નારીને ‘નારાયણી’ બનાવવા પોલીસ ‘પરિવાર’ મેદાને
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના આહવાનને રાજકોટ પોલીસે સાર્થક કર્યું છે. રાજ્યમાં સૌ પ્રથમવાર રાજકોટ શહેર પોલીસ દ્વારા આત્મનિર્ભર નારી બ્યુટી પાર્લર અને તાલીમ કેન્દ્ર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શરૂ કરવામાં આવ્યું છે. શહેર પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલ તેમજ જોઈન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદને વિચાર આવ્યો કે પોલીસ પરિવારના તમામ બહેનો સમયનો સદઉપયોગ કરે, તમામ બહેનો જાતેજ મહેનત કરી કમાણી કરી શકે અને આત્મનિર્ભર બને તે હેતુથી તમામ બહેનોને તેમની આવડત મુજબ બિઝનેસ શરૂ કરાવીએ. હાલમાં બ્યુટી પાર્લરનો ક્રેઝ ખુબજ વધુ હોય તેમજ મહિલાઓને આ બિઝનેસમાં વધુ રૂચિ હોઈ માટે પોલીસ હેડ ક્વાટર ખાતે આત્મનિર્ભર નારી સ્ટુડિઓ તેમજ ટ્રેનીંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટના ટોપ ૫ બ્યુટીપાર્લરમાં આ બ્યુટી પાર્લરનો સમાવેશ થાય છે.
ખુબજ અદ્યતન સાધનો તેમજ તમામ ટોચની કંપનીઓની પ્રોડકટનો અહીં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પોલીસ હેડ ક્વાટર ખાતે સૌ પ્રથમ ૩૨ વર્ષના અનુભવી નામી ટ્રેઇનર હસીના બહેન દ્વારા પોલીસ પરિવારની બહેનોને બ્યુટી પાર્લરની ટ્રેનીંગ આપવામાં આવી હતી. ટ્રેનીંગ લેનાર ૨ મેનેજર સહિત ૧૨ મહિલાઓની ટીમ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આત્મનિર્ભર નારી બ્યુટી પાર્લર અને ટ્રેઈનિંગ સેન્ટરનું સંચાલન કરી રહી છે. પોલીસ પરિવારની ૫૦ થી વધુ બહેનો હાલમાં ટ્રેનીંગ મેળવી રહી છે. ભવિષ્યમાં પોલીસ પરીવારની તમામ બહેનો આત્મનિર્ભર બને તે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તેમજ જોઈન્ટ પોલીસ કમિશ્નર ખુર્શીદ અહેમદનું મુખ્ય લક્ષ્ય છે. આત્મનિર્ભર નારી સ્ટુડિયોમાં સામાજીક કાર્યકર મીનલબા ગોહિલે પણ સહકાર આપ્યો છે.
આત્મનિર્ભર નારી સ્ટુડિઓ બાદ યુવાનો માટે પણ સારો બિઝનેસ વિચારી અમલમાં મુકીશું: ખુર્શીદ અહેમદ (જોઈન્ટ પોલીસ કમિશનર)
જોઇન્ટ પોલીસ કમિશનર ખુર્શીદ અહેમદે જણાવ્યું હતું કે પોલીસ કમિશનર અગ્રવાલ સાહેબે પોલીસ પરિવારને આત્મનિર્ભર બનાવવામાં ખૂબ જ સહકાર આપ્યો છે. હંમેશાં પોલીસ પરિવાર પ્રત્યે સીપી સરની સંવેદના હોઈ છે. આત્મનિર્ભર નારી સ્ટુડિયોમાં હાલ અત્યારે ૧૨ મહિલાઓ પગભર બની છે. અમારો વિચાર છે આગામી દિવસોમાં પોલીસ પરિવારના યુવાનો પણ પોતાનો બિઝનેસ શરૂ કરી શકે તે પ્રકારનું અમે આયોજન કરી યુવાનોને આત્મનિર્ભર બનાવીએ. આત્મનિર્ભર નારી સ્ટુડિયોનો લાભ શહેરની તમામ મહિલાઓ લઈ શકે છે.
