- વંચિતોના વિકાસથી વિકસિત ભારતનું સપનું સાકાર થશે એ મોદીની ગેરંટી છે: વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પીએમ-સૂરજ રાષ્ટ્રીય પોર્ટલનું દેશવ્યાપી લોન્ચિંગ થયું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દલિત અને વંચિત સમુદાયો માટે લાભકારી નીતિઓનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, વંચિત વર્ગના સન્માન અને વિકાસની ઝુંબેશ આગામી પાંચ વર્ષમાં વધુ ઝડપી બનશે અને વંચિતોના વિકાસથી અમે વિકસિત ભારતનું સપનું સાકાર કરીશું એ મોદીની ગેરંટી છે. છેવાડાના માણસોના ઉત્થાન માટેની યોજનાઓ અને નીતિઓ વંચિતોને ગૌરવ અને ન્યાય પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. તેમ તેમણે ઉમેર્યું હતું.
2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય વંચિત વર્ગના વિકાસ વિના પ્રાપ્ત થઈ શકે નહીં તેમ વડાપ્રધાનએ સ્પષ્ટપણે ઉમેર્યું હતું. વડાપ્રધાનએ ઉમેર્યું કે, ભૂતકાળની માનસિકતા તોડીને ગેસ કનેક્શન, બેંક ખાતા, શૌચાલય વગેરે જેવી સુવિધાઓ દલિતો, પછાત, વંચિતો અને આદિવાસીઓને ઉપલબ્ધ થાય એ સુનિશ્ર્ચિત કરવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાનએ વિચરતી અને અર્ધ-વિચરતી જાતિ-સમુદાયો માટેની યોજનાઓ અને સફાઈ કર્મચારીઓ માટે નેશનલ એક્શન ફોર મિકેનાઇઝ્ડ સેનિટેશન ઇકોસિસ્ટમ (ગઅખઅજઝઊ-નમસ્તે) યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ યોજના અંતર્ગત સફાઈ મિત્રોને પીપીઈ કિટ અને આયુષ્માન હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ 500થી વધુ જિલ્લાઓના 1 લાખ લાભાર્થીઓના ખાતમાં ડીબીટીથી રૂ.720 કરોડ ટ્રાન્સફર કરાયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે આયોજિત આ અંગેના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, નાનામાં નાના અને છેવાડાનો માણસ સમાજના મુખ્ય પ્રવાહમાં ભળી શકે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવાનું કામ વિકસિત ભારત યાત્રાએ કર્યું છે. મોદીની ગેરંટીનો રથ ગામે ગામે પહોંચ્યો છે, અને લાભાર્થીઓને લાભ પહોંચાડ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.
લોકોની આરોગ્ય સુખાકારી અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, ગંભીર બીમારીઓની સારવાર માટે ગરીબ પરિવાર વ્યાજના ચુંગાલમાં આવી જતો હતો ,પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આયુષ્યમાન કાર્ડ થકી વિના મૂલ્યે સારવાર ઉપલબ્ધ કરાવી છે. છેલ્લાં 10 વર્ષમાં દેશના 25 કરોડ પરિવારોને ગરીબી રેખામાંથી બહાર લાવવાનું કામ મોદીજીની સરકારે કર્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પી.એમ. – સ્વનિધિ યોજના થકી નાના ફેરિયાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા વગર ગેરંટીએ લોન આપવાનું કામ પણ મોદીજીની સરકારે કર્યું છે. મોદીએ આવા નાના વ્યવસાયકારોના ગેરન્ટર બની તેમના જીવનમાં પરિવર્તન લાવવાનું કામ કર્યું છે.