રાજકોટ શહેરના રૈયા વિસ્તારને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. જેમાં 136 કરોડના ખર્ચે અટલ સરોવરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે 545 કરોડનું રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ છે. આગામી ડિસેમ્બર માસના અંત સુધીમાં સ્માર્ટ સિટી અને અટલ સરોવરનું કામ પૂર્ણ થઇ જશે. તેવું કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ જણાવી રહ્યાં છે. પરંતુ એકાદ મહિનો કામ પાછું ઠેલાઇ તેવી સંભાવના દેખાઇ રહી છે. 26મી જાન્યુઆરી આસપાસ આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરી દેવામાં આવશે. તેવું ઇજનેરી સૂત્રો જણાવી રહ્યા છે.

પદાધિકારીઓ અને અધિકારીઓની કોન્ટ્રાક્ટરને ડિસેમ્બરમાં કામ પૂર્ણ કરવા તાકીદ છતાં એકાદ મહિનો કામ પાછું ઠેલાઇ તેવી સંભાવના

સ્માર્ટ સિટી અંતર્ગત રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ, અટલ સરોવર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને પાન સિટી એમ.એસ.આઇ. પ્રોજેક્ટ એમ કુલ ત્રણ તબક્કે કામ ચાલી રહ્યું છે. ત્રણેય પ્રોજેક્ટમાં 90 ટકાથી વધુ કામ પૂર્ણ થઇ ગયું છે. મુદ્તમાં વધારો કરવામાં આવ્યો હોવા છતાં અંતિમ અવધિ એટલે કે ડિસેમ્બર અંત સુધીમાં કામ પૂર્ણ થાય તેવું હાલ દેખાતું નથી. સ્માર્ટ સિટીના કોન્ટ્રાક્ટર એલ એન્ડ ટી અને અટલ સરોવરના કોન્ટ્રાક્ટર ક્યુબ ક્ધસ્ટ્રક્શનને તાજેતરમાં વધુ એક નોટિસ અને પેનલ્ટી ફટકારવામાં આવતા કોર્પોરેશન કચેરીએ એજન્સીના પ્રતિનિધિઓ દોડી આવ્યા હતા.

ટૂંક સમયમાં રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમીટેડની બોર્ડ મિટિંગ પણ મળશે. જેમાં એજન્સી સામે પગલા લેવા પણ ચર્ચા કરવામાં આવશે. 90 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. હવે માત્ર ફીનીશીંગ વર્ક બાકી હોવા છતાં આટલો સમય કેમ લાગે છે. તે અંગે એજન્સીને ખૂલાસો પૂછવામાં આવશે. સાથોસાથ મેન પાવર વધારવા માટે પણ તાકીદ કરવામાં આવશે. એજન્સી દ્વારા કામ પુરૂં કરવા તારીખ પે તારીખ આપવામાં આવી રહી છે. 20 લાખથી વધુ રાજકોટવાસીઓ જે પ્રોજેક્ટના લોકાર્પણની રાહ જોઇ રહ્યા છે તેનું કામ હજુ એક મહિનો પાછો ફેલાઇ તેવું લાગી રહ્યું છે. 26મી જાન્યુઆરી અર્થાત પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત સ્માર્ટ સિટી અને અટલ સરોવર શહેરીજનો માટે ખૂલ્લું મુકી દેવામાં આવે તેવી સંભાવના હાલ દેખાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.