પોલીસ પરિવારની તમામ બહેનો આત્મનિર્ભર બને તે હેતુથી પાર્લર શરૂ કરાયું: મનોજ અગ્રવાલ (પોલીસ કમિશનર, રાજકોટ)
રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ શહેર પોલીસના ૧૮ સૌથી વધુ પરિવારના બહેનોને પોલીસ પરિવારના કલ્યાણકારી યોજનાના ભાગરૂપે અમે એક સર્વે કર્યા હતા જુદા જુદા ઉદ્યોગો પર પણ સર્વે કરવામાં આવ્યો હતો. પોલીસ પરિવારની તમામ બહેનો જાતે જ મહેનત કરીને પોતે કમાણી કરી શકે, સમયનો સદુપયોગ પણ કરી શકે તેવો વિચાર કરીને અમે પોલીસ હેડકવાર્ટરમાં જ પાર્લર શરૂ કરવાનું વિચાર્યું. એ પાર્લરમાં પોલીસ પરિવારની બહેનોને પ્રથમ ટ્રેનિંગ આપવામાં આવી અને ટ્રેનિંગ પૂર્ણ કરેલ બહેનો અત્યારે બ્યુટી પાર્લર ચલાવી રહી છે. હાલમાં પણ ૫૦ થી વધુ બહેનો ટ્રેનિંગ લઇ રહી છે. પોલીસ હેડ કવાર્ટર ખાતે શરૂ કારવામાં આવેલ પાર્લરનું નામ આત્મનિર્ભર નારી સ્ટુડિઓ અને ટ્રેઈનિંગ સેન્ટર રાખવામાં આવ્યો છે. આ પાર્લરનો લાભ શહેરની તમામ બહેનો લઈ શકશે.
અમે આજે આત્મનિર્ભર બન્યા: સબાના મકરાની
આત્મનિર્ભર નારી સ્ટુડિયોમાં કામ કરનાર સબાના મકરાનીના પતિ રાજકોટ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે પોતાની ફરજ બજાવે છે. સબાનાએ જણાવ્યું હતું કે પહેલા ઘરે સમય પસાર થતો ન હતો.પોલીસ હેડ ક્વાર્ટરમાજ આત્મનિર્ભર નારી સ્ટુડિયો તૈયાર થતા મારી પતિએ મને પગભર થવાની મંજૂરી આપી અને ખૂબ જ સારી રીતે હું મારી જાતે કામ કરીને કમાણી કરી રહી છું. શહેર પોલીસ કમિશ્નર તેમજ જોઈન્ટ પોલીસ કમિશ્નર સાહેબને કારણે આજે અમે આત્મનિર્ભર બની શક્યા.
મારૂ સ્વપ્ન હતું કે હું પણ મારા પતિને મદદરૂપ થઈ શકું, આજે સ્વપ્ન પૂર્ણ થયું: સોલંકી સાધનાબા
રાજકોટ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા સોલંકી અમિતસિંહ ના પત્ની સાધનબા આત્મનિર્ભર નારી સ્ટુડિઓમાં બાખૂબી રીતે પોતાનું કામ કરી રહ્યા છે. સાધનાબા એ જણાવ્યું હતું કે આત્મનિર્ભર નારી સ્ટુડિયોમાં મને પ્લેટફોર્મ આપવા બદલ શહેર પોલીસ ની હું આભારી રહીશ અમને જાતે મહેનત કરીને કમાવાની તક આપી છે. પહેલા મનમાં પ્રશ્ન હતો કે અમે કરી શકશો કે નહીં પરંતુ અમારી ખૂબ જ સારી ટ્રેનિંગ પૂર્ણ થઈ અને અમે જાતે આજે આત્મનિર્ભર બન્યા છીએ.
ટ્રાફિક બ્રિગેડમાંથી આત્મનિર્ભર નારી બ્યુટી પાર્લરની મેનેજર બની એ જ મોટી સફળતા: મકવાણા રશ્મી (મેનેજર)
આત્મનિર્ભર નારી સ્ટુડિયો બ્યુટીપાર્લરમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મકવાણા રશ્મી એ જણાવ્યું હતું કે હું ટ્રાફિક બ્રિગેડ તરીકે ફરજ બજાવતી હતી. હાલમાં મેનેજર તરીકે આત્મનિર્ભર નારી બ્યુટીપાર્લરમાં કામ કરું છું. અહીં ૧૦ બહેનો કામ કરી રહ્યા છે તે તમામ પોલીસ પરિવારના બહેનો છે. સૌપ્રથમ તમામને ટ્રેનિંગ આપી તૈયાર કરવામાં આવ્યા અને હાલમાં પણ વધુ ૫૦ બહેનો ટ્રેનિંગ લઇ રહી છે.
પોલીસ પરિવારની તમામ બહેનો આત્મનિર્ભર બનશે: ડાંગર રિશીતા
આત્મનિર્ભર નારી સ્ટુડિયોમાં જોબ કરી રહી છું તે જ મારી મોટી સિદ્ધિ છે કારણ કે એક સપનું હતું મારું તે હું આત્મનિર્ભર બનવું અને એ સ્વપ્ન રાજકોટ શહેર પોલીસના અધિકારીઓએ પૂર્ણ કર્યું. રાજકોટ પોલીસ કમિશનર સાહેબ અને જોઇન્ટ પોલીસ કમિશનર સાહેબને એક વિચાર આવ્યો કે પોલીસ પરિવારની બે બહેનો આત્મનિર્ભર બને તે માટે થઈને કંઈક તેમને સહાયતા કરીએ અને પોલીસ પરિવારની બહેનો કે જેઓને આત્મનિર્ભર બનવું છે, પોતાની જાતે મહેનત કરીને કમાણી કરવી છે તે તમામ બહેનો અહીં કામ કરી રહી છે અને ટ્રેનિંગ પણ મેળવી રહી છે.
