કિરેન રિજિજુને અર્થ સાયન્સ મંત્રાલય સોંપાયું : રાજસ્થાનના જાણીતા ચહેરા અર્જુનરામ મેઘવાલને મહત્વની જવાબદારી સોંપવા પાછળ વિધાનસભા ચૂંટણી કારણભૂત હોવાની ચર્ચા
મોદી સરકાર દ્વારા કાયદા મંત્રી પદેથી કિરેન રિજિજુને હટાવી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ અર્જુનરામ મેઘવાલને કાયદા મંત્રી જાહેર કરાયા છે. અહેવાલ અનુસાર કિરેન રિજિજુને અર્થ સાયન્સ મંત્રાલય સોંપવામાં આવ્યાનો નિર્ણય કરાયો છે.
આજે ગુરુવારે મોદી કેબિનેટમાં મોટા ફેરબદલની જાહેરાત કરવામાં આવી છે. અત્યાર સુધી દેશના કાયદા મંત્રીની જવાબદારી સંભાળી રહેલા કિરેન રિજિજુના મંત્રાલયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમની પાસેથી આ મંત્રાલયને છીનવી લઈ તેમના સ્થાને અર્જુન રામ મેઘવાલને કાયદા અને ન્યાય મંત્રાલયના રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) બનાવવામાં આવ્યા છે. રિજિજુને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિએ આ નિર્ણય વડાપ્રધાનની સલાહ પર લીધો છે.
કિરેન રિજિજુ પહેલા, જુલાઈ 2021 માં, રવિશંકર પ્રસાદને પણ કાયદા મંત્રાલયમાંથી છીનવી લેવામાં આવ્યું હતું. રિજિજૂના કાયદા પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન, ન્યાયાધીશોની નિમણૂકને લઈને ન્યાયતંત્ર સાથે તેમની તકરારના સમાચારો વારંવાર હેડલાઇન્સ બન્યા હતા.
અર્જુન રામ મેઘવાલ રાજસ્થાનથી આવે છે. તેઓ ભાજપના મોટા દલિત ચહેરાઓમાંથી એક છે. તેઓ તેમની સાદગી માટે જાણીતા છે. તે ઘણીવાર સાયકલ ચલાવીને કામ પર જતા જોવા મળે છે. રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેમને કાયદા મંત્રાલય જેવી મહત્વની જવાબદારી સોંપવી એ પણ રાજસ્થાનને મદદ કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.