રાજ્યભરના બસ સ્ટેશનો પર આજે ‘શુભ યાત્રા સ્વચ્છ યાત્રા’ કેમ્પેઇનનો આરંભ થયો છે. ગુજરાત અને પડોશી રાજ્યોના મુસાફરો માટે આ અભિયાન હેઠળ રાજ્યના નિગમના તમામ બસ સ્ટેશનોએ સ્વચ્છતાની વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં વિવિધ એનજીઓ, શાળા-કોલેજોના સહયોગથી શેરી નાટકો, સ્વચ્છતા દોડ, રકતદાન શિબિર, વોલ પેઇન્ટિંગ અને બસ સ્ટેશનો ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. ૫૦ સ્થળો ખાતે આરઓ ટ્રીટેડ શુદ્ધ પાણીની સુવિધા આગામી ૫૦ દિવસમાં ઉપલબ્ધ કરાવાશે.
રાજકોટના બસ પોર્ટ ખાતે મેયર નયનાબેન પેઢાડિયા સહિતના મહાનુભાવોએ હાજરી આપી સ્વરછતા અંગેની કામગીરી હાથ ધરી
મુસાફરી દરમિયાન જ્યારે બસો બસ સ્ટેશન ખાતે આવશે ત્યારે ૫-૧૦ મિનિટના વિરામના સમયે સ્વચ્છતા કર્મીઓ દ્વારા બસોની સફાઇ કરવામાં આવી હતી.એસ.ટી. નિગમના એમડી એમ.એ. ગાંધીએ કહ્યું હતું કે, એસટી નિગમની બસો અને બસ સ્ટેશનો પ્લાસ્ટિક મુક્ત બને તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરાશે. સોશિયલ મીડિયા પર હેશટેગ(#) શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન ચલાવાશે. મુસાફરો બસ અને બસ સ્ટેશનોની સ્વચ્છતાનો અભિપ્રાય પણ આપી શકશે. જે માટે ખાસ પેસેન્જર ફિડબેક સિસ્ટમ QR કોડ હશે. નિગમના અધિકારીઓ દ્વારા સ્વચ્છતાની કામગીરીનું સમયસર ઇન્સ્પેક્શન અને ઇવેલ્યુશન કરાશે.
એસ.ટી. નિગમની ૧૬૮૧ બસોમાં ડસ્ટબીન મૂકવામાં આવી છે. બાકી રહેતી અન્ય બસોમાં પણ આગામી ૧૦ દિવસમાં ડસ્ટબીન મૂકાશે. ડેન્ટિંગની જરૂરિયાતવાળા ૫૪૧ વાહનોને ૬૦ દિવસમાં દુરસ્ત કરવામાં આવશે. કલર કામની જરૂરિયાતવાળા ૫૧૬ વાહનોની આગામી ૧૦૦ દિવસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. સીટની રિપેરિંગની જરૂરીયાતવાળા ૪૮૨ વાહનોના રિપેરિંગની કામગીરી આગામી ૧૫ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.