Table of Contents

પહેલું સુખ તે જાતે નર્યા’નો ધ્યેય સાકાર કરી રોગ થાય જ નહીં અને થાય તો ઉગતો જ ડામી દેવાય તેવી સુદ્રઢ આરોગ્ય તપાસ નિદાન સારવાર વ્યવસ્થા રાજ્ય સરકારે વિકસાવી છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના લોકોની આરોગ્ય સુખાકારી માટે બિનચેપી રોગો અને બિમારીઓના સ્ક્રીનીંગથી સારવાર સુધીના મહાઅભિયાન નિરામય ગુજરાતનો રાજ્યવ્યાપી પ્રારંભ ઉત્તર ગુજરાતના પાલનપુરથી કરાવ્યો હતો.

મુખ્યમંત્રીએ આ મહાભિયાનના પ્રારંભ અવસરે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, બદલાતી જતી જીવનશૈલી, લાઇફ સ્ટાઇલ, ખાન-પાન આદતો, સ્ટ્રેસ અને હાઇપર ટેન્શનથી હૃદયરોગ, ડાયાબિટીઝ, કીડનીની બિમારી જેવા રોગોનો ભોગ લોકો બનતા હોય છે. પરંતુ તેનો ખ્યાલ લાંબા સમય સુધી આવતો નથી તેથી ઘણીવાર આવા રોગ ગંભીર અને જાનલેવા બની જાય છે.

પહેલું સુખ તે જાતે નર્યાના ધ્યેય સાથે રાજ્ય સરકારે આવા રોગ થાય જ નહીં, થાય તો ઉગતા જ ડામી દેવાય એટલુ જ નહીં પ્રાથમિક તબક્કે સ્ક્રીનીંગ થઇ જાય અને તપાસ નિદાનથી લઇને રોગ સંપૂર્ણ મટી જાય ત્યાં સુધીની સઘન સારવાર વિનામૂલ્યે આપવા આ નિરામય ગુજરાત અભિયાન આદર્યું છે, તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, આ અભિયાનમાં આરોગ્ય તપાસ દરમિયાન જો કોઇને હૃદયરોગ કેન્સર જેવા ગંભીર રોગ જણાશે તો માત્ર નિદાન કરીને સરકાર છોડી દેવાની નથી. આવા રોગ સહિતના અન્ય બિનચેપી રોગમાં ફોલોઅપ, ટ્રીટમેન્ટ અને પૂર્ણત: સાજા થવા સુધીની દવા-સારવાર દ્વારા વ્યક્તિને સ્વસ્થતા પ્રાપ્ત કરાવવા સરકાર સતત પડખે રહેવાની છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા દર શુક્રવારે નિરામય દિવસ રાજ્યના સીએચસી અને પીએચસી અને આરોગ્ય કેન્દ્રોમાં ઉજવીને બિનચેપી રોગોની ફોલોઅપ ટ્રીટમેન્ટ તબીબો અને આરોગ્ય કર્મીઓ આપશે.

ભૂપેન્દ્ર પટેલે જાણાવ્યું કે, આ અભિયાન તહેત આરોગ્ય સેવા કર્મીઓ લોકોના ઘરે ઘરે જઇને ત્રીસ વર્ષ કે  તેથી વધુની વયના લોકોનો સર્વે કરી બિમારીની વિગતો એકત્ર કરશે અને નિ:શુલ્ક સારવાર સુધીની સુવિધાઓથી “સર્વે ભવંતુ સુખીન: નો” ધ્યેય પાર પાડશે.

મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના નાગરીકોના આરોગ્યની ચિંતા કરીને કોરોના મહામારી દરમિયાન વિનામૂલ્યે કોરોના વેક્સિન આપવાની આગવી સિદ્ધિ મેળવી છે. એટલુ જ નહીં, સ્વચ્છતા અભિયાન, ઘર ઘર ટોઇલેટ, દરેકને ઘર, નલ સે જલ, ઉજ્જવલા યોજના જેવી સુવિધાઓ આપીને હવે સ્વાસ્થ્યપ્રદ જીવન માટે આયુષ્માન ભારત-કાર્ડ જેવી આરોગ્યલક્ષી યોજનાઓનો સફળ અમલ કર્યો છે.

