મનપાની સાથે લોકો પણ સ્વચ્છતાના આગ્રહી બની રહ્યાં છે ત્યારે કારના શોરૂમ સર્વિસ સ્ટેશનના કારણે વોર્ડ નં. ૧૩માં ભરાતું ગંદુ પાણી
રાજકોટ મનપા દ્વારા સ્વચ્છતા અભિયાન ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે. મનપા દ્વારા વન ડે વન વોર્ડ ઝુંબેશ હેઠળ દરરોજ એક એક વોર્ડમાં સ્વચ્છ ભારત અંગર્તત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે. અભિયાનમાં તંત્ર દ્વારા પ્રજાને જોડાવા માટે અવાર નવાર અપીલ કરવામાં આવે છે. હવે પ્રજાજનો પણ આ અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે જ્યાં એક તરફ પ્રજાજનો તંત્ર દ્વારા સ્વચ્છતા ત્યાં પ્રભુતા ઉક્તિને સાર્થક કરવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટની એક જાણીતી કાર શો રૂમ આ અભિયાનના લીરે લીરા ઉડાડ્યાં હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે.
રાજકોટના વોર્ડ નં. ૧૩, ગોંડલ બાયપાસ ચોકડીએ નામાંકીત કાર શો રૂમ આવેલા છે. ત્યારે વાવડી વિસ્તારમાં સર્વિસ સ્ટેટશન ધરાવતા રેનોલ્ટ કાર શો રૂમ દ્વારા વર્કશોપ ખાતે કાર વોશિંગ સહિતની કામગીરી કરવામાં આવે છે જે પાણી નિયમ અનુસાર ડ્રેનેજમાં છોડવામાં આવે છે જેનો ચાર્જ મનપાને ચુકવવાનો હોય છે પરંતુ શો રૂમ દ્વારા કારને વર્કશોપની બહાર જાહેર જગ્યામાં ધોવાની હોવાથી ગંદકી અને કિચડનો સામ્રાજ્ય સર્જાયો છે. તેવી ફરીયાદ રાજકોટ મનપાને કરવામાં આવી છે. ફરીયાદ અનુસાર કાર શો રૂમ દ્વારા કાર ધોવાની પ્રક્રિયા દરમિયાન ઓઈલયુક્ત પાણી શેરીમાં છોડવામાં આવે છે જેના કારણે ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. જેના કારણે ત્યાંથી નિકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે. મામલામાં સ્થાનિકો દ્વારા શો રૂમ ખાતે રજુઆત કરાતા શો રૂમ દ્વારા ચોરી ઉપર સિનાજોરી જેવું વર્તન કરી દાદાગીરી કરવામાં આવી હોવાનું સ્થાનિકોએ ફરીયાદ કરી છે.
મામલામાં અબતક એ સ્થાનિકોના પ્રશ્ર્નોને વાચા આપવાં સ્થળ તપાસ કરી નિરીક્ષણ કરતા પરિસ્થિતિનો તાગ મેળવી શોરૂમના હોદેદારો સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ શોરૂમના હોેદેદારોએ વાત કરવાનું ટાળ્યું હતું.
આ વિશે વોર્ડ નં. ૧૩ના કોર્પોરેટર નીતીન રામાણીએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આશરે ૪ થી ૫ દિવસ અગાઉ મને પરફેક્ટ કાર શો રૂમ તરફથી ફરીયાદ મળી હતી કે ડ્રેનેજનું પાણી ઉભરાઈ રહ્યું છે જે બાદ મેં અધિકારી કર્મચારીઓની ટીમને ત્વરીત ધોરણે સ્થળ પર મોકલ્યા હતા ટીમ દ્વારા જામ થયેલી લાઈનનું સમગ્ર દુષિત પાણી ખેંચીને જેટીંગ મારવામાં આવ્યું હતું તેમજ ડ્રેનેજની સાફ સફાઈ કરવામાં આવી હતી. હાલ ત્યાં કોઈ જાતની સમસ્યા નથી જે દુષિત પાણી ચોમેર ફેલાયેલું છે તે પડતર પાણી છે.
સ્થાનિકો દ્વારા કાર ધોવાની પ્રક્રિયા જાહેર જગ્યામાં કરાતી હોવાની ફરીયાદો અંગે તેમણે જણાવ્યું હતું કે, આ ૮૦ ફુટનો રોડ છે જ્યાં મેટલીંગ કાર્ય મંજુર કરાવી લેવામાં આવ્યું છે, પરંતુ હજી ટીપી ફાઈનલ થયું નથી તેમ છતાં મેટલીંગ પ્રક્રિયા ટુંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે જે બાદ આ સમસ્યાનો આપો આપ નિકાલ થઈ જશે. જો અમને જરૂર જણાશે તો કાર શો રૂમને આ અંગે નોટીસ પણ ફટકારવવામાં આવશે.
મામલામાં રાજકોટ મનપાનાં ડ્રેનેજ શાખાના નાયબ ઈજનેર એચ. એમ. કોટકે અબતક સાથેની ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં હાલ ડ્રેનેજની વ્યવસ્થા નથી. વિસ્તારમાં ગ્રામ પંચાયત સમયની તાજ ગટર છે. સામાન્યત: આ પ્રકારનાં વર્કશોપધારકોએ ફિલ્ટર પ્લાન્ટની વ્યવસ્થા કરવાની હોય છે. જેના બાદ જ વર્કશોપની શરૂઆત કરવાની હોય છે કેમ કે અહીંથી ઓઈલયુક્ત દુષિત પાણી છોડવામાં આવતું હોય છે પરંતુ વિસ્તારમાં ડ્રેનેજની વ્યવસ્થા નહીં હોવાથી શોરૂમનો ફિલ્ટર પ્લાન્ટની વ્યવસ્થા કરી નથી જેના કારણે આ પ્રકારની સમસ્યા ઉદ્ભવી રહી છે. તેમ છતાં પણ દર મહિને જેટીંગ મારવામાં આવે છે આ વિસ્તાર માટે ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે જેનું કામ આગામી માસથી શરૂ કરી દેેવામાં આવશે.
ઉપરાંત તેમણે જાહેર સ્થળે કાર ધોવાની ફરીયાદ વિશે જણાવ્યું હતું કે ફરીયાદના પગલે શો રુમને રજુઆત કરી છે તેમ છતાં પણ જો સમસ્યાનું નિવારણ નહીં થાય તો ડ્રેનેજ શાખા અને દબાણ હટાવ શાખા દ્વારા સંયુક્ત રીતે નોટીસ ફટકારી કાર્યવાહી કરવામાં આવશે.