કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રી દ્વારા કરાયું વૃક્ષારોપણ

આધ્યાત્મિક ગુરુ તથા આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ગુજરાત યાત્રા કરી રહ્યા છે. પર્યાવરણ સુરક્ષા ના હેતુથી આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા મિશન ગ્રીન અર્થ-ગુજરાત પ્રોજેક્ટ નો પ્રારંભ થઇ રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં, વિશ્વમાં 5.5 કરોડ જેટલાં વૃક્ષોને ઉછેરવામાં આવ્યાં છે.

આર્ટ ઓફ લિવિંગ ગુજરાત આશ્રમ- વાસદ ખાતે, માનનીય મુખ્ય મંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ની ઉપસ્થિતિમાં, મિશન ગ્રીન અર્થ-ગુજરાત પ્રોજેક્ટ – ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ની શરૂઆત વૃક્ષારોપણ થી કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ દ્વારા, આર્ટ ઓફ લિવિંગ સંસ્થા ગુજરાતમાં એક હજાર કરોડ વૃક્ષો ને રોપીને તેનો ઉછેર કરશે.

એક પર્યાવરણીય અભ્યાસ અનુસાર, કાર્બન એમિશન ની અસરને જો ન્યુટ્રલ કરવી હોય તો પ્રત્યેક નાગરિકએ પોતાના જીવનકાળ દરમ્યાન 340 વૃક્ષોને રોપીને તેનો ઉછેર કરવો જોઈએ. આ જ સમીકરણ પ્રમાણે, પ્રત્યેક વ્યક્તિએ પ્રતિ માસ, 6 વૃક્ષો વાવવાં જોઈએ. દેશનાં કુલ કાર્બન એમિશન ના 7.41% કાર્બન એમિશન ગુજરાત રાજ્યમાં ગત વર્ષે થયું હતું. આગામી વર્ષોમાં, જો યોગ્ય માત્રામાં વૃક્ષારોપણ ન કરવામાં આવે તો ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે તેમ છે. આ પરિસ્થિતિને નિવારવા, ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ની પ્રેરણાથી આર્ટ ઓફ લિવિંગ દ્વારા મિયાવાકી અને પારંપરિક પદ્ધતિઓથી રાજ્યભરમાં કરોડોની સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવશે. પાટણ જિલ્લામાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા સંચાલિત મિયાવાકી વનીકરણ પ્રોજેક્ટ સફળ થઇ રહ્યો છે. મિશન ગ્રીન અર્થ-ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત વૃક્ષારોપણ, ઉછેર, પર્યાવરણ પ્રતિ જાગૃતિ અને જવાબદારી, ગાર્ડનિંગ અને પ્લાન્ટેશનની તાલીમ, નર્સરી ઉછેર અને વૈજ્ઞાનિક સમજ તથા ટેક્નોલોજી નો ઉપયોગ આ સઘળાં પાસાં આવરી લેવામાં આવ્યાં છે.

મિશન ગ્રીન અર્થ-ગુજરાત પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરતાં  મુખ્યમંત્રી  અને ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી એ આર્ટ ઓફ લિવિંગ-ગુજરાત આશ્રમના પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. માનનીય મુખ્યમંત્રીશ્રી એ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના આશીર્વાદ લઈને, આર્ટ ઓફ લિવિંગ ના સેવા કાર્યોને બિરદાવ્યા હતા. ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ ગુજરાતની પ્રગતિ અને સમૃદ્ધિ માટે માનનીય મુખ્ય મંત્રી ના પ્રયાસોની પ્રશંસા કરી હતી તથા તેઓએ પોતાનો મૂલ્યવાન સમય ફાળવ્યો તે માટે આભાર માન્યો હતો.

આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના કલેક્ટર  એમ. વાય. દક્ષિણી, એસપી   પ્રવીણકુમાર મીના, એમએલએ પંકજભાઈ દેસાઈ, એમપી   મિતેશ ભાઈ પટેલ, ડીડીઓ   મિલિન્દ બાપના, બીજેપી -આણંદ પ્રમુખ  વિપુલભાઈ પટેલ તથા એમએલએ   સંખેડા – અભયસિંહ તડવી ઉપસ્થિત રહ્યા હતા.

વાસદ થી ગુરુદેવ શ્રી શ્રી એ કેવડિયા કોલોની તરફ પ્રયાણ કર્યું હતું. પર્યાવરણ,વન અને જળ-વાયુ પરિવર્તન મંત્રાલય – ભારત સરકાર દ્વારા 23-24 સપ્ટેમ્બરના રોજ, દેશના બધા જ રાજ્યોના ખજ્ઞઊઋ  એન્ડ ક્લાઈમેટ ચેન્જ વિભાગ ના મંત્રીઓ માટે કેવડિયા કોલોની ખાતે, પર્યાવરણ,વન અને જળ-વાયુ પરિવર્તન મંત્રાલય – કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્રભાઈ યાદવની ઉપસ્થિતિમાં, નેશનલ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું છે, આ પરિષદને માનનીય પ્રધાન મંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરી હતી તથા ગુરુદેવ શ્રી શ્રી નાં આશીર્વચન સાથે પરિષદનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.