહીએ નહી તો અપુન કા ફંટર અનિલ કગથરા ઔર પ્રશાંત કગથરા કો ઠોક દેગા, અપુન કે પાસ તેરા સારા કુંડળી અગર 25 લાખ નહી દીયા તો, ભાઉ ફેકટરી મત જાના હીતો ઉડા દેગા તુમકો સમજ ગયા અભી 25 પેટીકા ઇન્તઝામ કરો હમ તુમકો એસબીઆઇ કા બેન્ક એકાઉન્ટ સેન્ડ કરા હૈ ઉસમે પૈસા ડાલ દો ઔર મેરે કો ઓન લાઇન સ્લીપ ભેજ દો પૈસા નહી દીયા તો તુમારા લાઇફ ઓફ હો શકતા હૈ અને છેલ્લા મેસેજમાં કલ સુબે 25 લાખ દેને કા સમજ ગયા લખ્યું હતું. તેમજ એમ.ડી.યાસીનના નામું બેન્ક એકાઉન્ટના નંબર મોકલ્યા હતા.
ધમકી ભર્યા મેસેજ જોયા બાદ લોરેન્સ બિશ્નોઈ ગેંગના શખ્સે વોટસએપ કોલ કરી અનિલભાઇને ફરી હિન્દી ભાષામાં ઉપરોકત ધમકી દીધી હતી. આથી અનિલભાઇ કગથરાએ પોતાની પાસે આટલી મોટી રકમ નહી હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ લોરેન્સ બીશ્ર્નોઇ ગેંગ દ્વારા હિન્દી ભાષામાં ઓડીયો ક્લિપ મોકલવામાં આવી હતી તેમા કલ ઘર સે મત નીકલના કલ મે તેરા ખૂન કે સાથ હોલી ખેલુંગા, સમજ મે આયા કે નહી અભી તુ બોલ રહા હૈ પૈસા નહી હૈ, મે તેરી ફેમિલી કો ઉડાદુંગા તો તેરી ચિતા કો આગ લગાને વાલા કોઇ નહી બચેગા ઓડીયો ક્લિપ દ્વારા ધમકી દઇ એક મોબાઇલ નંબર મોકલ્યો હતો તેમાં ઓન લાઇન પૈસા ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું.
આથી ગભરાયેલા અનિલભાઇ કગથરાએ ફેકટરીના પોતાના ભાગીદાર હરેશભાઇ ડાયાભાઇ કગથરા અને હિરેનભાઇ છગનભાઇ ચાડમીયાને લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા રૂા.25 લાખની ખંડણી પડાવવા ધમકી ભર્યા મેસેજ આવ્યા અંગેની વાત કર્યા બાદ પોલીસમાં એક લેખિત અરજી આપી હતી. મોરબી પોલીસે મોબાઇલ નંબર અને બેન્ક એકાઉન્ટ નંબરના આધારે સાયબર ક્રાઇમની મદદથી તપાસ કર્યા બાદ લોરેન્સ ગેંગના શખ્સો સામે બળજબરીથી પૈસા પડાવવા ધમકી દીધા અંગેની ગુનો નોંધી એ ડિવિઝન પી.એસ.આઇ. એમ.પી.સોનારાએ તપાસ હાથધરી છે.
વિદેશી નંબરથી કોલ કરી ધમકી દીધી
અનિલભાઇ કગથરાને લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા રૂ.25 લાખની ખંડણી અંગે ધમકી ભર્યા વોટસએપ મેસેજ, ઓડિયો ક્લિપ અને વીડિયો ક્લિપ મોકલયા તે તમામ નંબર વિદેશી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે મોબાઇલ નંબર અને બેન્ક એકાઉન્ટ નંબરના આધારે સાયબર ક્રાઇમની મદદ લઇ તપાસ હાથધરી છે.
પંજાબના સિંગરની હત્યામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગની સંડોવણી
પંજાબના જાણીતા સિંગર અને કોંગ્રેસના આગેવાન સિધુ મુસેવાલાની તાજેતરમાં જ સરા જાહેર ફાયરિંગ કરી લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા હત્યા કરવામાં આવી હતી. પોલીસે પંજાબ અને કચ્છના શાપ શુટર સહિતના શખ્સોની ધરપકડ કરી એક શખ્સનું એન્કાઉન્ટર કર્યુ હતું. લોરેન્સ બિશ્નોઈ ગેંગને કચ્છમાં ધરોબો હોવાનું બહાર આવ્યું છે. ત્યારે લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે અનિલભાઇ કગથરાને અન્ય કોઇ શખ્સો દ્વારા ધમકી દેવામાં આવી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથધરી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા અભિનેતા સલમાનખાનને પણ તાજેતરમાં જ ધમકી દીધા હતા.
રિવોલ્વર અને કાર્ટિસ દેખાતો વીડિયો મેસેજ મોકલ્યો
લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા અનિલભાઇ કગથરાને ડરાવવા માટે ધમકી ભર્યા વોટસએપ મેસેજ, ઓડિયો ક્લિપ અને વોટસએપ દ્વારા વાચચીત કર્યા બાદ ચહેરો ન દેખાય તેવો વીડિયો ક્લિપ મોકલી હતી તેમા રિવોલ્વર અને કારતુસ બતાવ્યા હતા. આ તમામ વિગતોના આધારે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કોઇ સ્થાનિક શખ્સની સંડોવણી હોવાની શંકા સાથે પોલીસે તપાસ હાથધરી છે.