ખેડૂતોને ટ્રેકટર, ચાફ કટર, રોટાવેટર, થ્રેડર, પમ્પ સેટ્સ, હાર્વેસ્ટર, કલ્ટીવેટર, ડીગર સહીત 49 જેટલી ખેતી વિષયકસાધન સામગ્રીમાં મળવાપાત્ર છે સહાય
અબતક, રાજકોટ
ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujrat.gov.in (આઇ ખેડૂત) પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે.
રાજ્ય સરકાર દ્વારા સને 2022-23 માટે આઇ ખેડૂત પોર્ટલ તા. 21/02/2022 થી 21/03/2022 સુધીમાં ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લુ મુકવામાં આવનાર છે. આ સહાય મેળવવા માટે ખેડૂતોએ સૂચિત સમયમર્યાદામાં આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
વર્ષ 2022-23 થી ખેડૂતો દ્વારા કરવામાં આવનાર અરજીઓના ઓટો ઇનવર્ડની પદ્ધતિ દાખલ કરવામાં આવેલ છે. આથીઅરજદારે ઓનલાઇન કરેલ અરજીની પ્રિન્ટ પોતાની પાસે જ રાખવાની રહેશે તથા કોઈ કચેરી ખાતે જમા કરાવવાની જરૂરિયાત નથી પરંતુ, ઓનલાઈન કરેલ અરજીને ખેતીવાડી ખાતા દ્વારા જો પૂર્વ મંજૂરી આપવામાં આવે તો અરજદાર દ્વારા નિયત સમયમર્યાદામાં સાધનની ખરીદી કર્યા બાદ ખેડૂતે સહી કરેલ અરજીની પ્રિન્ટ આઉટ સાથે જરૂરી સાધનિક પુરાવા સાથેનો કલેઈમ સંબંધિત કચેરીએ રજૂ કરવાનો રહેશે તેમ ખેતીવાડી અધિકારી આર.આર. ટીલવાએ જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂતોને ખેતી કામમાં મદદરૂપ સાધન સામગ્રી જેવી કે કંમ્બાઈન્ડ હાર્વેસ્ટર, કલ્ટીવેટર, ડીગર, ચાફ કટર, ટ્રેકટર, પ્લાન્ટર, પાવર ટીલર, બ્રાસ કટર, રોટાવેટર, લેન્ડ લેવલર, શ્રેડર, હીરો, સ્પ્રેયર, સોલાર લાઈટ ટ્રેપ, સ્માર્ટ ફોનની ખરીદી, વોટર કેરિંગ પાઈપલાઈન સહીત ખેડૂતોને પાક મૂલ્ય વૃદ્ધિ કરવા માટે પ્રોત્સાહક યોજનાઓ સહીત 49 જેટલી બાબતોમાં સહાય આપવામાં આવે છે.