બેડી મરીન પોલીસના જવાનોએ રોજી બંદર નજીક દરિયામાંથી ચાર આતંકીઓ સાથે એક બોટને ઝડપી લીધી: અંતે મોકડ્રીલ જાહેર
જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત હાલારના બંને જિલ્લાઓમાં બે દિવસ માટેની સાગર સુરક્ષા કવચ નો પ્રારંભ થયો છે, અને એસ.ઓ.જી. મરીન પોલીસ સ્ટેશન ના પોલીસ જવાનો સાહિત જુદી જુદી ટુકડીઓ અભિયાનમાં જોડાઈ છે.
દરમિયાન જામનગરના રોજી બંદર નજીકના દરિયામાંથી બેડી મરીન પોલીસના જવાનોએ એક બોટને ઝડપી લીધી છે, અને તેમાંથી ચાર આતંકીઓને ઝડપી પાડ્યા છે. સાગર સુરક્ષા કવચની કવાયત હેઠળની આ કામગીરી અંગેની મોક ડ્રીલ જાહેર થઈ હતી.
હાલારના દેવભૂમિ દ્વારકા અને જામનગર બંને જિલ્લાઓ ને સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણવામાં આવ્યા છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા અવારનવાર સુરક્ષા ના ભાગરૂપે સાગર સુરક્ષા કવચ અભિયાન હાથ કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજે હાલારના બંને જિલ્લાઓમાં બે દિવસ માટેની સાગર સુરક્ષા કવચનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
બંને જિલ્લાઓની એસ.ઓ.જી. ની ટીમ તથા મરીન પોલીસ સ્ટેશન ના પોલીસ સ્ટાફ ઉપરાંત કોસ્ટકાર્ડ સહિતની અન્ય એજન્સીઓ જોડાઈ હતી, અને દરિયામાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
જુદી જુદી સુરક્ષા એજન્સીઓની સતર્કતા ચકાસવાના ભાગરૂપે તંત્ર દ્વારા અલગ અલગ પ્રકારે મોક ડ્રીલ યોજવામાં આવે છે. જેના ભાગરૂપે જામનગર નજીકના દરિયામાં આતંકીઓ સાથેની એક બોટ આવી રહી છે, તે પ્રકારના સંદેશા ના આધારે બેડી મરીન પોલીસ સ્ટેશનના જવાનો દ્વારા દરિયામાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને એક બોટને ઝડપી લીધી હતી, અને તેમાં રહેલા ચાર આતંકવાદીઓને અટકાયતમાં લેવાયા હતા.
તેઓને બેડીના દરિયા કિનારે લઈ આવવામાં આવ્યા પછી ઉપરોક્ત બોટમાં ડમી આતંકવાદીઓને તેમજ ડમી બોમ્બને પ્લાન્ટ કરવામાં આવ્યા હોવાની મોકડ્રીલ જાહેર થઈ હતી. સમય મર્યાદામાં આ કવાયત પૂર્ણ કરવામાં પોલીસ સ્ટાફને સફળતા મળી હતી. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાગર કિનારાઓ ઉપરાંત આસપાસના વિસ્તારમાં આવેલા તમામ ટાપુઓ ઉપર સધન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે કવાયત આવતીકાલે પણ ચાલુ રહેશે.