જય વિરાણી, કેશોદ
પહેલું સુખ તે જાતે નર્યાના ધ્યેય સાથે રાજ્ય સરકારે નિરામય ગુજરાત અભિયાનની શરૂઆત કરાવી હતી. આ અભિયાન ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમા શરૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત મહાઅભિયાન અન્વયે કેશોદ તાલુકા ખાતે નિશુલ્ક મેગા હેલ્થ કેમ્પને પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સાથે જ લાભાર્થીને નિરામય કાર્ડ વિતરણ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
લોકોના આરોગ્ય સુખાકારી માટે અને બિનચેપી રોગો જેવા કે લોહીનું ઊંચું દબાણ, ડાયાબિટીસ, મોઢા/ સ્તનના ગર્ભાશયના મુખનું કેન્સર, કિડનીની બીમારી, એનિમિયા, કેલ્શિયમની ઉણપ જેવા રોગોને આવરી નિરામય ગુજરાત મહાઅભિયાન સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, આજની ઝડપી અને બદલાયેલી જીવનશૈલીના લીધે બિન ચેપી રોગોનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. નાની ઉંમરે જ આવી ગંભીર બીમારીઓ થાય છે. નિરામય ગુજરાત અભિયાનનો હેતુ બિનચેપી રોગો સાથે સંકળાયેલા અકાળ મૃત્યુ, બિન ચેપી રોગોને ઘટાડવાનો છે. આ અભિયાન અંતર્ગત લોકોને બિનચેપી રોગો માટે સ્ક્રિનીંગથી લઈને સારવાર પૂરી પાડવામાં આવશે.
મંત્રીએ સરકાર નિરામય ગુજરાત અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો. મેગા કેમ્પ અન્વયે મંત્રીએ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યરત કરવામાં આવેલ વિવિધ સ્ટોલની મુલાકાત લઇ સેવાઓનું નિરીક્ષણ, લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી.આ તકે મંત્રીના હસ્તે નિરામય કાર્ડનું વિતરણ લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના પૂર્વ એમ.ડી. અને ડાયરેક્ટર દિનેશભાઈ ખટારીયા, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ કર્યું હતું. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન જૂનાગઢ આરોગ્ય અધિકારી ડો.મહેતા, આભારવિધિ એપેડેમીક ઓફીસર ડો. શિલ્પાબેન જાવીયા એ કરી હતી.
આ તકે રવિન્દ્રસિંહ જાડેજા, જાહેર આરોગ્ય સમિતીના ચેરમેન પ્રવીણભાઇ પટોડીયા, જિલ્લા સિંચાઇ સમિતીના ચેરમેન અતુલભાઇ ઘોડાસરા, પૂર્વ ધારાસભ્ય મતી વંદનાબેન મકવાણા, કેશોદ નગરપાલિકા પ્રમુખ મતી લાભુબેન પીપલીયા, કેશોદ તાલુકા પંચાયત પ્રમુખ નરેન્દ્રભાઇ દેત્રોજા, કેશોદ પ્રાંત અધિકારી દેવેન્દ્રભાઇ રાઠોડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.