ટેકનિકલ કારણોસર રો-રો ફેરી સર્વિસ પ્રોજેકટ સંપૂર્ણ પૂર્ણ થયો ન હોવા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેસેન્જર શીપમાં મુસાફરી કરે તેવી શકયતા
રાજયમાં આચારસંહિતા લાગુ થઈ જાય તે પહેલા સરકાર પ્રોજેકટોના ઉદ્ઘાટન-લોકાર્પણ અને શિલાન્યાસ સહિતની કામગીરી આટોપવામાં ઉતાવળ કરી રહી છે. જેના અનુસંધાને આગામી તા.૧૭ના રોજ ઘોઘા-દહેજ વચ્ચેની રો-રો સર્વિસનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવે તેવી શકયતા છે. અહીં ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેકટ હજુ સંપૂર્ણ પૂર્ણ થયો નથી.
ભાવનગર નજીકના ઘોઘા અને ભરૂચ નજીકના દહેજને જળમાર્ગે જોડવા માટે સરકારે વર્ષો પહેલા રો-રો ફેરી સર્વિસનો અતિ મહત્વકાંક્ષી પ્રોજેકટ શરૂ કર્યો હતો. આ સર્વિસના કારણે બન્ને સ્થળો વચ્ચેનું અંતર ખુબજ ઘટી જશે. ઘોઘાથી દહેજ પહોંચવામાં કે દહેજથી ઘોઘા પહોંચવામાં અંદાજે દોઢ કલાકનો સમય લાગશે.
વડાપ્રધાન મોદી ૧૭મીએ માત્ર ઉદ્ઘાટન નહીં પરંતુ ઘોઘાથી દહેજ વચ્ચે પેસેન્જર શીપમાં મુસાફરી પણ કરે તેવી શકયતા છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી ભાવનગર અને ભરૂચમાં ૧ લાખથી વધુ લોકોને સંબોધશે. આચારસંહિતા લાગુ થઈ જાય તે પહેલા સરકાર આ સર્વિસનું ઉદઘાટન કરાય તેવી ઈચ્છા રાખે છે. જો કે, આ ફેરી સર્વિસમાં કેટલીક ટેકનીકલ ખામીઓ હોવાનું કહેવાય છે છતાં પણ સરકાર ઉતાવળે આ સર્વિસનું લોન્ચીંગ કરવા તૈયાર છે. સરકાર આગામી તા.૧૩ ઓકટોબરથી ઘોઘા અને દહેજ વચ્ચે બે પેસેન્જર શીપ શરૂ કરી દેશે.