ભૂપેન્દ્ર પટેલે આવી યોજનાઓના લાભ લેવા માટેના જરૂરી કાર્ડ જરૂરિયાતમંદ પરીવારો અવશ્ય મેળવી લે તેવી અપિલ પણ કરી હતી.

બેઝીક એટલે કે મૂળભૂત જરૂરીયાતોમાં કોઇ ઉણપ ન રહે અને જિલ્લાઓમાં સંર્વાંગી વિકાસ થાય તેવી આ સરકારની પ્રતિબદ્ધતા છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય અને શિક્ષણ સહિતની કલ્યાણ યોજનાઓનો વ્યાપક લાભ જન-જન સુધી પહોચાડી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પાર પાડવા જન સહયોગથી આગળ વધવાનું આહવાન કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે જન આરોગ્યની સુરક્ષા-પ્રિવેન્ટિવ કેરના હેતુથી આ નવી યોજના શરૂ કરવામાં આવી  છે. રાજ્યમાં ચેપી રોગ કરતાં બીન ચેપી રોગ, જેવા કે, બીપી-લોહીનું ઉંચુ દબાણ, હાર્ટ એટેક, લકવો, કેન્સર, કિડની, પાંડુરોગ, ડાયાબિટિસ જેવા રોગોથી મૃત્યુનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ પ્રકારના રોગોથી કાળજી લેવા 30 થી વધુ વયના નાગરિકોનું દર શુક્રવારે એટલે મમતા દિવસે રાજ્યના પીએચસી, સીએચસી અને હોસ્પિટલો ખાતે આરોગ્ય સ્ક્રીનિંગ-તપાસ કરવામાં આવશે. જેમાં તેમની આરોગ્યલક્ષી વિગતો સાથેનું એક નિરામય કાર્ડ આપવામાં આવશે. આ પ્રકારના લોકોના આરોગ્ય સુખાકારી માટે બીન ચેપી રોગો માટે સ્ક્રીનિંગથી સારવાર સુધીની સુવિધાથી સામાન્ય પરિવારનો અંદાજે રૂા.12 થી 15 હજારનો ખર્ચ બચશે.

આ પ્રસંગે મુખ્મંત્રી અને અન્ય મહાનુભાવો દ્વારા લાભાર્થીઓને નિરામય કાર્ડ પ્રતિક રૂપે અપાયા હતા સાથે સાથે ‘નિરામય ગુજરાત’ સંદર્ભે પુસ્તકનું વિમોચન પણ કરાયું હતું સાથે સાથે ઉપસ્થિત સૌને ‘ સ્વસ્થ જીવન જીવવા માટેની પ્રવૃત્તિ કરવાનો’ સામૂહિક સંકલ્પ લેવડાવ્યા હતા.

આ યોજનાના રાજ્યવ્યાપી પ્રારંભના સમયે રાજ્યના 33 જિલ્લા અને 8 મહાનગર પાલિકાઓમાં એક સાથે વિવિધ મંત્રીઓ, એમએલએ, એમપી સહિત મહાનુભાવો ઇ- માધ્યમથી જોડાયા હતા.

લોકો હવે આરોગ્ય પ્રત્યે જાગૃત થઈ  રહ્યા છે: ડો. અંકુર પાંચાણી

અબતક સાથેની વાતચીત દરમિયાન વૈદેહી બેકબોન હોસ્પિટલના ન્યુરોસર્જન ડો. અંકુર પાંચાણીએ જણાવ્યું હતુ કે આજે નિરામય દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં બિનચેપીરોગો માટે સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોમાંવધુને વધુ જાગૃતિ આવે તેવા ઉદેશ્ય સાથે યોજાયો છે. બિનચેપી રોગોમાં ન્યુરોસર્જરી સબજેકટમાં જોવા જઈએ તો ડિપ્રેશન એક એવી કંડીશન છે જે માણસ સ્વીકારી નથી શકતો કે ડિપ્રેશનમાં છું આ માટે અવેરનેશ લાવવી જરૂરી છે. નોન કોમ્યુનીકેબલ ડીસીસનો તમામ એ લાભ લેવો જોઈએ.

