ઉત્તમ કામ શ્રેષ્ઠ ગામ યોજના અન્વયે 33 ગ્રામ પંચાયતોને રૂ. 1 લાખની ગ્રાન્ટનો ચેક અર્પણ કરાયા
રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકની ગ્રાન્ટમાંથી 15માં નાણાંપંચ હેઠળ રૂ. 169 લાખના ખર્ચે રાજકોટની શાપર પ્રાથમિક શાળા ખાતેથી મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતુ. જેમાં 15માં નાણાંપંચ હેઠળ થયેલા કામોની વિગતો દર્શાવતી ફિલ્મનું નિદર્શન થયું હતું. અને મંત્રી રાઘવજીભાઈ પટેલ અને મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ઈ-તકતી દ્વારા વિવિધ કામોના ઈ – લોકાર્પણ કરવામાં આવ્યા હતા. ઉતમ કામ શ્રેષ્ઠ ગામ યોજના અન્વયે આ પ્રસંગે જિલ્લા પંચાયતના સ્વભંડોળ અંતર્ગત ઉતમ કામ શ્રેષ્ઠ ગામ યોજના અન્વયે ગ્રામ પંચાયતોની શ્રેષ્ઠ કામગીરી બદલ મંત્રી ઓના હસ્તે 33 ગ્રામપંચાયતોને રૂ. 1 લાખની ગ્રાન્ટનો ચેક અપાયો હતો.
આ તકે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે હું પણ શાપર ગામની શાળાનો વિદ્યાર્થી હતો અને આજે આ શાળામાં અદ્યતન લેબ અને ગામડામાં સુવિધાના લોકાર્પણનો ભાગ બનીને ગર્વની લાગણી અનુભવુ છુ. આ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. શાપર ગામના સરપંચ શ્રી જયેશભાઈ કાકડીયાએ મંત્રી રાઘવજીભાઇ પટેલ અને મંત્રી ભાનુબેન બાબરીયાને પુષ્પહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું.
આ લોકાર્પણમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, શિક્ષણ સમિતિના અધ્યક્ષ ગીતાબેન ટીલારા, જાહેર આરોગ્ય સમિતિના અધ્યક્ષશ્રી જ્યોત્સનાબેન પાનસુરીયા, સામાજિક સમિતિના અધ્યક્ષ મોહનભાઈ દાફડા, અગ્રણી સવિતાબેન વાસાણી, સહદેવસિંહ જાડેજા, વિરલભાઈ ધનારા,મનીષભાઈ ચાંગેલા, મનસુખભાઈ રામાણી, નિવાસી અધિક કલેકટર કે.બી.ઠક્કર સહીત અધિકારીઓ, બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નાયબ જિલ્લા વિકાસ અધિકારી બ્રિજેશ કાલરીયાએ આભાર વિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.
ગામડાનાં બાળકો પણ શહેરી શાળાના વિદ્યાર્થીઓની હરોળમાં રહી શકે તેવા સરકારના પ્રયાસો: મંત્રી ભાનુબેન બાબરીયા
આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, તેઓ પણ સરકારી સ્કૂલમાં ભણેલા છે. અમે માઈક્રોસ્કોપ સિવાય સ્કૂલમાં બીજા કોઈ સાધનો જોયા નહોતા. આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં ગામડાના બાળકો પણ શહેરી શાળાના વિદ્યાર્થીઓની હરોળમાં રહી શકે તે માટે જિલ્લાની 11 શાળાઓમાં રૂ. 44 લાખના ખર્ચે ’સ્ટેમ લેબ’ની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ સુવિધાઓથી વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે રૂચી વધે તે માટેનો સરકાર નો પ્રયાસ છે.
રાજકોટ જિલ્લામાં પ્રોજેક્ટ સોનેરી બાળપણ હેઠળ નાના બાળકોને આંગણવાડી તરફ રૂચી જગાવે તે માટે આંગણવાડીઓના નવીનીકરણની કામગીરી કરવામાં આવી છે. જેમાં ચિત્ર તથા બેઝિક એ.બી.સી.ડી.તથા ક.ખ.ગ.ની સમજ આપે તેવી થીમ આધારિત પેઇન્ટિગ કરવામાં આવેલ છે. જિલ્લાની 50 આંગણવાડીમાં રૂ.15 લાખના ખર્ચે કલર કામ અને નવીનીકરણ કરવામાં આવેલ છે.
ગામડાઓમાં પાયાની સુવિધા વિકાસ પામી છે: મંત્રી રાઘવજીભાઈ પટેલ
કૃષિ, પશુપાલન અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલે “આત્મા ગામડાનો અને સુવિધા શહેરની” ઉદ્દેશ્ય સાથે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વથી ગામડાઓમાં પાયાની સુવિધાઓ વિકાસ પામી છે. ગામડાઓમાં વીજળી, પાણી, પાકા રસ્તા, અદ્યતન શાળાઓમાં વિકાસ સાધીને ગામડાઓના સર્વાંગી વિકાસ માટે તાલુકા પંચાયત અને ગ્રામપંચાયતમાં વિવિધ યોજનાઓ અમલી કરાઇ છે. જેમાં જ્યોતિગ્રામ યોજના, સરદાર સરોવર યોજના, નલ સે જલ યોજના, નાના ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન, સખી મંડળની રચના કરીને ગામડાઓને વિકસીત કરવામાં આવ્યા છે. મિશન જળ શક્તિ અંતર્ગત ગામડાઓમાં પાણીની અછત ના રહે તે માટે રાજકોટ જિલ્લાના 41 ગામોમાં રૂ. 70 લાખના ખર્ચે આર.ઓ. ફિલ્ટર પ્લાન્ટનું કામ તેમજ ગામડાઓમાં કાયદો અને વ્યસ્વ્થા જળવાઈ રહે તે માટે રૂ.40 લાખના ખર્ચે 12 ગામોમાં સી.સી.ટી.વી.સ્થાપિત કરવામાં આવ્યા છે.
ગામડાઓને આધુનિક તેમજ શિક્ષણને ગુણવતાસભર બનાવવા જિલ્લા પંચાયત તંત્ર કટિબદ્ધ : દેવ ચૌધરી
આ તકે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ અબતક સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતને મળેલી 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂ. 44 લાખના ખર્ચે તાલુકા વાઈઝ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક શિક્ષણ પૂરું પાડવા સ્ટેમ લેબની શરૂઆત કરવામાં આવી છે. ઉપરાંત કુલ રૂ. 169 લાખ રૂપિયાના વિકાસ કાર્યોમાં રૂ. 70 લાખના ખર્ચે 41 ગામોમાં આરઓ ફિલ્ટર પ્લાન્ટ, 12 ગામોમાં રૂ. 40 લાખના ખર્ચે સીસીટીવી કેમેરા તેમજ રૂ. 15 લાખના ખર્ચે 50 આંગણવાડીમાં કલરકામ પણ કરવામાં આવનાર છે.