બાર એસોસિએશન અને ભાજપ લીગલ સેલ દ્વારા આતંક મચાવનાર લુખ્ખાઓ સામે સખ્ત કાર્યવાહી કરવાની માગ
બચાવ પક્ષે કોઇ એડવોકેટ કેસ ન લડવા બાર એસોસિશન દ્વારા કરાયો ઠરાવ
શ્રીજીનગરમાં ગઇકાલે વકીલ પરિવાર પર થયેલા હત્યાના પ્રયાસ અને લૂંટની ઘટનાને રાજકોટ બાર એસોસિએશન અને લીગલ સેલ દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી ફરી આવા બનાવ ન બને તે માટે ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદને રજૂઆત કરી આંતક મચાવનાર સામે કડક કાર્યવાહી કરવા માગ કરી છે. બાર એસોસિએશન દ્વારા બચાવ પક્ષે વકીલ તરીકે કોઇ રોકાશે નહી તેવો ઠરાવ કર્યો છે.
રામેશ્ર્વર મહાદેવ મંદિર નજીક આવેલા શ્રીજીનગર શેરી નંબર 7માં રહેતા એડવોકેટ રિપન મહેશકુમાર ગોકાણી અને એડવોકેટ હેમાંગ જાનીના પુત્ર મનન પર ખૂની હુમલો કરી સોનાના ચેનની લૂંટ ચલાવ્યા અંગેની ગતરાતે જી.જે.3એલબી. 2288 નંબરની સ્કોર્પીયો કારમાં આવી જસ્મીન માઢક, પ્રશીદ માઢક અને છ થી સાત જેટલા અજાણ્યા શખ્સો સામે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. જાણીતા એડવોકેટ તુષાર ગોકાણીના નાના ભાઇ રિપન ગોકાણી અને એડવોકેટના પુત્ર મનન જાની પર થયેલા હુમલાના રાજકોટ બાર એસોસિએશન અને ભાજપ લીગલ સેલમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા.
સવારે મોટી સંખ્યામાં બાર એસોસિએશનના સભ્યો અને લીગલ સેલના હોદેદારો દ્વારા ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદને રૂજઆત કરી લૂંટ અને હત્યાનો પ્રયાસ કરી આંતક મચાવવાના ગુનામાં સંડોવાયેલ શખ્સોને તાત્કાલિક ધરપકડ કરી સખ્ત કાર્યવાહી કરવા માગ કરી છે.
રાજકોટની શાંતિ ડખોળવા પ્રયાસ કરતા લુખ્ખા અને આવારા તત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કર્યા બાદ બાર એસોસિએશનના પ્રમુખ અર્જુનભાઇ પટેલ સહિતના હોદેદારોએ આરોપી પક્ષે કોઇ એડવોકેટ રોકાશે નહી તેવો ઠરાવ કર્યો હતો. રાજકોટ બાર એસોસિએશન ઉપરાંત અન્ય બાર એસોસિએશનના હોદેદારો અને લીગલ સેલના અંશ ભારદ્વાજ સહિત હોદેદારો એડવોકેટ દ્વારા ઇન્ચાર્જ પોલસ કમિશનર ખુરશીદ અહેમદને રજૂઆત કરવા મોટી સંખ્યામાં ધારાશાસ્ત્રીઓ જોડાયા હતા.