લોકો એવું વિચારે કે ડિપ્રેશન એટલે કે કોઈ વ્યકિત ગાંઠું થઈ ગયું પરંતુ તેવું હોતુ નથી. અત્યારની લાઈફમાં ડિપ્રેશન વર્લ્ડ લેવલે 70% લોકો અફર કરે છે. તે એક લક્ષણ છે. ડિટેશન બિમારી નથી. પ્રવૃત્તિમાં બદલાવ આવે, જીવવાની રૂચી ખોટી થવી વિચારધારા સળંગ ખાવવા, સુવામાં તકલીફ વગેરે લક્ષણો જેને એક પ્રકારનું ડિપ્રેશન કહેય આજે સ્ટ્રેસ ફુલ અને કોમ્પીટીટીવ લાઈફમાં કાર્ડિયોલોજી કિડનીના પ્રોબ્લેમ 60 થી 70 વર્ષે થતા તે આજે 26 થી 28 વર્ષે થતી હોય નાની ઉંમરમાં મોટી બિમારીથી પીડાવાનું શરૂ થયું છે. તે એક કારણ મારા તરફથી એનાલીસીસ કરૂં તો સ્ટ્રેસ ફેકટર અને કોમ્પીટીટીવ લઈફ જવાબદાર છે. તેના લીધે ડિપ્રેશન આવી શકે.

સ્ક્રિનીંગ બિફોર ડિસિઝ સમયસર સારવારથી રોગને આગળ વધતો અટકાવી શકાય: ડો. ડેનિસ સાવલીયા

અબતક સાથેની વાતચીત દરમિયાન વૈદેહી હોસ્પિટલના કીડની રોગ સ્પેશ્યાલીસ્ટ ડેનિસ સાવલિયા જણાવ્યું હતુ કે નિરામય ગુજરાતનો મુખ્ય ઉદેશ્ય એ છેકે સ્ક્રીનીંગ બીફોર ડીસીઝ કોઈપણ રોગનું સ્ક્રીનીંગ જો સમયસર થઈ જાય તો રોગને આગળ વધતો અટકાવી શકાય છે. કીડની રોગમાં સ્ક્રીનીંગ મુખ્ય છે. ડાયાબીટીસ બ્લડ પ્રેશરનાં દર્દીને કીડનીને સ્ક્રીનીંગ દર વર્ષે કરાવું જોઈએ સીમ્પલ ટેસ્ટ, બ્લડ ટેસ્ટ યુરિનમાં પ્રોટીનમાં ટેસ્ટ સોનોગ્રાફી દર વર્ષે એક વખત સ્ક્રીનીંગ કરવુંહ જોઈએ તેથી કિડનીના પ્રોબ્લેમ હોય તો તેનો ખ્યાલ આવે અને તેને આગળ વધતુ અટકાવી શકાય છે.

કિડની ફેઈલ હોય તો લોંગ ટર્મ દર્દીને ડાયાલીસીસ પર જઈ શકે તેને પ્રિવેન્ટ કરવા માટે શરૂઆતથી ડાયાબીટીસના દર્દી જેઓ હાઈરીસ્ક્પેશન્ટસ છે. બ્લડ પ્રેશર છે તેને સુગર કંટ્રોલ, બ્લડ પ્રેશર કંટ્રોલ કરવું જરૂરી છે. હાલ લોકો દુખાવાની દવા વધુ લે તેના કારણે પણ કિડનીના રોગો વધુ જોવા મળે છે.દુખાવાની દવા ડોકટરને પુછી લેવી જોઈ વહેલુ નિદાન કરેલ હોય તો રોગ ને મટાડી શકાય છે. વધુ થાય અને ડોકટર પાસે જઈ તો તેને રીકવર થઈ શકતું નથી. કિડનીના પ્રોબ્લેમમાં 70 થી 80% જેટલુ નબળું હોય તેના લક્ષ્મણો નથી હોતા છેલ્લે 30 થી 40% કીડનીનું ફંકશન બાકી હોય ત્યારે લક્ષણો જોવા મળે ત્યારે મોડું થઈ ગયું હોય તેને રીકવર કરી શકાતું નથી.