“આત્મનિર્ભર નારી નામ સાંભળતાં જ અહીં આવવાનું મન થયું: સંગીતા ગઢવી (શહેરીજન)
આત્મનિર્ભર નારી સ્ટુડિયોમાં પોતાના હેર કટ કરવા આવેલ શહેરીજન સંગીતા બહેને જણાવ્યું હતું કે આત્મનિર્ભર નારી એ નામ સાંભળીને જ અહીં આવવાનું મન થઈ ગયું અહીં આવીને આ પાર્લર જોયું તો શહેરના ટોપ ૫ પાર્લરમાંથી એક પાર્લર કહી શકાય. હું અહીં હેર કટીંગ કરાવવા આવી હતી અહીં જાણીને આનંદ થયો કે બ્યુટીપાર્લરમાં નોકરી કરનાર તમામ બહેનો પોલીસ પરિવારની બહેનો છે બહાર જે હેર કટીંગ રૂપિયા ૧૦૦૦ થી ૧૫૦૦ માં કરાવતી હતી તે અહીં માત્ર ૨૫૦ રૂપિયામાં થઈ ગયું અને ખૂબ જ એક પરિવારની જેમ જ અહીં વાતાવરણ મળી રહે છે ટેક આનંદની વાત છે. ઘણા લોકોને આ બ્યુટી પાર્લર વિશે જાણ જ નથી તમારી તમામ બહેનોને વિનંતી છે એક વખત તો આ બ્યુટી પાર્લરની મુલાકાત અવશ્યય લો.
મારૂ સ્વપ્ન સીપી સરે પૂર્ણ કર્યું: અંજલી મકવાણા
એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કમલેશ મકવાણા પત્ની અંજલી મકવાણા આત્મનિર્ભર સ્ટુડિયોમાં જોબ કરી રહ્યા છે અંજલીબેન જણાવ્યું હતું કે આજે મને ગર્વ થાય છે કે હું પણ જાતે કમાણી કરીને મારા પતિને મદદરૂપ થઈ શકીશ. મારા માટે આ ખૂબ જ મોટું પ્લેટફોર્મ છે. એક સમય એવો પણ આવ્યો હતો કે મારી નાની પુત્રી ને કારણે મારે ડ્રોપ કરવું પડત, પરંતુ તમામ અધિકારીઓએ મને ખૂબ જ સારો સપોર્ટ કર્યો અને આજે સ્ટાફના સહકારથી હું મારું કામ ખૂબ જ સારી રીતે નિભાવી શકું છું.
સંપૂર્ણ મહિલા સંચાલિત બ્યુટી પાર્લર: ગોંડલીયા વર્ષા (મેનેજર)
આત્મનિર્ભર નારી બ્યુટીપાર્લરમાં મેનેજર તરીકે ફરજ બજાવતા વર્ષા ગોંડલીયા રાજકોટ શહેર પોલીસના કોન્સ્ટેબલ છે. વર્ષાએ જણાવ્યું હતું કે આત્મનિર્ભર નારી બ્યુટી પાર્લર તેમજ ટ્રેનિંગ સેન્ટર નો મુખ્ય હેતુ માત્ર એટલો જ છે કે પોલીસ પરિવારના બહેનો આત્મનિર્ભર બને પોતે પોતાની મહેનતથી જાતે કમાણી કરે આજે હું પણ આત્મનિર્ભર બની છું તેનો મને ગર્વ છે રાજકોટ શહેર પોલીસ કમિશનર તેમ જ જોઇન્ટ પોલીસ કમિશનર સાહેબ ના માર્ગદર્શન હેઠળ આજે અમે આત્મનિર્ભર બની શક્યા અહીં કામ કરનાર દરેક મહિલા પોલીસ પરિવારની છે. સારામાં સારી કંપનીઓ ની પ્રોડક્ટ અમે યુઝ કરી રહ્યા છીએ. રાજકોટના સારામાં સારા બ્યુટી પાર્લરમાં આત્મનિર્ભર નારી બ્યુટી પાર્લર નો સમાવેશ થાય છે. શહેરની તમામ બહેનો આત્મનિર્ભર બ્યુટી પાર્લરની એક વાર તો મુલાકાત જરૂર લેવી જોઈએ.