આ વખતે કેસર કેરીના ભાવ ઉંચા રહે અને આવક મર્યાદિત રહે તેવી સંભાવના
ફળોનો રાજા એવી કેસર કેરીનું બજારમાં આગમન થઈ ચૂકયું છે. જો કે, હાલ કેરીના ભાવ ખુબજ ઉંચા હોવાના કારણે મધ્યમવર્ગ અને ગરીબ લોકોને કેરી ખાવી પોસાય તેમ નથી. દરમિયાન આગામી ૫મી મે થી તાલાલા માર્કેટીંગ યાર્ડ ખાતે કેસર કેરીની હરરાજીનું આરંભ થશે. આ વખતે કેસરના ભાવ સામાન્ય કરતા ઉંચા રહેવાની અને આવક મર્યાદિત રહેવાની સંભાવના જણાય રહી છે. ગત વર્ષ કરતા આ વર્ષે તાલાલામાં કેસરની હરરાજી બે દિવસ મોડી શ‚ થશે.
ગત વર્ષે તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ત્રીજી મે ના રોજ કેસર કેરીની હરરાજીનું આરંભ થયો હતો અને સીઝન દરમિયાન ૧૦ કિલોના એક બોક્ષ એવા કુલ ૮,૩૦,૦૦૦ બોકસની આવક થવા પામી હતી અને ખેડૂતોને સરેરાશ ૧ બોક્ષના રૂ.૩૧૦ ભાવ મળ્યા હતા. આ વખતે તાલાલા યાર્ડમાં કેસર કેરીની હરરાજી નિયત સમય કરતા બે દિવસ મોડી શરૂ થશે. આગામી ૫મી મે થી કેસર કેરીની હરરાજી શરૂ થશે.
જેમાં આ વર્ષે કેસરનો ભાવ સામાન્ય કરતા ઉંચો રહેશે તેવી શકયતા જણાય રહી છે. એક તો આ વખતે કેરીનો પાક ધાર્યા કરતા ઓછો ઉતર્યો છે બીજી તરફ પખવાડીયા પહેલા રાજયમાં પડેલા કમોસમી વરસાદના કારણે કેરીના પાકને ભારે નુકશાની થવા પામી હોવાના કારણે આ વખતે ઉત્પાદન ઓછુ અને ભાવ વધુ રહેવાની શકયતા છે. જો સીઝનના અંતિમ દિવસોમાં કેસર કેરી સસ્તા ભાવે મળે તેવી પણ આશા વ્યકત કરાઈ છે.