નાની ઉંમરમાં હૃદયરોગનું મહત્વનું કારણ હાલની જીવનશૈલી: ડો.નિખિલા પાંચાણી

અબતક સાથેની વાતચિત દરમિયાન કાર્ડિયોલોજીસ્ટ ડો. નિખિલા પાંચાણીએ જણાવ્યું હતુ કે છ વર્ષની પ્રેકટીસ કરી રહી છું આજે બીન ચેપી રોગ માટે ખાસ મેડીકલ કેમ્પનું આયોજન કરેલ છે.જેમાં ગાયનેક, કાર્ડિર્યાક, પરમેનોલોજીસ્ટ વગેરે નિષ્ણાંત ડોકટરો સેવા આપી રહ્યા છે. અહિયા નિદાન, લેબોરેટરી ટેસ્ટ, અને સારવાર આપવામાં આવી છે. નાની ઉંમર હૃદય રોગ થવાનું કારણ હાલની જીવન શૈલી છે. સાથોસાથ સ્ટ્રેસ એ મુખ્ય કારણ બને છે. વારસાગત પણ થતું હોય હમણા જ આપણે જોયું કે બે એકટરનું કાર્ડિયાક એટેકના કારણે મૃત્યુ થયું.

આપણે ત્યાં એડીકશન વ્યસન હોય છે. હમણાંજ આપણે જોયું છે કે ફિલ્મ સ્ટારનું થયું કોકીન, બીજા ડ્રગ્સને કારણે કાર્ડિયાક અસરો જોવા મળે છે. હાર્ટએટેકના તેને જોડી શકાય. અત્યાર સુધી સામાન્ય 40 -45 વર્ષ પછી પુરૂષોમાં જોવા મળે અને સ્ત્રીમાં પોસ્ટ મેનોપોઝમાં હાર્ટએટેક વધુ જોવા મળે આજે અમે 14 વર્ષના છોકરાને હાર્ટએટેક આવતા જોયું છે. હવે 25 થી 30 વર્ષ સુધીમાં હાર્ટએટેક આવતા જોવા મળે છે. કોઈપણ સામાન્ય છાતીનો દુ:ખાવો, પરસેવો વળવો, ગભરાટ થવી, મુજારો થવો, ખાસ કરી જળબામાં દુ:ખાવો વગેરે લક્ષણો જો હોય તો તેને નજર અંદાજ ન કરી ડોકટરની પાસે જઈ નિદાન કરાવવું જોઈએ.

 

આરોગ્ય કેન્દ્ર પરથી બિન ચેપી રોગનું નિદાન સારવાર કરી મફ્ત દવા અપાશે: મેયર

લોકોના સ્વાસ્થ્યના હિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલએ “નિરામય ગુજરાત” યોજના અમલી બનાવી: લીલાબેન અંકોલીયા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “નિરામય દિવસ” ઉજવણીના ભાગરૂપે આજે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કેમ્પનો શુભારંભ ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરમેન લીલાબેન અંકોલીયાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.લીલાબેન અંકોલીયાએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદી સતત જાગૃત રહ્યા છે અને આપણને જાગૃત કર્યા છે અને તેથી જ આપણે કોરોના સામે આપણે સૌ લડી શક્યા છીએ.

