ગાંધીનગર: આજે ગુજરાત સ્થાપના દિવસ એટલે કે પહેલી મેથી રાજ્યના 10 જિલ્લામાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે કોરોના રસીકરણ અભિયાન શરૂ થયુ. ત્યારે સીએમ રૂપાણી અને રાજ્યપાલ દેવવ્રતજી દ્વારા ડેશબોર્ડના માધ્યમથી “મારૂ ગામ કોરોના મુક્ત ગામ” રાજ્યવ્યાપી અભિયાન હેઠળ વિવિધ ગામના સરપંચ સાથે સંવાદ કર્યો હતો.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગુજરાતના સ્થાપના દિવસે ‘મારું ગામ કોરોના મુક્ત ગામ’ બને તે માટે રાજ્યવ્યાપી અભિયાનનો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યો હતો. આ અંગે સી.એમ રૂપાણીએ જણાવ્યું હતું કે, ‘આજે આપણે સંકલ્પ કરીએ કે, મારા ગામમાં કોરોનાના કેસ વધશે નહીં, મારું ગામ કોરોના મુક્ત બનશે. તે માટે 10 લોકોની કમિટિ બનાવીએ અને તેઓ આખા ગામની ચિંતા કરે. આજે આપણે સંકલ્પ કરીએ કે, મારું ગામ કોરોના મુક્ત બને. આપણે ગામના જે લોકોને શરદી ખાંસી કે કોરોનાનાં અન્ય લક્ષણો હોય તેમનો ટેસ્ટ કરાવીએ. હવે કોરોનાની બીજી લહેરથી આખા પરિવાર સંક્રમિત થાય છે એટલે સારવાર ત્વરીત મળી રહે તેવી વ્યવસ્થા કરીએ. તેમને સારવાર આપીએ.
ઉલ્લેખનિય છે કે,કોરોના સામેની લડતમાં મહાનગરોની સાથે સાથે નાના ગામડાઓમાં રહેતા નાગરિક જાગૃત થાય અને સાવચેતીના પગલાં અનુસરે તેવા ઉદ્દેશથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાએથી જિલ્લાના આગેવાનો તાલુકા કક્ષાએ તાલુકા પંચાયતના આગેવાનો સહિત અધિકારીઓ આ અભિયાનમાં જોડાયા હતાં.