રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અક્ષયકુમારના વિચારને પગલે ‘ભારત કે વીર’ નામની વેબપોર્ટલ ગૃહમંત્રી રાજનાથસિંહના હસ્તે થઇ લોન્ચ
શહિદ જવાનોના કુટુંબીજનોને નાણાંકીય સહાય પાઠવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે ‘ભારત કે વીર’ નામની વેબપોર્ટલ લોન્ચ કરવામાં આવી છે. જણાવી દઇએ કે, આ વેબ પોર્ટલ લોન્ચ કરવાનો વિચાર ત્રણ મહિના પહેલા બોલીવુડ એકટર અક્ષયકુમારે આપ્યો હતો. આ વેબમાં લોકો શહિદ થયેલા જવાનોના કુટુંબો માટે રૂપિયા ડોનેટ કરી શકશે.
ઉલ્લેખનીય છે કે, અક્ષયકુમાર શહિદ જવાનોના કુટુંબીજનો હોય કે અન્ય કોઇ સામાન્ય માણસને મદદ માટે હંમેશા આગળ હોય છે. અક્ષયને તાજેતરમાં તેની ફિલ્મ ‘રુસ્તમ’ માટે રાષ્ટ્રીય એવોર્ડ પણ એનાયત થયો છે. દિલ્હી વિજ્ઞાન વિભાગમાં ગઇકાલે સીઆરપીએફ વેલોર ડે ની ઉજવણી કરતા ‘ભારત કે વીર’ નામની વેબપોર્ટલ ગૃહંત્રીએ અક્ષયકુમારની હાજરીમાં લોન્ચ કરી હતી. આ પ્રસંગે હાજર રહેલા સીઆરપીએફ, સીઆઇસીએફ, બીએસએફ, આઇટીબીપી, એસએસબી અને અન્ય ફોર્સના હજારો જવાનોને સંબોધન કરતા અક્ષયે કહ્યું કે, અહિયા તમારી સામે કોઇ એકટર ઉભો નથી. પણ એક આર્મી અધિકારીનો પુત્ર ઉભો છે. જણાવી દઇએ કે, અક્ષયે તાજેતરમાં સુકમા નકસલ હુમલામાં શહિદ થયેલા જવાનો અને સીઆરપીએફના શહિદ જવાનોના કુટુંબોને ૧.૦૯ કરોડ દાન કરી મદદ કરી હતી. રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અક્ષયકુમારે જણાવ્યું કે, આર્મી જવાનો બોર્ડર ઉપર સતતને સતત ક્રિયાશીલ રહી આપણને સુરક્ષા પ્રદાન કરે છે.
આર્મી જવાનોને ૧.૨૫ બીલીયન લોકો એટલે કે તમામ ભારતવાસીઓની મદદની જરૂર છે. આપણે તેમને પ્રોત્સાહિત કરી શકીએ છીએ તેમજ લડવાની હિંમત આપી શકીએ છીએ. અક્ષયકુમારના વેબપોર્ટલ લોન્ચ કરવાના વિચાર બદલ ગૃહમંત્રી રાજનાથસિંહ અને ગૃહસચિવ રાજીવ મહર્ષિએ અક્ષયનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજનાથસિંહ કહ્યું કે, અક્ષય ‘અક્ષયકુમાર’ નહીં પણ ‘એક્શનકુમાર’ છે. તે હંમેશા સામાજીક કાર્યોમાં આગળ હોય છે તે રીઅલ હીરો છે.