પ્રધાનમંત્રીએ આયુષ્માન ભારત યોજના લોન્ચ કરેલ છે. તે અંતર્ગત આમ જનતા માટે આયુષ્માન ભારત કાર્ડ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે, જે લોકો માટે ખરેખર આશીર્વાદરૂપ સાબિત થયું છે. આ કાર્ડના પરિણામે હવે કોઈ ગરીબ દર્દી પૈસાના અભાવે સારવારથી વંચિત રહેતા નથી. નિરોગી બની રહેવું જરૂરી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ “નિરામય ગુજરાત” ઉમદા વિચારને અમલી બનાવી, તાત્કાલિક અસરથી લોકોના આરોગ્ય સંબંધિત યોજનાની અમલવારી શરૂ કરાવી. હવે રાજ્યમાં દર શુક્રવારે નિરામય દિવસ નિમિતે વિનામુલ્યે આરોગ્યલક્ષી કેમ્પનું આયોજન કરવામાં આવશે.

આ તકે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તેમના કાર્યકાળમાં અને કોરોનાકાળમાં કરવામાં આવેલ આરોગ્યલક્ષી અને માનવતાવાદી કાર્યોને પણ તેમણે બિરદાવ્યા હતા.

આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્ય કક્ષાના “નિરામય દિવસ” અભિયાનનો શુભારંભ ગુજરાત રાજ્યના  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પાલનપૂર ખાતેથી કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

રોગનુ પ્રારંભિક તબક્કાથી નિદાન કરાવી તેની યોગ્ય સારવાર કરાવે. દર શુક્રવારે રાજકોટ મહાનગરપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે બિનચેપી રોગોનું નિદાન, લેબોરેટરી, સારવાર તથા દવાઓ વિનામુલ્યે પુરી પાડવામાં આવશે.

આ પ્રસંગે ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરમેન લીલાબેન અંકોલીયા તથા મેયર ડો. પ્રદિપ ડવ તથા મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થી ભાઈ-બહેનોને નિરામય કાર્ડ, ડીજીટલ હેલ્થ આઈડી કાર્ડ, આયુષ્માન ભારત કાર્ડ આપવામાં આવેલ હતા.

આ મેડીકલ કેમ્પમાં લોહીનું ઉંચુ દબાણ(હાઇ બ્લડ પ્રેસર), મઘુપ્રમેહ(ડાયાબિટીસ), મોંઢા/સ્તન/ગર્ભાશયના મુખનું કેન્સર, કિડનીના રોગો તથા પાંડુરોગ(એનીમીયા) અને કેલ્શીયમની ઉણ5થી થતા રોગો માટે યોગ્ય નિદાન અને સારવાર વિનામુલ્યે આપવામાં આવી રહી છે.

આ કેમ્પમાં હિમોગ્લોબીન, સુગર, ક્રિએટીન, કાર્ડીયોગ્રામ, લીપીડ પ્રોફાઇલ, પે5 સ્મીયર, સોનો-મેમોગ્રાફી તબીબી ડોકટરની સલાહ મુજબ વિનામુલ્યે કરી આ5વામાં આવી રહી છે.

આ પ્રકારના રોગો માટે નિયમિત ધોરણે દર શુક્રવારે તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે મેડીકલ ઓફિસર દ્વારા જરૂરિયાતમંદ લોકોનું ચેકઅપ કરી, લેબોરેટરીના રીપોર્ટ કરી, નિદાન, સારવાર તથા દવાઓ વિનામુલ્યે કરવામાં આવશે. દરેક શુક્રવારને નિરામય દિવસ ગણી, ઉજવણી કરવામાં આવશે. રાજ્યમાં વિવિધ બિનચેપી રોગથી પીડિત લોકોને આઇડેન્ટીફાઈ કરવા સરકાર દ્વારા 30 વર્ષથી વધુ વયના 3 કરોડ જેટલા લોકોને આ સર્વેમાં આવરી લેવા આવશે તથા તેઓને નિ:શુલ્ક તબીબી સારવાર ઉપલબ્ધ બનાવવામાં આવશે.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન તથા પ્રાસંગિક ઉદબોધન રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા કરવામાં આવેલ. જેમાં તેઓએ જણાવેલ હતું કે, આ રાજ્ય સરકારના “નિરામય ગુજરાત” રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત રાજકોટ ખાતે દર શુક્રવારે બિનચેપી રોગો માટે વિનામુલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.